અર્થામૃત
હે ભાઈ ! પરોપકાર સમાન કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ નીચતા કે પાપ નથી. જેને વિદ્વાનો જાણે છે એવો સર્વે પુરાણો અને વેદોનો આ નિર્ણય મેં તમને કહ્યો છે.
તામિલનાડુના મદુરાઈમાં હેર કટિંગ સલૂન ચલાવતા સી. મોહનને ત્યાં 13 વર્ષ પહેલાં એક દીકરીનો જન્મ થયો. દંપતીએ દીકરીનું નામ રાખ્યું ‘નેત્રા’. સી. મોહનનું સપનું હતું કે નેત્રાને ખૂબ ભણાવવી છે અને કલેક્ટર બનાવવી છે. દીકરીના અભ્યાસ માટે સી. મોહન ઓવરટાઈમ કામ કરીને પણ બચત કરે જેથી દીકરીને આગળના અભ્યાસ માટે ક્યારેય રૂપિયાની ખેંચ ન પડે. 13 વર્ષમાં સી. મોહને રાત-દિવસની મહેનતથી વાળ કાપવાનું કામ કરીને પાંચ લાખ જેવી બચત કરી.
- Advertisement -
નેત્રા પણ સમજુ અને ડાહી દીકરી હતી, એટલે પિતાનું સપનું પૂરું કરવા દિલ દઈને અભ્યાસ કરતી હતી. કોરોનાની વૈશ્ર્વિક મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન આવ્યું. નેત્રા જે વિસ્તારમાં રહેતી હતી, એની આસપાસના વિસ્તારમાં રહેતા અને રોજે રોજનું કમાઈને ખાતા ગરીબ પરિવારો લોકડાઉનને કારણે મુશ્ર્કેલીમાં મૂકાયા. એ લોકોને ખાવાના પણ સાંસા પડતા હતાં.
8મા ધોરણમાં અભ્યાસ કરતી નેત્રાએ એક દિવસએના પિતાને પૂછ્યું, પપ્પા, મને આઈએએસ બનાવવા તમે કેટલી બચત કરી છે? પપ્પાએ કહ્યું, બેટા, અત્યાર સુધીમાં 5 લાખ બચાવ્યા છે અને બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે મૂક્યા છે.નેત્રાએ કહ્યું, પપ્પા, મારી ઈચ્છા છે કે એ બધી જ બચતમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવીને આ ગરીબો વચ્ચે વહેંચીએ જેથી એને ટેકો મળે.પિતાએ કહ્યું, બેટા, એ રકમ તો તને કલેક્ટર બનાવવા માટે ભેગી કરી છે.
13 વર્ષની આ દીકરી એના પિતાને જવાબ આપે છે કે, પપ્પા, કલેક્ટર બનીને મારે લોકોની સેવા જ કરવાની છે. સેવાનો આવો અવસર બીજો ક્યાં મળવાનો હતો ? કલેક્ટર તો બનતા બનીશ પણ કલેક્ટરે જે કામ કરવાનું હોય એ કામ અત્યારે જ કરવું છે. સી. મોહનની આંખો દીકરીની આ વાત સાંભળીને ભીની થઈ ગઈ. ભવિષ્યનો બીજો કોઈ વિચાર કર્યા વગર બેંકમાંથી પાંચ લાખની બધી જ બચત ઉપાડીને તેમાંથી કરિયાણું ખરીદી 600 પરિવારને મદદ કરી. લોકડાઉનમાં પિતાનું હેર કટિંગ સલૂન પણ બેમાસ બંધ હતું અને ઘરમાં બીજી કોઈ આવક નહોતી. આવા સંજોગોમાં પણ પોતાના અભ્યાસ માટેની બધી જ બચત આ દીકરીએ અન્ય માટે વાપરી નાંખી.
નેત્રાના આ સેવા કાર્યની વાત છેક વડાપ્રધાનના કાન સુધી પહોંચી. અને વડાપ્રધાને ‘મન કી બાત’કાર્યક્રમમાં નેત્રાની આ હૃદયભાવનાને બિરદાવી. ત્યાંથી પણ આગળ વધીને આ વાત યુનાઇટેડ નેશન્સ સુધી પહોંચી. સમગ્ર વિશ્ર્વના તમામ દેશો જેના સભ્ય છે, એવા યુનાઇટેડ નેશન્સે નેત્રાને યુનોના ન્યુયોર્ક ખાતેના અને જીનિવા ખાતેના એક કાર્યક્રમમાં પ્રવચન આપવા આમંત્રણ આપ્યું છે.
- Advertisement -
બોધામૃત
તમે જ્યારે નિ:સ્વાર્થ ભાવે કોઈનું દુ:ખ દૂર કરવાનું કામ કરો છો, ત્યારે પરમાત્મા કોઈને કોઈ રૂપે તમારી સેવાનું ફળ તમને આપે જ છે. કદાચ હજુ કોઈ કલેક્ટરને યુનાઇટેડ નેશન્સમાં પ્રવચન માટેનું આમંત્રણ નહીં મળ્યું હોય, પણ આ દીકરી કલેક્ટર ન હોવા છતાં યુનાઇટેડ નેશન્સમાં માત્ર 13 વર્ષની ઉંમરે પ્રવચન આપશે. ભગવદ્દગોમંડલ મુજબ ‘નેત્રા’એટલે નર્મદાનું એક નામ. નદીનું તો કામ જ છે કે બીજાના માટે વહેતુ રહેવું. નેત્રાએ એના નામને સાર્થક કર્યું.