લીંબુની માંગની સામે આવકમાં ઘટાડો થતાં ભાવમાં ત્રણ ગણો સુધી વધારો નોંધાયો : આગામી એકાદ-બે મહિના સુધી લીંબુના ભાવમાં ઘટાડો થવાની શકયતા નહીં હોવાનો જાણકારોનો મત
ખાસ-ખબર સંવાદદાતા
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં લીંબુની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. એક તરફ આકરી ગરમી માઝા મૂકી રહી છે. તો બીજી તરફ 12મી માર્ચથી પવિત્ર રમજાન માસનો આરંભ થઇ રહ્યો છે. જેને કારણે લીંબુની માંગમાં ઉછાળો થયો છે. હવે માંગમાં વધારો થતાં જ ભાવ આસમાને પહોંચી ગયા છે. સામાન્ય દિવસમાં 40 થી 50 રૂપિયે કિલો મળતા લીંબુ હાલમાં 140 થી 160 રૂપિયે કિલો મળી રહ્યા છે. સુરત એપીએમસી માર્કેટમાં પ્રતિ 20 કિલોના 1800થી 2000 એટલે કે 100 રૂપિયે કિલો મળી રહ્યા છે જે લીંબુ છૂટક બજારમાં 140 થી 160 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. રમજાન માસની શરૂઆત સાથે જ લીંબુની માંગ વધી જશે. મુસ્લિમ બિરાદરો આખો દિવસ પાણી પીધા વગર રોજા રાખ્યા બાદ સાંજે રોજા ખોલવાના સમયે સૌપ્રથમ લીંબુનું શરબત પીવે છે. આ ઉપરાંત રમજાન મહિનામાં બનતી વિવિધ વાનગીઓમાં પણ લીંબુનો ઉપયોગ થાય છે. ત્યારે હાલમાં લીંબુનો વપરાશ વધી ગયો છે. આગામી દિવસમાં લીંબુની માંગ હજુ વધશે. તેથી હાલ એકાદ-બે મહિના સુધી ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના ખૂબ જ
ઓછી છે.
- Advertisement -
સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તેલંગાણા, હૈદરાબા અને ગુટુંરમાંથી લીંબુની આવક થાય છે. પરંતુ આ વર્ષે ત્યાં વાવાઝોડાને કારણે પાકના ઉત્પાદન પર અસર થઇ છે. બીજી તરફ હાલમાં ઉનાળો શરૂ થવા જઇ રહ્યો છે. તેમજ આગામી 12મી માર્ચથી રમજાન માસનો આરંભ થઇ રહ્યો છે. તેથી માંગમાં વધારો થયો છે. હવે આવક સામે માંગમાં વધારો થતાં લીંબુના ભાવમાં વધારો થયો છે.
ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સુરત એપીએમસી માર્કેટમાં પ્રતિ 20 કિલો લીંબુના ભાવ 800 રૂપિયા હતા પરંતુ ચાલુ વર્ષે પ્રતિ 20 કિલોના ભાવ 1800 થી 200 જોવા મળી રહ્યા છે. આમ પ્રતિ 20 કિલોના ભાવમાં 1200 રૂપિયાનો વધારો થયો છે. હાલ આવક પણ ઘટી ગઇ છે. તેમજ આગામી એક-બે મહિના સુધી આવકમાં વધારો થવાની અને ભાવ ઘટવાની સંભાવનાની ખૂબ જ
નહિવત છે.