મહારક્તદાન કેમ્પ અને મહાપ્રસાદમાં ઉમટ્યા હજારો ભાવિકોઃ ચૌધરી હાઈસ્કૂલથી પંચનાથ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા, રક્તદાન, સાડી વિતરણ અને મહાપ્રસાદ સહિત સેવાકીય કાર્યોની વણઝાર
ચૌધરી હાઈસ્કૂલથી નીકળેલી શોભાયાત્રા પંચનાથ મહાદેવ મંદિરે સંપન્ન થઈ
- Advertisement -
વિશ્વવંદનીય સંત શિરોમણી વીરપુરના પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતીની રાજકોટ શહેરમાં અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રઘુવંશી સંસ્થાઓ દ્વારા મહાઆરતી, અન્નકૂટ દર્શન, મહાપ્રસાદ અને સેવાકીય કાર્યક્રમોના આયોજનથી સમગ્ર વાતાવરણ ‘જય જલિયાણ’ના ગગનભેદી નાદ સાથે ભક્તિમય બની ગયું હતું. જલારામ જન્મોત્સવ સમિતિના વડપણ હેઠળ સવારે ચૌધરી હાઈસ્કૂલના પટાંગણથી સંતો-મહંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને પૂજનવિધિ બાદ ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ચૌધરી હાઈસ્કૂલથી નીકળેલી આ શોભાયાત્રા સદર બજાર, જનસત્તા ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, જવાહર રોડ, જ્યુબિલી ચોક, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક અને કરણપરા ચોક સહિતના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ પંચનાથ મહાદેવ મંદિરે સંપન્ન થઈ હતી, જ્યાં માર્ગમાં વેપારીઓ અને સ્થાનિકો દ્વારા શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં જલારામ બાપાના જીવનપ્રસંગો અને સામાજિક સંદેશ આપતા ૨૧થી વધુ આકર્ષક ફ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય રથમાં બાપાની તસવીર બિરાજમાન હતી તેમજ ડીજેના તાલે ધમાલ નૃત્ય અને બાળકોની વેશભૂષાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. પંચનાથ મહાદેવ મંદિરે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ભવ્ય મહાઆરતી યોજાઈ હતી અને ત્યારબાદ આયોજિત મહાપ્રસાદનો હજારો ભાવિકોએ લ્હાવો લીધો હતો. આ ઉપરાંત જલારામ જયંતી નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી રઘુવંશી મિત્ર મંડળ દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રેલનગર (જલિયાણ ધામ) અને સાધુવાસવાણી રોડ સહિત ત્રણ સ્થળોએ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો, જ્યારે ભોળાનાથ મહાદેવજી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ૧૦૦૦ જેટલી જરૂરિયાતમંદ બહેનોને ભોજન સાથે સાડી વિતરણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
વિવિધ સંસ્થાઓ દ્વારા ધાર્મિક અને સેવાકીય આયોજનો
મહારક્તદાન કેમ્પ: શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી રઘુવંશી મિત્ર મંડળ દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રેલનગર (જલિયાણ ધામ) અને સાધુવાસવાણી રોડ સહિત ત્રણ સ્થળોએ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો.
સેવાકીય પ્રવૃત્તિ: ભોળાનાથ મહાદેવજી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ૧૦૦૦ જેટલી જરૂરિયાતમંદ બહેનોને ભોજન સાથે સાડી વિતરણ કરવામાં આવ્યું હતું.
જલારામ કુટીર અને અન્નકૂટ: જલિયાણ કુટીર ગ્રુપ દ્વારા શહેરમાં ૧૦ સ્થળોએ જલારામબાપાની કુટીરનું નિર્માણ કરાયું હતું. આ ઉપરાંત રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ (વિરાણી હાઈસ્કૂલ), જલારામ સેવા ટ્રસ્ટ (આનંદનગર), રઘુવંશી યુવા શક્તિ સંઘ, રઘુવંશી સેવા સમાજ, આશાપુરા યુવક મંડળ અને રઘુવંશી મિત્ર મંડળ (RMC હોલ) સહિતની સંસ્થાઓ દ્વારા અન્નકૂટ દર્શન, આરતી સુશોભન સ્પર્ધા, મહાઆરતી અને મહાપ્રસાદના ભવ્ય આયોજનો કરાયા હતા, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.




