રસ્તો બંધ થતાં BLO પહોંચી શકતા નથી : અગરિયાઓનું અસ્તિત્વ જોખમમાં મૂકાવાની ભીતિ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
- Advertisement -
કચ્છના નાના રણમાં સતત વરસાદના કારણે રસ્તો બંધ થઈ જતાં સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજે 3500 અગરિયા પરિવારો માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમની એન્યુમેરેશન ફોર્મ ભરવાની કામગીરી ખોરંભે પડી છે. હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતના ચૂંટણીપંચના આદેશ મુજબ, તા. 1/1/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (જઈંછ-2026) ચાલી રહ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત, જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તારો (60-દસાડા, 61-લીંબડી, 62-વઢવાણ, 63-ચોટીલા અને 64-ધ્રાંગધ્રા)ના કુલ 1518 મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસરો (ઇકઘત) દ્વારા 14,81,991 મતદારો માટે ’હાઉસ ટુ હાઉસ’ મુલાકાત દ્વારા એન્યુમેરેશન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરાઈ છે, જે તા. 4 ડિસેમ્બર, 2025 સુધી ચાલવાની છે. સુરેન્દ્રનગર જિલ્લાના 44 ગામોના અંદાજે 3500 અગરિયા પરિવારો મીઠું પકવવા માટે કચ્છના નાના રણમાં ગયા છે. ગત તા. 28, 29 અને 30 ઓક્ટોબરના રોજ સતત ત્રણ દિવસ મુશળધાર વરસાદ પડવાના કારણે રણમાં જવા-આવવાનો રસ્તો સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. આને કારણે ઇકઘત અગરિયા સમુદાય સુધી પહોંચી શકતા નથી અને એન્યુમેરેશનની કામગીરી અટકી ગઈ છે. અહીં નોંધનીય છે કે, ભારે વરસાદને કારણે અગરિયા સમુદાયની મીઠું પકવવાની મહેનત પાણીમાં ગઈ હતી. રાજ્ય સરકારે ખેડૂતોને કમોસમી વરસાદ માટે અંદાજે ₹10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ અગરિયા સમુદાયને કોઈ સહાય ચૂકવવામાં આવી ન હતી.
હાલમાં રસ્તો બંધ હોવાથી જો અગરિયા સમુદાય સમયસર આ એન્યુમેરેશન ફોર્મ નહીં ભરી શકે, તો તેમના અસ્તિત્વ પર જોખમ ઊભું થઈ શકે છે. રણમાં ફસાયેલા આ સમુદાય દ્વારા તંત્ર આ બાબતે યોગ્ય આયોજન કરે અને વહેલી તકે કામગીરી હાથ ધરે તેવી માંગ કરવામાં આવી છે.



