રસ્તો તૂટી જવાથી અવારનવાર અકસ્માતોની ઘટના: ધ્રાંગધ્રા તાલુકાના અનેક ગામોને જોડતા માર્ગને તાત્કાલિક રીપેર કરવાની સ્થાનિકોની માંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ટીકર ગામથી પાંડવરા ગામને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિક લોકોને અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -
આ રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે દરરોજ અહીંથી પસાર થતા વાહનોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો જે મજૂરી માટે અહીંથી પસાર થાય છે, તેમને આ ખરાબ રોડના કારણે વધુ હાલાકી ભોગવવી પડે છે. ઉલ્લેખનીય છે કે, આ માર્ગ ધાંગધ્રા તાલુકાના અનેક ગામોને પણ જોડે છે, જેના કારણે અહીં ટ્રાફિકનું પ્રમાણ પણ સારું રહે છે. ખરાબ રસ્તાને કારણે વાહનચાલકોને અવારનવાર અકસ્માતનો ભોગ પણ બનવું પડે છે.
વાહનચાલકો જયપાલભાઈ, શિવુભા સહિતનાઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી રોડની હાલત ખરાબ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકો અને વાહનચાલકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ કરીને તેને વાહનવ્યવહાર યોગ્ય બનાવવા માટે સખત માંગ કરી છે, જેથી જનતાની હાલાકી દૂર થઈ શકે.



