મહિલા સામે જોતો હોવાની શંકાએ માર માર્યો હતો: પડધરી પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
પડધરીના ફતેપરમાં અશ્ર્વિન પરસોત્તમભાઈ ગજેરાની હત્યા થયા અંગે માતાની ફરિયાદ પરથી ગુનો દાખલ થયા બાદ પડધરી પીએસઆઇ જી. જે ઝાલા અને તેમની ટીમે અશોક છગન બાળા ઉ.36, ભરત આયદાન બાળા ઉં.32, સંદીપ માણદાન બાળા ઉ. 28) અને ધાર્મિક મેણંદ બાળા ઉં.25ની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ તા.18ના રાત્રે ફતેપરના અશોક બાળા, વણપરીના ભરત બાળા અને અજાણ્યા બે શખ્સોએ અશ્ર્વિનને તેની જ વાડીમાં બેફામ ધોકા પાઈપથી માર માર્યો હતો. ગામની જ એક મહિલા સામુ મૃતક જોતો હોવાની શંકાએ માર મારી પોલીસ ફરિયાદ કરીશ તો તને અને તારી માતાને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્ત યુવકને વહેલી સવારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
- Advertisement -
અંહી તા.22ના રોજ સારવાર દરમિયાન તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો અને મૃતકના માતા રમાબેન પરસોત્તમભાઈ ગજેરા ઉ.60એ પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આઇપીસી કલમ 302, 325, 506(2), 447, 120(બી), જી.પી.એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી પોલીસે ગઈકાલે સાંજે ચારેય આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.