દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે જર્મની બાદ અમેરિકાએ પણ નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકન વિદેશ વિભાગે કહ્યુ અમે સતત નજર રાખી રહ્યા છીએ
જર્મની બાદ અમેરિકાએ પણ દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. યુએસ વિદેશ વિભાગે એક નિવેદનમાં કહ્યું કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમની સાથે સંબંધિત અહેવાલો પર સતત નજર રાખી રહ્યા છે. અમેરિકાએ એમ પણ કહ્યું કે તે કેજરીવાલના કેસમાં નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાની આશા રાખીએ છીએ. આ પહેલા જર્મનીએ પણ કેજરીવાલની ધરપકડ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. ત્યારે ભારતે જર્મન રાજદૂતને બોલાવીને તેને આંતરિક મામલો ગણાવ્યો હતો. હવે કેજરીવાલની ધરપકડ મામલે અમેરિકાનું નિવેદન આવ્યુ છે.
- Advertisement -
વિપક્ષો ગણાવી ચુક્યા છે ષડયંત્ર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ચર્ચામાં છે. EDએ 21 માર્ચે દારૂ કૌભાંડ કેસમાં તેની ધરપકડ કરી હતી. તે જ દિવસે કેજરીવાલ દ્વારા ધરપકડમાંથી રાહત માટે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ રાત્રે EDની ટીમ કેજરીવાલના ઘરે પહોંચે છે અને લગભગ બે કલાકની પૂછપરછ અને ઘરની તપાસ કરી ધરપકડ કરીને પોતાની સાથે લઈ જાય છે. કેજરીવાલની ધરપકડ સામે વિરોધ પક્ષોએ પણ સખત વાંધો વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ પાર્ટી અને ઈન્ડિયા એલાયન્સના અન્ય સહયોગીઓએ ચૂંટણી પહેલા તેને ષડયંત્ર ગણાવ્યું હતું.
અમેરિકાએ કેજરીવાલ પર આપ્યુ નિવેદન
- Advertisement -
કેજરીવાલની ધરપકડ પર હવે અમેરિકાએ પોતાનું નિવેદન આપ્યું છે. વિદેશ વિભાગના પ્રવક્તાએ આ અઠવાડિયે રોઇટર્સને જણાવ્યું હતું કે યુએસ સરકાર અરવિંદ કેજરીવાલની ધરપકડના અહેવાલો અને તેના સંબંધિત મામલા પર સતત નજર રાખી રહ્યુ છે. જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી માટે “ન્યાયી, પારદર્શક અને સમયસર કાનૂની કાર્યવાહી” કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ. અમેરિકાની આ પ્રતિક્રિયા જર્મનીના નિવેદનના થોડા દિવસો બાદ આવી છે. જ્યારે જર્મનીએ કહ્યું કે ભારતમાં આરોપોનો સામનો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ અન્ય ભારતીય નાગરિકોની જેમ ન્યાયી અને નિષ્પક્ષ ટ્રાયલના હકદાર છે. જર્મન સરકારના પ્રવક્તાએ ગયા શુક્રવારે કહ્યું હતું કે, “અમે માનીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે ભારતીય ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો સંબંધિત ધોરણો આ કેસમાં પણ લાગુ કરવામાં આવશે.”
ભારતનો વાંધો
કેજરીવાલની ધરપકડ પર જર્મનીની ટિપ્પણી પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી હતી. જર્મન રાજદૂતને બોલાવીને વિદેશ મંત્રાલયે તેને “આંતરિક બાબતોમાં સ્પષ્ટ હસ્તક્ષેપ” ગણાવ્યું. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, “અમે આવી ટિપ્પણીઓને અમારી ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ અને અમારી ન્યાયતંત્રની સ્વતંત્રતાને ક્ષતિગ્રસ્ત ગણીએ છીએ.” જર્મની સામે ભારતના વિરોધ અંગે પૂછવામાં આવતા, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે રોઇટર્સને કહ્યું, “તમારે જર્મની વિદેશ મંત્રાલયને ભારત સરકાર સાથેની તેમની ચર્ચાઓ વિશે વધુ માહિતી માટે પૂછવું જોઈએ.” જો કે, ભારત સરકારે હજુ સુધી અમેરિકાની ટિપ્પણી પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.