અર્થામૃત
આ માનવદેહ ભવસાગર તરવા માટે વહાણ સમાન છે, મારી કૃપા એ વહાણને અનુકુળ વાયુ છે અને સદ્ગુરુ આ મજબુત વહાણના ખલાસી છે. આમ દુર્લભ સાધન તમને સુલભ થઈને મળ્યા છે
- Advertisement -
કથામૃત :
એક વખત સિકંદર એના ગુરુ એરીસ્ટોટલ સાથે કોઇ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ રહ્યા હતા. ગુરુ અને શિષ્ય વાતો કરતા કરતા પંથ કાપી રહ્યા હતા. રસ્તામાં એક વિશાળ પટવાળી નદી આવી. ગુરુ અને શિષ્ય બંને નદીના વહેણથી અપરિચિત હતા એટલે નદી કેવી રીતે પાર કરીશું એનો બંને વિચાર કરવા લાગ્યા. એરીસ્ટોટલે સિકંદરને કહ્યું, હું તારો ગુરુ છું. ઉંમરમાં પણ તારાથી ઘણો મોટો છું માટે મને નદીના વહેણમાં પ્રથમ ઉત્તરવા દે અને તું આ કાંઠા પર જ મારા આદેશની રાહ જોઇને ઊભો રહે. હું સલામત રીતે સામે કાંઠે પહોંચી જાવ પછી હું તને આદેશ કરીશ એટલે તું પણ મારી પાછળ-પાછળ સામા કાંઠા પર આવી જજે.
સિકંદરે કહ્યું, ના, એમ નહીં, હું આપનો શિષ્ય છું એટલે પાણીના પ્રવાહમાં પહેલા હું ઉતરીશ અને સામા કાંઠે જઇશ. જો હું હેમખેમ સામા કાંઠે પહોંચી જાવ તો ત્યાંથી હું આપને ઇશારો કરીશ એટલે આપ પણ સામા કાંઠા પર આવી જજો. સિકંદરની જીદ સામે એરીસ્ટોટલે નમતું જોખ્યુ અને સિકંદરને પહેલા નદી પાર કરવા માટેની પરવાનગી આપી. સિકંદર ધીમે-ધીમે નદીનું વહેણ પાર કરીને સામા કિનારે પહોંચી ગયો અને ગુરુને પણ એ જ રસ્તે ચાલીને સામે કાંઠે આવવા માટે કહ્યું.
સામા કાંઠે પહોંચ્યા પછી એરીસ્ટોટલે કહ્યું, સિકંદર, તારે મને પહેલા નદી પાર કરવા દેવી જોઇતી હતી કારણ કે જો તને કંઇક થયુ હોત તો આ જગતને સિકંદર જેવા મહાન યોદ્ધાને ગુમાવવાનો વખત આવત. સિકંદરે કહ્યું, ગુરુદેવ, આપની વાત સાચી છે કે પાણીનું વહેણ મને તાણી જાત તો કદાચ એક યોદ્ધો ગુમાવવો પડત પણ જો પાણીનું વહેણ આપને તાણી જાત તો મારા જેવા અનેક યોદ્ધાઓ ગુમાવવાનો વખત આવત કારણ કે તમારા વગર બીજા સિકંદરોને તૈયાર કરવાનું કાર્ય કોણ કરત!
બોધામૃત
નિષ્ઠાવાન અને જ્ઞાનવાન શિક્ષકો કોઇપણ રાષ્ટ્રની મહામૂલી મિલકત છે. જે દેશ કે સમાજ આવા સમર્પિત શિક્ષકોને સાચવવામાં ઉણા ઉતરે છે એનું ભવિષ્ય અંધકારમય હોય છે.