આધુનિક સુવિધાઓથી સજ્જ બે કિમી લાંબો માર્ગ શહેરને આપશે નવી ઓળખ; ટ્રાફિક સમસ્યા હળવી થશે અને પર્યટનને વેગ મળશે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર શહેરના સુવ્યવસ્થિત અને આધુનિક વિકાસને વેગ આપવા માટે મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ, છાંયા વિસ્તારમાં રૂ. 15 કરોડના ખર્ચે અંદાજે બે કિલોમીટર લાંબો આઇકોનિક રોડ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની સાથે નાગરિકોને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા પૂરી પાડવાનો અને શહેરની સૌંદર્યવૃદ્ધિ કરવાનો છે. મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના નેતૃત્વમાં આ કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે, જે અંતર્ગત માર્ગના મધ્યમાં 0.60 મીટર પહોળું ડિવાઈડર બનાવી ત્યાં કદંબ, ગુલમહોર અને લીમડા જેવા વૃક્ષોનું વાવેતર કરાશે. આ આઇકોનિક રોડની વિશેષતા એ છે કે તેમાં બંને બાજુ 6.50 મીટર પહોળો મુખ્ય માર્ગ, 1.70 મીટરની પાર્કિંગ જગ્યા અને 1.50 મીટર પહોળી ફૂટપાથની સુવિધા આપવામાં આવશે. નાગરિકોની સુવિધા માટે 10 મીટરના અંતરે કુલ 450 ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટ્સ, 12 અતિ આધુનિક બસ સ્ટેન્ડ, 350 બેંચ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત 32 ડસ્ટબીન મૂકવામાં આવશે. સુરક્ષાને પ્રાધાન્ય આપતા આ માર્ગ પર અન્ડરગ્રાઉન્ડ યુટિલિટી ડક્ટ્સ બનાવવામાં આવશે, જેમાં પાણી, ગેસ, ઇલેક્ટ્રિક અને કોમ્યુનિકેશન લાઈનો નાખવામાં આવશે જેથી ભવિષ્યમાં રોડ ખોદવાની જરૂર ન પડે. વધુમાં, વરસાદી પાણીના નિકાલ માટે આધુનિક સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ પણ કાર્યરત કરાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી છાંયા વિસ્તારમાં પ્રોપર્ટી વેલ્યુ વધશે અને આ વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે પોરબંદરના વિકાસમાં એક નવું સીમાચિહ્ન સાબિત થશે.



