51 વર્ષની ઉંમરે સાકાર થયું સ્વપ્ન
આ ઐતિહાસિક પ્રસંગનું ભવ્ય આયોજન આજે અમદાવાદના ટાગોર હોલમાં યોજાશે: કલા ગુરુ નીતા ફૂલમાળીની સતત પ્રેરણાએ વિનસબેનની સફર મજબૂત બની
- Advertisement -
આરંગેત્રમ માત્ર નૃત્ય નહીં, પરંતુ નારી શક્તિ અને સંઘર્ષનું પ્રતીક: વિનસબેન મહેતા વિનસબેન મહેતાનું આરંગેત્રમ માત્ર નૃત્ય કાર્યક્રમ નહીં, પરંતુ નારી શક્તિ, આત્મવિશ્વાસ અને સંઘર્ષનું જીવંત પ્રતીક બની રહ્યું છે. તેમના શબ્દોમાં જો મનમાં દૃઢ સંકલ્પ હોય તો કોઈ પણ ઉંમર મોટી નથી.
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
શહેરની એક સામાન્ય ગૃહિણી આજે સમગ્ર અમદાવાદ માટે પ્રેરણાસ્ત્રોત બની ગઈ છે. 51 વર્ષની ઉમરે ભરતનાટ્યમનું આરેંગેત્રમ કરીને વિનસબેન વિકાસભાઈ મહેતાએ સાબિત કરી દીધું છે કે મનમાં દૃઢ સંકલ્પ હોય તો કોઈ ઉંમર મોટી નથી. દીકરીને નૃત્ય કરતા જોઈને વર્ષો જૂનું પોતાનું સ્વપ્ન જીવંત થયું અને ત્યાંથી શરૂ થયો વિનસબેન મહેતાનો સંઘર્ષમય પરંતુ પ્રેરણાદાયી પ્રવાસ.
યશવંતરાય વ્યાસની પુત્રી અને હાલ ગૃહિણી તરીકે પરિવારની જવાબદારી સંભાળતી વિનસબેન મહેતાએ ગુરુ સ્વાતિ પટેલના માર્ગદર્શન હેઠળ સાઉથ બોપલની ઉંજઊં ડાન્સ એકેડમીમાં ફરી વિદ્યાર્થિની બનીને તાલીમ શરૂ કરી. કલા ગુરુ નીતા ફુલમાળીની સતત પ્રેરણાએ તેમની સફર વધુ મજબૂત બનાવી.
દરરોજ ચારથી પાંચ કલાકની કઠોર સાધના અને ચાર વર્ષના અનુશાસન બાદ અંતે તેમણે જીવનના એક મહત્વના મુકામ ભરતનાટ્યમ આરંગેત્રમ સુધી પહોંચવાનો ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. આ ઐતિહાસિક પ્રસંગનું ભવ્ય આયોજન આજે અમદાવાદના ટાગોર હોલ ખાતે થશે. ખાસ વાત એ છે કે તેમની દીકરી પણ નૃત્યક્ષેત્રે પ્રગતિ કરી રહી છે, જે માતા-પુત્રીની કલાત્મક પરંપરાને વધુ ગૌરવ આપે છે. વિનસબેન મહેતાની આ ઉપલબ્ધિ પાછળ તેમના પિતા યશવંતરાય વ્યાસ (બેંક ઓફ બરોડા), માતા શોભનાબેન, પતિ વિકાસભાઈ મહેતા, હિન્દુ જાગરણ મંચના હારીતભાઈ વ્યાસના પરિવારજનો, ગુરુજનો અને કલાજગતનો મહત્વનો સહયોગ રહ્યો છે.
- Advertisement -
આરંગેત્રમ એટલે શું ?
શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા સાધનાની ફલશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ. સૌપ્રથમ વાર રંગમંચ પર જાહેરમાં નૃત્યકારનું પદાર્પણ તે વખતે થાય છે. તમિલ ભાષામાં ’આરંગુ’ એટલે રંગમંચ અને ’એત્રલ’ એટલે આરૂઢ થવું. મૂળ ક્રિયાપદ ’અરંગેત્રલ’ ઉપરથી નામ આરંગેત્રમ શબ્દ યોજાયો



