ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.30
મંડેર ગામમાં એક હચમચાવી નાખતી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં 12 વર્ષીય માસૂમ વિદ્યાર્થિની પર શાળાના શિક્ષકે ધમકી આપીને ચાર વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તરત જ આરોપીની અટકાયત કરી અને વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર, ઘેડ પંથકના મંડેર ગામે રહેતી 12 વર્ષ 10 માસની બાળકી શાળાએ જવા મટડી રહી હતી, ત્યારે માતાએ તેને કારણ પૂછ્યું. આ દરમિયાન બાળકી રડવા લાગી અને શાળાના શિક્ષક વિપુલભાઈ ગોહેલ તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારતા હોવાની ચોંકાવનારી માહિતી આપી. પીડિત બાળકીના કહેવા પ્રમાણે, 22મી જાન્યુઆરીએ શાળાના શિક્ષકે તેને શાળાની બિલ્ડિંગના બીજા માળે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. બાળકીએ વિરોધ કર્યો ત્યારે શિક્ષકે તેના મોઢા પર હાથ મૂકી, “જો રાડો પાડિશ તો તને મેડી પરથી ફેંકી દઈશ” તેમ કહી ધમકી આપી. આ દુષ્કર્મ માત્ર એક જ દિવસમાં નહીં, પરંતુ સતત ચાર વખત અલગ-અલગ દિવસે આચરવામાં આવ્યું હતું. નરાધમ શિક્ષકે બાળકી પર અત્યાચાર કરતા તે ગભરાટમાં કોઈને પણ કહી શકતી નહોતી. બાળકીના માબાપ અને સમાજના આગેવાનોએ જાણ કર્યા બાદ સમગ્ર પંથકમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. શાળા પરિસરમાં લોકો ભેગા થઈ ગયા હતા અને નરાધમ શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
માધવપુર પોલીસ મથકે બાળકીની માતાએ ફરીયાદ નોંધાવ્યા બાદ તરત જ પોલીસે આરોપી વિપુલભાઈ ગોહેલની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આ આરોપી શિક્ષક 40 વર્ષનો છે અને 19મી ડિસેમ્બર, 2024થી મંડેર ગામની શાળામાં ધોરણ 6 થી 8ના મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો હતો. તે 2017માં શિક્ષણ વિભાગમાં જોડાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ શિક્ષકે અગાઉ પણ કોઈ અન્ય બાળકી સાથે આવું કૃત્ય કર્યું છે કે કેમ.આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં રોષનો માહોલ છે. લોકો શિક્ષકને કડક સજા અપાય તેવી માંગ કરી રહ્યા છે. પોલીસ આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને બાળકીની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.