બ્રાઝિલની સ્ત્રીને પણ સૌથી બ્યુટિફૂલ એન્ડ બોલ્ડ બેબીની નામના મળેલી
– ભવ્ય રાવલ
ભારતની સ્વરૂપવાન રાણીઓની રૂપકથા
સ્વરૂપવાન સ્ત્રીનાં વિશ્વ ઈતિહાસમાં જોન ઓફ આર્કને દુનિયાની સૌથી સુંદર અને સાહસી સ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. તે ફ્રાંસની નાયિકાનાં રૂપમાં પણ જાણીતી છે. અસ્પસિયા પણ બહું જ સુંદર મહિલા હતી અને તે પોતાના શારીરિક સૌંદર્ય અને પ્રદર્શનને કારણે જાણીતી હતી. 14મી અને 15મી સદી દરમિયાન આખું ઈટલી જેની પાછળ પાગલ હતું એ હતા, લુકરેજિયા બોર્ગિયા. તેઓ પોતાના વાળ, રંગ અને આંખો દ્વારા કોઈને પણ પોતાની તરફ આકર્ષી શકતા હતા. શલોમીની ખૂબસૂરતીનો અંદાજ એ બાબત પરથી આવે છે કે, તેમનો ચેહરો પ્રાચિન સિક્કા પર છપાતો હતો. શલોમી પોતાના નયનગમ્ય અંગ-ઉપાંગ સિવાય નૃત્ય માટે પણ જગ મશહુર છે. જેનાં શારીરિક સૌદર્યની તુલના ન થઈ શકે એવા મેરેકિયાની રાણી લેડી ગૌડીવાએ પોતાના પતિ સાથે મળી કોન્વેટ્રીયામાં બેનિદિત્તિ મઠની સ્થાપના કરી હતી. તો રાજા લોડિગ્રેસની દીકરી અને બ્રિટેનનાં મહાન શાસક રાજા આર્થરની પત્ની ગુઈનવેરે એક શ્રેષ્ઠ શાસનકર્તા રાણી સાથે સુંદરતમ સ્ત્રી હતા. પ્રાચીન ગ્રીમમાં ફ્રયને પણ એક સુંદર મહિલા માનવામાં આવે છે. મિસ્રની સૌથી સુદર રાણીઓમાં રાણી નેફર્ટીટીને યાદ કરવામાં આવે છે. અલબત્ત તેમનાં નામનો અર્થ જ ‘સૌંદર્ય આવી ગયું છે’ તેવો થાય છે. ઉપરાંત મિસ્ત્રનાં ટોલેમિકની જ રાણી ક્લિયોપેટ્રા પ્રાચિન દુનિયાની સૌથી સ્વરૂપવાન મનાતી હતી. વિશ્વ ઈતિહાસની સુંદર સ્ત્રી સિવાય ભારતની સ્વરૂપવાન રાણીઓનાં રૂપની જાણકારી મેળવીએ..
સંયુક્તા : લાંબા વાળ, અણીદાર આંખો અને એની ઉપરનાં ઘટ્ટ નેણ, સીધું મોટું નાક, કમળની પંખુડી જેવા હોઠ અને પાતળા હાથમાં પણ કમળ ફૂલ જીલેલા કોમળ પંજા અને કુણી આંગળીઓ તેમજ હિરા-માણેક ધારણ કરી જાણે પૃથ્વીરાજનાં વિચારોમાં મગ્ન છે સંયુક્તા, ભારતીય ઈતિહાસની સૌથી સુંદર સ્ત્રીમાની એક સ્ત્રી છે. કન્નોજના રાજા જયચંદની દીકરી સંયુક્તા તેની સુંદરતા માટે સુખ્યાત હતી. રાજા જયચંદને પૃથ્વીરાજ ચૌહાણ સાથે દુશ્મની હતી છતાં પણ પિતા જયચંદ દ્વારા આયોજીત દીકરી સ્વયંવરમાં પુત્રી સંયુક્તાએ પૃથ્વીરાજ ચૌહાણનાં ગળામાં વરમાળા પહેરાવી પોતાની સુંદરતા સિવાય સાહસનો પરિચય આપ્યો હતો.
- Advertisement -
રાણી પદ્મિની : ગુલાબી-કેસરી વસ્ત્રોમાં અને પીળાં ચમકીલા આભૂષણોમાં સજ્જ ચિત્તોડનાં રાજા રત્નસિંહની પત્ની એટલે રાણી પદ્મિની. જેનાં સૌદર્યનાં વખાણ સાંભળી દિલ્લીનાં શાસક અલ્લાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ પર આક્રમણ કર્યું. જે યુદ્ધમાં તે વિજેતા થયો હોવા છતાં રાણી પદ્મિનીને પામી ન શક્યો કેમ કે, અલાઉદ્દીન પદ્મિની સુધી પહોંચી શકે એ પહેલાં જ તેણે આગમાં કૂદીને સતીત્વને પામ્યું. રાણી પદ્મિની પોતાનાં સતીત્વ સિવાય સુંદરતા માટે પણ અમર રહેશે.
મીરાંબાઈ : હાથમાં કરતાલ અને માથા પર ચુંદડી ઓઢી પ્રભુજીનાં ભજનમાં લીન રહેનારા અને ભગવાન શ્રી કૃષ્ણની પરમ ભક્ત તેવા પવિત્ર હિંદુ રાજકુમારી મીરાંબાઈ એનાં ઈશ્વરીય ભક્તિનાં ગુણો સિવાય દેખાવ માટે પણ યાદ કરવામાં આવે છે. સામાન્ય પહેરવેશમાં રહેતાં મીરાંબાઈની સાદગીમાંથી સુંદરતા છલકાતી રહેતી હતી.
રાણી લક્ષ્મીબાઈ : શરીરને ચપોચપ પહેરેલી મરાઠી સાડી, એક હાથમાં ધારદાર તલવાર અને બીજા હાથમાં અણીદાર ભાલું. ઘોડા પર સવાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને જોતા આક્રમક અને આકર્ષક લાગે. 1857ની લડાઈમાં ગદરમાં અંગ્રેજો વિરુદ્ધનાં યુદ્ધમાં શહીદી પામનાર રાણી લક્ષ્મીબાઈનું નામ વીરતા અને સાહસ માટે જાણીતું છે પણ એ બહાદુર હોવાની સાથે સૌદર્યવાન પણ હતા. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી આ રૂપરૂપની અંબાર વિરંગનાનું નામ મણિકર્ણિકા રાખવામાં આવ્યું હતું.