ટીપરવાનમાં અનિયમિતતા, રૂટ અધૂરા સહિતની ગેરરીતિની આ છે નિશાની
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ચોમાસે પાણી ભરાઈ જવાની સમસ્યા દર વર્ષે રહે છે. આ કારણે કુદરતી પાણીના પ્રવાહો માટેના વોંકળા અને સ્ટોર્મ વોટર તેમજ ડ્રેનેજ મેન હોલની સફાઈ સહિતના કામો હાથ પર લેવા માટે એપ્રિલમાં જ નિર્ણય લેવાયો હતો. જેમાં વોંકળાઓની સફાઈ 31 મે સુધીમાં પૂરી કરવા સૂચના હતી. અત્યાર સુધીમાં તેમાંથી અડધા વોંકળા સાફ થયા ત્યાં તેમાંથી અધધ 1976 ટન કચરો નીકળ્યો છે. આ કચરાએ શહેરમાં ટીપરવાન અને કચરો ઉપાડવાના કામમાં થતા લોલમલોલની પોલ ખોલી નાખી છે. શહેરમાં કચરો ઉપાડવા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ટીપરવાન છે. આ માટે મનપા અલગથી વેરો પણ ઉઘરાવે છે જોકે તે વાન નિયમિત વિસ્તારોમાં જતી નથી, સમયસર આવતી નથી અને અમુક વિસ્તારોમાં તો જતી જ નથી તેવી ફરિયાદો અનેકવખત મળે છે પણ મનપા એક જ રટણ કરે છે કે, જીપીએસ હોવાથી બધા સ્થળે ટીપરવાન પહોંચી જાય છે એટલે કોઇ સમસ્યા નથી. આ સમસ્યા છે જ તેની એક સાબિતી મનપાના જ આંકડાઓમાંથી મળી છે. શહેરના 52 વોંકળાઓમાંથી માત્ર 28 એટલે કે અડધા જ વોંકળા સાફ થયા છતાં તેમાંથી 1956 ટન જેટલો કચરો નીકળ્યો છે.
- Advertisement -
પશ્ર્ચિમ ઝોનના વોંકળા વધુ ગંદા
રાજકોટ શહેરમાં તમામ વોંકળાઓની કુલ 49600 મીટરની લંબાઈ છે જેમાંથી 21850મા સફાઈ થઈ ગઈ છે. આ બધા વોંકળાઓમાંથી સૌથી વધુ ગંદકી વેસ્ટ ઝોનમાંથી નીકળી છે. આ વિસ્તાર ઝડપથી વિકસતો વિસ્તાર છે આમ છતાં વેસ્ટ ઝોનમાં જ ગંદકી એ ટીપરવાનની અનિયમિતતાની બીજી સાબિતી છે. મનપાએ જ આપેલા આંકડાઓ મુજબ ઈસ્ટ ઝોનમાં નાના 12 અને મોટા 6 વોંકળા છે જેમાંથી અનુક્રમે 9 અને 3 વોંકળા સાફ કરાયા છે જેમાંથી 461 ટન કચરો નીકળ્યો છે.