હાકેમ રથ લઈને હાલિયા… ઈ મારગે વૈંકુંઠ મળિયું રે
ગુજરાતી ભજન પરંપરા, સોરઠ એટલે સંત શુરા અને સુરતાની ભૂમિ. આ પ્રદેશમાં સેંકડો સંત થઈ ગયાં. જેમણે પરમતત્વને અનુભવીને એ અનુભવોને, તેમને લાધેલ તત્વજ્ઞાનને તેમની બાનીમાં ભજનોમાં ઢાળ્યા છે. આ ઈશ્વરીય વાતોને લોક સુધી પહોંચાડવામાં અનેક ભજનિકોનો મોટો ફાળો રહ્યો છે. લક્ષ્મણ બારોટ, નારાયણ સ્વામીની ભજન પરંપરાને આગળ ધપાવતાં અને તેમાં પોતાનો કરિશ્મા ઉમેરીને સોરઠી ભજન જગતને પાંચ પાંચ દાયકાથી સમૃદ્ધ રાખી અને હવે અનંતની યાત્રાએ ઉડાન ભરી ગયાં છે. તેમના જવાથી સંતવાણી અને ભજનવિશ્વને મોટી ખોટ પડી છે. એમણે ક્યાંક કહ્યું હતું કે સાચા ભજનિકો કે કલાના ઉપાસકો અષાઢ- શ્રાવણમાં જ ગયાં છે, શિવજીના દરબારમાં! આ બધાને શિવજી સાચવી લે છે! અને તેમની આ વાણી તેમના માટે જ યથાર્થ પુરવાર થઇ! એમણે કદી સ્થૂળ આંખોથી ઈશ્વરનું સાકાર રુપ જોયું નહોતું કે ન તો એમણે એમનાં ભજનને જનતા તરફથી મળતો પ્રતિસાદ આંખ વડે નિરખ્યો. છતાં એમની હરિભક્તિની લગન જ તો તેમના અવાજમાં ઉતરીને ભાવકોને ભીંજવી નાંખતી. કીર્તિદાન ગઢવીએ ક્યાંક સાચું જ કહ્યું છે કે અમે બધા કલાકારો છીએ જ્યારે લક્ષ્મણ બાપુ ખરાં અર્થમાં ભજનિક છે. લક્ષ્મણ બારોટ કે જેમણે ભજન ગાયા નથી, ભજન કીધાં છે ભજન પીધાં છે! આવું એટલાં માટે કહી શકાય કે ભજનની બાનીને તેમણે જીવનમાં ઉતારી
- Advertisement -
લક્ષ્મણ બારોટ બાપુ: ઉમદા ભજનિક સાથે ઉમદા વ્યક્તિત્વ અને બોલચાલમાં એકદમ સહજતા
ત્રણ વર્ષની ઉંમરે ચર્મચક્ષુ છીનવી લઈને વિધાતાએ તેમને ભાવચક્ષુથી સુરતાને નિહાળવાની દ્રષ્ટિ આપી
ભજન પચાવ્યું છે, સંતના અને ભક્તના લક્ષણ મુજબ તેઓ જીવી ગયાં છે. ભૂખ્યાં દુખ્યાં અને ભાવકો માટે રોટલો, હરિરસનું પાન, કોઈનું બૂરું ઇચ્છવું નહીં ને બોલવું નહીં, અન્ય ભજનિકોનો હરીફ નહીં પણ, મને દરેક પાસેથી કંઇક શીખવા મળે છે, એમ કહીને તેમને ગુરુ તરીકે નવાજવાં આ બધા તેમનાં સાધુ સ્વભાવનાં લક્ષણો રહ્યાં. ઉમદા ભજનિક સાથે સાથે ઉમદા વ્યક્તિત્વ અને બોલચાલમાં એકદમ સહજતા. બાપુ સાથે વાત કરવાનો અવસર એક અનોખો લ્હાવો રહ્યો. તેઓ પોતાના વિશે ઓછું અને ભજન વિશે વધુ બોલે! વિવિધ પ્રહર મુજબ ભજનની ગાયકી, ભજનના પ્રકારો, રામગ્રી, સાવળ, પ્રભાતી, પ્રભાતિયાં… જાણે કે ભાવક સમક્ષ ભજનનું આખુંયે ભાવવિશ્વ ખુલ્લું મૂકી દીધું. ફક્ત ત્રણ વર્ષની ઉંમરે ચર્મચક્ષુ છીનવી લઈને વિધાતાએ તેમને ભાવચક્ષુથી સુરતાને નિહાળવાની દ્રષ્ટિ આપી અને આ દ્રષ્ટિ વડે તેમણે જે સુરતા નીરખી એ દિવ્યતાને સુરમાં ઢાળી આપણાં સૌ સુધી એ પરમનો પ્રસાદ પહોંચાડતા રહ્યાં! 1958માં ભાવનગર ખાતે જન્મ. નાનપણથી જ ભજનના કાર્યક્રમોમાં ભજનિક પિતાની આંગળી ઝાલીને જતાં ત્યારે ભજન શું છે, સ્વર અને સૂર કે ભજનના ભાવ વિશેની કોઈ ઊંડી સમજ ન હતી. સમજ બસ એટલી જ હતી કે એમને ભજન સાંભળવા ગમતાં, ભજન ગાવાના કોડ હંમેશા રહેતાં.
- Advertisement -
કલાકારોને પેટી(હાર્મોનિયમ) વગાડતાં જોઈને તેમને પણ પેટી શીખવાનું મન થતું. પણ મોટા કલાકારો બાળકને પેટીને હાથ ન લગાડવા દે, કહે કે તું ખરાબ કરી નાંખીશ! પેટી વગાડવા માટે તેઓ કલાકારને સિગારેટ આપે. કલાકાર બહાર નીકળી જ્યાં સુધી સિગારેટ પીવે ત્યાં સુધી આ બાળકને હાર્મોનિયમ વગાડવા મળે. બસ આવી રીતે તેમની સૂરસાધનાની શરુઆત થઈ. ભજનમાં બીજા કલાકારો ગાનાર હોય પણ ક્યારેક વચ્ચેના કોઈ સમયમાં ગાવાની તક મળી જાય તો ધન્યભાગ સમજતા લક્ષ્મણ બાપુ આખી આખી રાત ભજન ગાવાની તક મળે તેની રાહ જોતાં. ક્યારેક સવારે પાંચ વાગે વારો આવે ત્યારે સાંભળનારેય જૂજ હોય પણ ગાવાની પ્રેક્ટિસ થાય છે, એમનાં મન એ જ મહત્વનું રહેતું. સમયની સાથે સાથે ભાગ્ય અને કંઠે એવી જુગલબંધી કરી કે તેઓ ભજનની દુનિયાનાં સમ્રાટ અને દિવ્ય ચેતનાના સ્વામી એવાં નારાયણ સ્વામીનાં માનીતા શિષ્ય અને ગુજરાતી પ્રાચીન ભજન પરંપરા, સંતવાણીનું એક માનવંતુ નામ બની ગયાં. તેઓ નારાયણ સ્વામીની રાગી તેમજ કાનદાસ બાપુની વૈરાગી પરંપરાને આગળ ધપાવતાં રહ્યાં. ગૃહસ્થી સાથે ભજનરસનો નશો એવો સુમાર રહયો કે તેમને ભગવા ધારણ કરવા તરફ લઈ ગયો. 2004 આસપાસની વાત છે. સંતવાણીના એક કાર્યક્રમમાં બાપુ ઈંદ્રભારતી બાપુ સાંભળવા આવ્યાં હતાં. લક્ષ્મણ બાપુએ ભજનની રમઝટ બોલાવી અને ઇન્દ્રભારતી બાપુ એટલા ખુશ કે એમની પાસે જે હતું એ બધું ન્યોછાવર કરતાં જતાં હતાં. છેલ્લે બસ ઝોળીમાં ભગવા ધોતિયું વધ્યું. એમણે એ પણ બાપુ તરફ નાખ્યું. એ ત્યારે તો લક્ષ્મણ બાપુએ એક રાત માટે આ ભગવો ધારણ કર્યો. પણ પછી વિચારતાં થઈ ગયા કે, આપણે ભજન ગાઈએ તો છીએ પણ ભજન અનુસરતાં નથી. સતત મનોમંથનની સ્થિતિમાં ભવનાથનો મેળો આવ્યો. બસ, બાપુ અડગ નિશ્ચય સાથે ભગવા ધારણ કરીને મેળે આવ્યાં. તેમને આવા રૂપમાં જોઈને સંતાનો બહુ ઉદાસ થયાં.
પંદર સોળ વર્ષની ઉંમરે શરુ થયેલી તેમની ભજનયાત્રા પચાસ પચાસ વર્ષો સુધી નિરંતર ચાલતી રહી
દીકરીએ કહ્યું કે બાપુ રહેવા દો, બાપુ કહે કે બેટા, બસ હવે આનો સમય થઇ ગયો છે! ભરૂચ પાસે ઝગડીયા ગામે તેમણે આશ્રમ સ્થાપ્યો જ્યાં વારે તહેવારે ભજન અને ભોજન પીરસાતાં રહે છે. આ સંતના ઓટલેથી ક્યારેય કોઈ ભૂખ્યું ન જાય. આવકનો એક બહુ મોટો હિસ્સો ખર્ચી તેઓએ સત્સંગી તેમજ અન્યોને રોટલો પૂરો પાડ્યો. શિવરાત્રી ભવનાથ મેળામાં જામનગરના ઉતારામાં તેઓ દર વર્ષે ઉતરતાં. એકવાર તેમને ત્યાં કોઈએ મહેણું માર્યું કે અહીં આવીને ખાઈ-પીને પડ્યાં રહો છો, ક્યારેક કોઈને ખવડાવી તો જુઓ, ખર્ચો તો કરી જાણો! બસ, એમને થયું કે હવે હું ખાઈશ નહીં, ખવડાવીશ! આ દિવસ હતો નોમનો. એ વખતે કંઈ તેમની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહીં છતાં ફક્ત બે જ દિવસમાં એમણે રાવટી નાંખી અને અગિયારસથી લઇને પાંચ દિવસ સુધી રોજના પાંચસો -સાતસો માણસોને જમાડ્યાં. 1994થી શરુ થયેલી આ પરંપરા સતત ત્રીસમાં વર્ષ સુધી અવિરત ચાલુ છે! સાથોસાથ ભવનાથના મેળામાં જવાની પરંપરા બાપુએ સતત પચાસ વર્ષથી નિભાવી છે. સંતવાણીમાં ભજન સાથે લગ્નગીત ગાવાની પરંપરા બાપુએ શરુ કરી એના કારણો પણ વિશેષ છે. બાપુ કહેતાં કે લગ્નગીત અને ભજનમાં મૂળભૂત સામ્ય એ છે કે બન્નેમાં તાદાત્મ્ય સાથે ઓતપ્રોત થવાનો પ્રસંગ છે. લગ્નગીત એ લોકજીવનનું અણમોલ ઘરેણું છે.
આ વારસો જીવતો રાખવો હોય તો જનતામાં એ ગવાવા જ જોઈએ. ભજનની જેમ લગ્નગીતોના ખાસ પ્રોગ્રામ શક્ય નથી તો વળી પ્રોફેશનલ ગાયકોને લગ્નપ્રસંગમાં બોલાવી ગવડાવવું દરેકને પોસાતું પણ ન હોય ત્યારે હવે આ એક રસ્તો મને ઉચિત લાગ્યો. બાપુ કહે કે અમુક સોરઠી લોકજાતીઓમા નવાનવા લગ્ન પછી ભવનાથ મેળે ફરવા આવવાની પરંપરા છે, બની શકે કે આ નવયુગલના લગ્નપ્રસંગે લગ્નગીત ન ગવાયાં હોય, એવી સગવડ બધા પાસે ન હોય. બસ આવા નવયુગલોને માટે લગ્નગીત ગાઈને હું તેમને મારા તરફથી નાનકડી ભેંટ આપું છું. પંદર સોળ વર્ષની ઉંમરે શરુ થયેલી તેમની ભજનયાત્રા પચાસ પચાસ વર્ષો સુધી નિરંતર ચાલતી રહી અને આ યાત્રાના વિવિધ પડાવ સમાં અનેક મધુર ભજનો આપી તેમણે લોક હૃદયને હંમેશા ભાવભીના વિસામાં આપ્યા! ગુજરાતી પ્રાચીન ભજન પરંપરાની ત્રણ પેઢી સાથે સંગત કરી છે. આજની પેઢીના ગાયકો વિશે પૂછતાં તેઓ એટલું જ કહે કે, ઘણાં પરિવર્તનો આવી ગયાં, જો કે એ સમયની જ માંગ છે! હું તો નવી પેઢીને એટલું જ કહીશ કે ભલે ઢાળ બદલજો, ભલે રાગ બદલજો પણ એટલું કરજો કે ભજનમાં ભજનને રહેવા દેજો! આજના સમય વિશે કહે કે પહેલાં પૈસો નહોતો પણ ઈજ્જત બહુ હતી, હવે પૈસો વધ્યો પણ…’ આવા અધ્યાહાર એ બાપુની ખાસિયત છે, જે અનિચ્છનીય થઈ રહ્યું છે એ પણ સમય જ કરાવે છે એવો સ્વિકારભાવ તેમની અનેક વાતોમાં છલકે છે. બાપુ કહે છે કે સતત સુખ આપતાં રહેવું એ જિંદગીનો સ્વભાવ જ નથી. પણ પરિસ્થિતિ સામે ન હારો ન થાકો એનાથી મોટું કોઈ સુખ નથી. રૂખડ ક્યારેય ભૂખડ ન હોય પણ સુખડ હોય! મોરારીબાપુએ જેમને રૂખડ કહીને નવાજ્યા છે એવા આ ઓલિયા જીવની વિદાયથી ગુજરાતી ભજનજગત તેમજ તેમના ચાહકોને મોટી ખોટ પડી છે. પ્રિતમવરની ચૂંદડી, સોનલ વાટકડી, નગર મેં જોગી આયા, મેં તો શુદ્ધ રે જાણીને… સહજ સુરીલા ઢાળ સાથે દેશી અસલ ભજનની સુગંધ મિશ્રિત અંતરના ઊંડાણથી નીકળતો અને અંતર સુધી પહોંચતો એ ગેબી સ્વર અને સૂર હવે શિવ દરબારમાં ગુંજશે…!