ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ રવિવારે, 1 માર્ચના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે ટકરાશે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાનારો આ મુકાબલો બંને ટીમ માટે નિર્ણાયક છે, કારણ કે આ મેચ જીતનારી ટીમ સેમિ ફાઈનલમાં પ્રવેશ કરશે, જ્યારે હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
સેમિ ફાઈનલનું સમીકરણ: ભારત સામે ઇંગ્લેન્ડનો પડકાર?
- Advertisement -
સુપર-8માં સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ ભારત હવે ઝિમ્બાબ્વે સામેની જીત સાથે ફરી લયમાં છે. જો ભારત વેસ્ટ ઇન્ડિઝને હરાવે છે, તો 4 પોઈન્ટ સાથે સેમિ ફાઈનલમાં તેનો મુકાબલો ગ્રુપ-2ની ટોપર ટીમ ઇંગ્લેન્ડ સામે થઈ શકે છે. બીજી તરફ, સાઉથ આફ્રિકા સારા નેટ રન રેટ અને 4 પોઈન્ટ સાથે ગ્રુપ-1માં ટોચ પર રહે તેવી પૂરી શક્યતા છે. આ સ્થિતિમાં, જો ભારત બીજા ક્રમે રહેશે તો 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારા બીજા સેમિ ફાઈનલમાં તેનો સામનો ઇંગ્લેન્ડ સામે થશે.
2024નો બદલો લેવા તૈયાર ઇંગ્લેન્ડ: સાવધાન રહેવું પડશે
છેલ્લા વર્લ્ડ કપમાં ભારતે ઇંગ્લેન્ડને સેમિ ફાઈનલમાં 68 રને હરાવ્યું હતું, પરંતુ આ વખતે લડત વધુ કઠિન બની શકે છે. ઇંગ્લેન્ડે સુપર-8માં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમોને હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. હેરી બ્રુકની સદી અને જોસ બટલર, ફિલ સોલ્ટ જેવા ખેલાડીઓ ભારત માટે જોખમી સાબિત થઈ શકે છે. જોકે, ભારતનું બોલિંગ આક્રમણ ઇંગ્લેન્ડ કરતા વધુ મજબૂત દેખાઈ રહ્યું છે અને અગાઉ અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ માત્ર 54 બોલમાં 135 રન ફટકારીને પાયમાલી સર્જી હતી, જે આત્મવિશ્વાસ વધારનારી બાબત છે.




