લોકોને બેફામ લૂંટતા ગરબીના સંચાલકો સામે આમ આદમી પાર્ટી મેદાને
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદરમાં ગરબીના આયોજનો બહાર વાહન પાર્કીંગના પૈસાના ઉઘરાણા થતા ઉચ્ચ કક્ષાએ ફરીયાદ થઇ છે. પોરબંદરના આમ આદમી પાર્ટીના ભાર્ગવ જોશીએ ચીફ ઓફિસરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, હાલ આદ્યશક્તિ મહાપર્વ નવરાત્રી ઉત્સવ ચાલી રહ્યો છે, પોરબંદરમાં પણ ભક્તો અને ખેલૈયાઓને ધ્યાને રાખીને કેટલાક આયોજકોએ પાર્ટી પ્લોટના ગ્રાઉન્ડ ભાડા પેટે મેળવીને અંદરમાં રાસ- ગરબા રમાડવાનું આયોજન કર્યું છે.આવા આયોજનો પૈકી લગભગ પ્લોટમાં અંદર રમવાના અને જોવાના પાસ વહેંચાણ કરવામાં આવે છે, આવા સ્ટોલ પાસે ભાડાની પહોંચ અને માઇક તેમજ ડી.જે. વગાડવાની પરમિશન માત્ર છે,આવા સ્ટોલમાં અનેક જગ્યાએ ફાયર સેફટી સુરક્ષા પણ નથી, અધુરામાં પુરૂ આવા આયોજકો પ્લોટની બહાર બહાર પાર્ક થતાં વાહનચાલકો પાસેથી અને અનધિકૃત રીતે પાર્કીંગ ચાર્જ ઉઘરાવતા હોવાની જાણકારી આમ આદમી પાર્ટીને મળી છે.
જો આ હકીકત હોય તો તે સરાસર અન્યાય અને અયોગ્ય પણ છે. કેમકે મોટા ભાગના પ્લોટમાં જે ગ્રાઉન્ડ ભાડે લેવાયું છે, એમાં કોઈ જગ્યા પાર્કીંગ માટે આયોજકોએ સત્તાવાર મેળવી નથી, અથવા તો પાર્કીંગ માટે તેઓએ મેળવેલ જગ્યાનો કોઈ હિસ્સો અલાયદો તેઓએ છોડ્યો નથી, તેમ છતાં પણ પાર્ટી પ્લોટમાં રમવા આવતાં ખેલૈયાઓ કે જોવા આવતાં પ્રેક્ષકોને પોતાના વાહનના પાર્કીંગનો ચાર્જ ચુકવવો પડતો હોય તો સવાલ એ થાય છે કે શું પાલિકા કે સરકારે પ્લોટ આપતી વખતે આયોજકોને વાહન પાર્કીંગ ચાર્જ વસુલવા, ઉઘરાવવા કોઈ અધિકારો આપ્યા છે ખરા ? જો આપ્યા હોય તો પાર્કીંગ સુવિધાની કોઈ હરરાજી કરવામાં આવી હતી ? અથવા પાર્કીંગ ચાર્જ જે આયોજકોના ખિસ્સામાં જતો હોય તો એ ચાર્જમાંથી તેઓ પાલિકાને કેટલો ચાર્જ ચૂકવે છે ? અથવા પાલિકાએ પાર્કીંગનો કોઈ ચાર્જ નિયત કરીને આપ્યો છે કે કેમ ? આ અંગે યોગ્ય તપાસ કરીને તાત્કાલીક અસરથી આવા અનધિકૃત પાર્કીંગ ચાર્જ વસુલવા કે ઉઘરાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે અને પાલિકા તથા તંત્ર તરફથી જાહેરાત કરવામાં આવે કે રાસ ગરબા રમાડતા પ્લોટની આસપાસની જગ્યામાં પાર્ક થતાં વાહનોનો પાર્કીંગ ચાર્જ કોઈ માંગે તો એ ગેરકાયદેસર છે અને એની જાણ પાલિકાને તેમજ કલેકટર કચેરીને તુરંત કરવી તેવી જાહેરાતો સ્ટોલ્સ ની બહાર બેનર લગાવીને કરવી જરૂરી છે. આ ઉપરાંત જે જે સ્ટોલમાં અંદર જન મેદની (ભીડ) નો ઘસારો થાય એવે વખતે ઈમર્જન્સી એક્ઝીટની જગ્યાઓ ખુલ્લી રખાવવામાં આવે, જેથી કોઈ અનહોની ઉત્પન્ન થાય તો મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય, તેમજ જે સ્ટોલોમાં અંદર ફૂડની વ્યવસ્થાઓ કરવામાં આવી હોય તેવા સ્ટોલ સંચાલકો ત્યાંથી વહેંચતા ફૂડ અને પીણાના બજાર ભાવ કરતો દોઢી કિંમત વસુલતા હોવાની પણ અમોને જાણકારી મળી છે, આ બાબત પણ અયોગ્ય અને અન્યાય પૂર્ણ છે. આ અંગે ઘટતું કરવા અને આ અંગે જે પગલાં ભરવામાં આવે એની જાહેરાત જાહેર જનતા માટે કરવા જણાવ્યું છે.