આ શાળામાં બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ અને માતાઓએ ત્રણ દિવસ આવવું પડે છે
જ્યારે આપણે શાળાનું નામ સાંભળીએ છીએ ત્યારે આપણાં મગજમાં એક ઇમારતનું ચિત્ર આવે છે જ્યાં નાના-મોટા તમામ ઉંમરના બાળકો બેગ લઈને આવે છે અને અભ્યાસ કરે છે. પરંતુ આજે અમે તમને એક એવી સ્પેશિયલ સ્કૂલ વિશે જણાવીશું જ્યાં એડમિશનની પહેલી શરત એ છે કે બાળકની સાથે તેની માતાએ પણ એડમિશન લેવું પડે છે. કરાચીના લિયારી વિસ્તારમાં આવેલી ’મધર ચાઈલ્ડ ટ્રોમા ઈન્ફોર્મ્ડ સ્કૂલ’માં બાળકો તેમની માતાઓ સાથે એડમિશન લેવા માટે પાત્ર છે જેઓ કોઈ અકસ્માતને કારણે આઘાત પામ્યાં હોય અને જેઓ આગળ વધવાની તકોને સમજી શકતાં ન હોય. આ શાળા સબિના ખત્રી દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેમણે પોતે આઠ વર્ષની ઉંમરે પોતાની માતાથી અલગ થવાનો આઘાત સહન કર્યો છે.
- Advertisement -
બાળપણનાં આઘાતથી શરૂ થયેલી વાર્તાએ સબીના ખત્રીને લિયારીમાં એક શાળા ખોલવાની પ્રેરણા આપી જે આજે ઘણાં બાળકોને તેમનાં જીવનમાં આવતાં આઘાતને દૂર કરવામાં મદદ કરી રહી છે. સબીના ખત્રી આ શાળાને એક માતા તરફથી બીજી માતાની ભેટ માને છે. તેણે જણાવ્યું કે તે જ્યારે તે આઠ વર્ષની હતી ત્યારે તે તેની માતાથી અલગ થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે “તે સમયે હું સમજી શકી ન હતી કે શું થઈ રહ્યું છે પરંતુ તે આઘાત મારી અંદર ક્યાંક રહી ગયો હતો.
સબીના કહે છે કે તેની શાળામાં પછાત વર્ગનાં લોકો આવે છે. આ શાળામાં માનવીય મૂલ્યો, માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી જેવી બાબતો પર ભાર મૂકવામાં આવે છે. સબીનાનું માનવું છે કે એવાં ઘણાં બાળકો છે જેઓ અમુક આઘાતમાંથી બહાર આવે છે અને અભ્યાસ કર્યા પછી પણ ચોક્કસ ઉંમરે પહોંચ્યાં પછી તેમને લાગે છે કે તેમનાં માતા-પિતાની વિચારવાની અને સમજવાની રીત તેમનાથી અલગ છે. આ કારણોસર સબીનાએ આ શાળામાં બાળકો તેમજ માતાઓના માનસિક સ્વાસ્થ્ય માટે કામ કરવાનું વિચાર્યું અને આજે આ શાળામાં ભણતાં બાળકને તેની માતા સાથે શાળામાં પ્રવેશ મળે છે.
આ શાળામાં બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ ક્લાસમાં આવવું પડે છે, જ્યારે માતાએ અઠવાડિયામાં ત્રણ દિવસ આવવું પડે છે. બાળકોની જેમ માતાઓ માટે પણ એક અભ્યાસક્રમ રાખવામાં આવ્યો છે જેમાં કાઉન્સેલિંગ સેશનનો પણ સમાવેશ થાય છે. આ શાળાની સફળતા જોઈને, સબીના ખત્રી તેને સમગ્ર કરાચીમાં જ નહીં પરંતુ પાકિસ્તાનનાં અન્ય શહેરોમાં પણ શરૂ કરવા માગે છે. તેની બીજી શાખા કરાચીમાં ખોલવામાં આવી છે.