ચેરમેન પુજારાને આ બાબતે
ખાસ-ખબરએ પૂછયું તો તેમણે ગપ્પાંબાજી કરી
શાળાઓને પત્ર મોકલી સંતોષ માની લીધો, જવાબદારી લઇ વ્યવસ્થા ઉભી કરવા કોઇ દોડ્યું નહીં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટ શિક્ષણ સમિતિમાં અંધેરી નગરી અને ચેરમેન પુજારા – શાસનાધિકારી પરમારનું બેજવાબદાર રાજ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ બંને પદાધિકારી – અધિકારીની જોડીએ ગેરવહીવટની તમામ હદ પાર કરી દીધી છે. એક તરફ અગ્નિકાંડની ઘટના બન્યા બાદ શિક્ષણ સમિતિ દ્વારા સરકારી શાળાઓમાં ફાયર સેફટી સાધનોની જવાબદારી શિક્ષક અને આચાર્યના માથે થોપી દઈ વિક્રમ પુજારા અને કિરીટ પરમારે પોતાની જવાબદારીમાંથી છટકબારી શોધી લીધી છે તો બીજી તરફ રાજકોટ શિક્ષણ સમિતિની કચેરીમાં જ ફાયરના સાધનો નથી! હવે શું તંત્ર રાજકોટ શિક્ષણ સમિતિની કચેરી સીલ કરશે? આજ સુધી શિક્ષણ સમિતિની કચેરીમાં ફાયરના સાધનો ન હતા!
- Advertisement -
રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન પુજારા એક તરફ પોતાના માટે લાખોના ખર્ચે આલિશાન ઓફિસ બનાવડાવે છે પણ આ જ ચેરમેન પુજારાને સમિતિની કચેરીમાં ફાયર સેફટીની બોટલ રાખવાનું સૂઝ્યું નથી. સમગ્ર મામલે જ્યારે ખાસ-ખબરે પુજારાનો સંપર્ક કર્યો હતો ત્યારે સૌપ્રથમ તેમણે સવાલ સાંભળી ફોન કાપી નાખ્યો હતો અને પછી તેમના મુખીયાંને કોલ કરી શું જવાબ આપવો એ જાણ્યું હતું. પરંતુ મુખીયાં પણ પુજારા જેવા જ નિયમોના સંપૂર્ણ જાણકાર નહોય તેમણે જણાવ્યું હતું કે, 9 મીટરથી ઉપરનું બાંધકામ હોય તો જ ફાયર સાધનો જોઈએ.
ચેરમેન પુજારાના વાહિયાત જવાબ પર ખાસ-ખબરે તેમનો કાન આમળ્યો હતો અને કહ્યું હતું કે, મતલબ કે 9 મીટર નાની ઈમારતમાં આગ લાગે તો ફાયરના સાધનો જરૂરી નથી? 9 મીટર ઊંચી ઈમારત હોય તો પાઈપલાઈન સાથે ફાયર સેફટી જોઈએ. અને 9 મીટર નાની ઈમારત હોય તો ફાયર બોટલ જોઈએ. ખાસ-ખબરના આ જવાબથી ચેરમેન પુજારાની બોલતી બંધ થઈ ગઈ હતી અને તેમણે તપાસ કરાવું છું એવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ચેરમેન પુજારા અને શાસનાધિકારી કિરીટ પરમાર હોવાથી ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ સરકારી શાળાઓમાં બાળકોની સુરક્ષાને લઈને વાલીઓ ચિંતિત બન્યા છે.
શિક્ષણ સમિતિની અનેક શાળાઓમાં ફાયર સેફટીના સાધનો પૂરતા પ્રમાણમાં નથી. જે શાળાઓમાં ફાયર સેફ્ટી છે તે પણ ફક્ત નામ પૂરતા છે, કેટલાક સાધનો એક્સપાયર થયા હોવા છતાં તેને ફરીથી ઈન્સ્ટોલ-રિફિલ કરાયા નથી. પુજારા-પરમારને માત્ર પોતાના સ્વાર્થ સાધવામાં રચ્યાપચ્યા છે, તેમણે શાળાને પત્ર પાઠવી આપ્યો છે પણ ચેકીંગમાં જવાની ફૂરસદ નથી ત્યારે કહી શકાય કે શિક્ષણ સમિતિની શાળામાં બાળકોના જીવ તો શિક્ષણ સમિતિની કચેરીમાં કર્મચારીઓથી લઈ મુલાકાતીઓના જીવ રામ ભરોસે છે.
- Advertisement -
સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ માથે રાણીપાના ચાર હાથ
DEOની જગ્યાએ કડક અને પ્રામાણિક અધિકારીની તાતી જરૂર
રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ ખાનગી શાળા અને ક્લાસીસમાં ફાયર સાધનો અને એનઓસી સિવાય જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની કોઈ જવાબદારી બનતી નથી, ફેબ્રિકેશન ડોમ અને ગેરકાયદે બાંધકામ કોર્પોરેશનની જવાબદારી છે એવું જણાવી ડિઈઓ રાણીપાએ દર્શાવી આપ્યું છે કે, તેઓને બાળકોના જીવ જોખમમાં મૂકાઈ કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો પણ કશી પડી નથી. પોતાની એસી ચેમ્બર છોડી રાણીપાને કડક કામગીરી કરી જાનહાનિ અટકાવવામાં રસ નહોય તેવું જણાય રહ્યું છે. જ્યારથી જિલ્લા શિક્ષણાધિકારીના પદે રાણીપાની નિયુક્તિ થઈ ત્યારથી જ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ માથે તેમના ચાર હાથ છે એ સૌ જાણે છે. અને એટલે જ સરકારે હવે જો રાજકોટના ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ કોઈ શૈક્ષણિક સંસ્થામાં અગ્નિકાંડ જેવી દુર્ઘટના બનતી અટકાવવી હોય તો રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે રાણીપાની જગ્યાએ કોઈ કડક અને પ્રામાણિક અધિકારીની નિમણૂંક કરવાની તાતી જરૂર છે.