જીવલેણ વાઇરસના મોંઘાદાટ ટેસ્ટની ચિંતા છોડો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં જેમનો સમાવેશ થાય એવી ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટમાં આકાર લઈ રહી છે. એમાં છેલ્લાં અઢી વર્ષથી OPD તેમજ 6 માસથી IPD સેવા કાર્યરત છે. ગત 25 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ એઇમ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઝડપભેર એઇમ્સનું કામ આગળ વધી રહ્યું છે અને દર્દીઓને સારામાં સારી સુવિધા મળી રહે એ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ માટે ખાસ રાજકોટ એઇમ્સ ખાતે BSL+ લેબનું પણ ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે. 2 કરોડના ખર્ચે બનેલી આધુનિક VRDL BSL 2+ લેબનું ઉદ્ઘાટન કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા દ્વારા 10 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે. આ લેબમાં જીવલેણ વાઇરસના ખાનગી લેબમાં રૂ.700થી રૂ.7000માં થતા 28 ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવશે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓને OPD બાદ IPD સારવાર પણ રાજકોટ એઇમ્સ ખાતે મળી રહી છે, જેમાં 190 કરતાં વધુ ડોક્ટર્સ અને 318 કરતાં વધુ નર્સિંગ સ્ટાફ દર્દીઓની સેવા અને સારવારમાં તહેનાત છે. હાલમાં કાર્યરત 250 બેડની IPD માં 25 બેડ ICU વાળા રાખવામાં આવ્યા છે. જ્યારે હાર્ટ-એટેક, અકસ્માત સહિત ઇમર્જન્સી કિસ્સામાં ડોક્ટરોની ટીમ હાજર રહેશે અને હાલમાં એમ્બ્યુલન્સ સેવા પણ કાર્યરત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એઇમ્સ ફુલ ફલેજ્ડ શરૂ થતાંની સાથે આગામી સમયમાં દર્દીઓને અલગ અલગ 23 પ્રકારની સારવાર પણ મળી રહેશે. જેમાં કુલ 750 બેડની સુવિધા સાથે 15 સુપર સ્પેશિયાલિટી વિભાગ કાર્યરત થશે અને શૈક્ષણિક કાર્ય પણ ચલાવવામાં આવશે.
2 કરોડમાં બનેલી લેબમાં વાઇરલ ડિસીઝનું ટેસ્ટિંગ થશે: ડો.અશ્ર્વિની અગ્રવાલ
રાજકોટ એઇમ્સના ડિપાર્ટમેન્ટ ઓફ ક્લિનિકલ માઈક્રોબાયોલોજી HOD અને એઇમ્સના રિસર્ચ ડીન ડો.અશ્ર્વિની અગ્રવાલે જણાવ્યું હતું કે રાજકોટ એઇમ્સ ખાતે BSL+ લેબનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. અંદાજિત 2 કરોડના ખર્ચે કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા દ્વારા આ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ લેબની અંદર તમામ આધુનિક મશીનરી વડે વાઇરલ ડિસીઝનું ટેસ્ટિંગ કરવામાં આવશે. આ લેબને વાઇરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબ કહેવામાં આવે છે, જે ICMRના સૌજન્યથી બનાવવામાં આવી છે. ત્યાર પછી અપગ્રેડ કરી BSL-3 લેબ બનાવવામાં આવશે, જે માટે MOU પણ કરી દેવામાં આવ્યા છે અને આ BSL 3 લેબ 2025 સુધીમાં શરૂ કરવામાં આવી શકે છે. BSL-2 લેબ માટે 2 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું અને તેમાંથી સંપૂર્ણ મેક ઈન ઇન્ડિયા ક્ધસેપટ સાથે લેબ તૈયાર કરવામાં આવી છે તેમજ BSL-3 માટે કુલ 17 કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે.
- Advertisement -
BSL-3 લેબ તૈયાર થયા બાદ ચાંદીપુરાના ટેસ્ટ પણ અહીં જ થશે
ડો. અશ્ર્વિની અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં શરૂ કરાયેલી લેબમાં ડેન્ગયૂ, મલેરિયા, ચિકનગુનિયા, કોરોના, ઝીકા સહિત 28 જેટલા રોગોનું ટેસ્ટિંગ થઇ શકશે. હવે જ્યારે ચાંદીપુરા નામનો નવો રોગ છે, જેના સેમ્પલ ટેસ્ટિંગ માટે પુણે મોકલવામાં આવી રહ્યા છે એ આવનારા દિવસોમાં BSL-3 લેબ તૈયાર થયા બાદ પુણે મોકલવા જરૂર નહીં પડે અને એઇમ્સ રાજકોટ ખાતે એનું પરીક્ષણ શક્ય બની શકશે. આ લેબ શરૂ થવાથી લોકોને 100% ફાયદો થશે, કારણ કે આ બધા ટેસ્ટ વાઇરલ ડિસીઝનું ડાયગ્નોસ કરી શકીશું અને આ બધા ટેસ્ટ નિ:શુલ્ક કરી આપવામાં આવશે.