લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસમાં ઘટાડા સામે ઈન્ડેક્સેશનનો લાભ રદ
પ્રોપર્ટી માલિકો – ઈન્વેસ્ટરો મોટા પ્રમાણમાં પ્રભાવિત થશે: ખરીદ અને વેચાણ કિંમત વચ્ચેનું અંતર ઓછું હશે તો વધુ ટેકસ ભારણ
વેચાણ દસ્તાવેજને બદલે વેચાણ કરારના દિવસથી જ નવી જોગવાઈ લાગુ થવાથી ફટકો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
- Advertisement -
કેન્દ્ર સરકારના બજેટમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રને લગતી જોગવાઈઓને કારણે તેમાં વ્યાપક અસર થવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. પ્રોપર્ટી વેચાણ પર લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેકસ 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કરવાની સાથોસાથ ઈન્ડેક્સેશનનો લાભ નાબૂદ કરી દેવાયો છે. જો કે, 1 એપ્રિલ 2001 પુર્વેની પ્રોપર્ટીમાં આ જોગવાઈ લાગુ નહીં થવાની ચોખવટ કરવામાં આવી છે.
કેન્દ્રીય નાણામંત્રીએ જ બજેટ બાદ એવો બચાવ કર્યો હતો કે રીઅલ એસ્ટેટ પરની લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેકસ સંબંધીત જોગવાઈથી તમામને અસર નહીં થાય. 2001 પુર્વેની ખરીદાયેલી પ્રોપર્ટીને ઈન્ડેક્સેશનનો લાભ મળતો રહેશે.
જાણકારોના કહેવા પ્રમાણે ઈન્ડેક્સેશનનો લાભ રદ કરતા પ્રોપર્ટી વેચવા માંગતા માલિકો તથા ઈન્વેસ્ટરોને તીવ્ર અસર થઈ શકે છે. તેઓએ વધુ ટેકસ ચૂકવવો પડશે. નાણાપ્રધાને તમામ ફાઈનાન્સીયલ તથા નોન-ફાઈનાન્સીયલ એસેટસ માટેનો લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેકસ 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કરવા સાથે ઈન્ડેક્સેશનનો લાભ રદ કરવાની દરખાસ્ત કરી શકશે.
- Advertisement -
આ દરખાસ્ત મામલે પ્રોપર્ટી માર્કેટના જાણકારોએ ચિંતા દર્શાવવા સાથે લાલબતી ધરી છે. ઈન્ડેક્સેશન લાભ થકી અત્યાર સુધી પ્રોપર્ટી વેચનારા ફુગાવા આધારિત ભાવવૃદ્ધિનો લાભ મેળવીને કરપાત્ર રકમ ઘટાડી શકતા હતા.પ્રોપર્ટી ઉપરાંત ગોલ્ડ જેવા ઈન્વેસ્ટમેન્ટ એસેટસમાં પણ ઈન્ડેક્સેશનનો લાભ રદ કરાયો હોવાથી ફંડોનું રોકાણ ઈકવીટી સ્ટ્રકચર તરફ વળવાનુ મનાય છે.
કરવેરા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે બજેટથી રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં ઘણી ઉથલપાથલ થવાની સંભાવના છે. અગાઉ ત્રણ વર્ષે પ્રોપર્ટી લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેકસમાં આવતી હતી.
જે હવે બે વર્ષે આ શ્રેણીમાં આવી જશે અર્થાત બે વર્ષના હોલ્ડીંગ પીરીયડમાં જ લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેકસની શ્રેણીમાં આવી જશે. આ ઉપરાંત પ્રોપર્ટીનો વેચાણ દસ્તાવેજ બને તે દિવસથી તેનુ વેચાણ-ટ્રાન્સફર માનવામાં આવે છે પરંતુ નવા નિયમો હેઠળ વેચાણ દસ્તાવેજને બદલે માત્ર વેચાણ કરાર થયાના દિવસથી જ જોગવાઈ લાગુ થશે.
પ્રોપર્ટીના વેચાણ અને ખરીદી વચ્ચેની કિંમત મોટી હોવાના સંજોગોમાં નવી જોગવાઈ હેઠળ ટેકસ બચત શકય છે પરંતુ ખરીદ-વેચાણના મૂલ્ય વચ્ચેનું અંતર ઓછુ હશે ત્યાં સુધી ટેકસ ચુકવવો પડશે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે 2001 પુર્વેની પ્રોપર્ટીને હાથ ન લગાવાયો હોવાથી રાહત છે. આ સિવાય રેસીડેન્શીયલ પ્રોપર્ટીના ભાડાની આવકને બિઝનેશ ઈન્કમ ગણાવવાની દરખાસ્તની પણ અસર રહી શકે છે.



