સિવિલ હૉસ્પિટલમાં દવા બારીઓ પર અવ્યવસ્થા, 6માંથી માત્ર 2 બારી જ ખુલ્લી રહે છે
અનેક દર્દીઓની વ્યથા : દવા લેવા માટે બે-બે કલાક લાઇનમાં ઉભા રહેવુ પડે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દવાબારી પર કલાકો સુધી લાઇનમાં ઉભુ રહેવુ પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે લોકો બહારથી મોંઘી દવાઓ લેવા માટે મજબૂર બન્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવા બારીઓ પર છેલ્લા એક અઠવાડિયાથી અવ્યવસ્થાની સ્થિતિ યથાવત રહેતા દર્દીઓ અને તેમના સગાઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
હોસ્પિટલમાં દવા વિતરણ માટે કુલ છ બારીઓ હોવા છતાં રોજબરોજ માત્ર બે બારીઓ જ ખુલ્લી રાખવામાં આવતી હોવાનો આક્ષેપ દર્દીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. પરિણામે સવારે થી સાંજ સુધી દવા લેવા જતા સગાસંબંધીઓને બે-બે કલાકથી વધુ લાઈનમાં ઊભા રહેવું પડે છે.
દર્દીઓનું કહેવું છે કે બારી પર બેઠેલા બાબુઓ સહજ રીતે જવાબ આપતા નથી અને લાઈનમાં ન ઊભા રહેવું હોય અને ઉતાવળ હોય તો દવા બહારથી લઇ લ્યો તેવા ઊડાવ જવાબો આપે છે. ઉપરાંત, દવા કેટલા સમયાંતરે લેવાની, કેવી રીતે લેવાની જેવી મૂળભૂત માહિતી આપતું લેબલ પણ દવાઓ પર ન લગાડવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. તેમજ આ દવા ક્યારે લેવાની અને જમ્યા પછી કે પહેલા લેવાની તેમ જો પૂછવામાં આવે તો ખબર નથી તેવા પણ ઉડાવ જવાબ આપતા હોવાની અનેક દર્દીઓના સગા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
- Advertisement -
લોકમુખે એવી પણ ચર્ચા છે કે બારી પર બેઠેલો ઘણો સ્ટાફ જુનો હોવાને કારણે દર્દીઓ સાથે ઉદાસીન અને ઉડાવવાળો વલણ દાખવે છે. ઘણીવાર સ્ટાફ દવા બારીની અંદર બેસીને કાર્ય કરવા બદલે બારીમાંથી બહાર આવી આંટાફેરા મારતા રહે છે, જેના કારણે લાઈન વધુ લાંબી બને છે.
આ સમગ્ર પરિસ્થિતિને લઈ દર્દીઓએ નવી અને સક્રિય સ્ટાફની નિમણૂક કરવામાં આવે તેવી માગ ઉઠાવી છે. હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ પહોંચે છે ત્યારે દવા બારી જેવી મૂળભૂત સેવા જ વ્યવસ્થાથી ન ચાલે તો સામાન્ય લોકોની મુશ્કેલી વધુ વધી શકે છે.
સિવિલના તબીબ ચાલું ફરજે ભર ઉંઘમાં : વિડીયો વાઇરલ
સિવિલ હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં આરામ કરતા તબીબ…

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલનો અંદાજે 2 દિવસ પહેલાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં હાથમાં ઇજા સાથે દર્દી અને તેના સગા હાડકાના વોર્ડમાં પ્રવેશે છે. આ દરમિયાન ડોક્ટર ઉંઘતા જોવા મળ્યા હતા. જ્યારે દર્દીના સગા ડોક્ટરને જગાડી આ ફાઈલ જોવો, દર્દીને વધારે વાગ્યું છે તેમ છતાં પણ દાખલ કરવામાં નથી આવ્યો તેમજ તાત્કાલીક સારવાર આપવાનું કહેતા નજરે પડે છે. ત્યાર બાદ પણ ડોક્ટર ઉંઘમાં ફાઇલ વાંચતા જોવા મળે છે. રાત્રિ ડ્યુટી કરતા ડોક્ટરો અનેક વખત વિવાદમાં આવ્યા છે, ત્યારે વધુ એકવાર વીડિયો સામે આવતા ફરી સરકારી હોસ્પિટલ વિવાદમાં આવી છે.
જે મામલે સિવિલ હોસ્પિટલના છખઘએ તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.



