‘RRR’, ‘કાશ્મીર ફાઇલ્સ’ને પછાડી અમરેલીના ફિલ્મમેકર પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શૉ’ની ઓસ્કરમાં ભારતની એન્ટ્રી બની

ખાસ-ખબર સંવાદદાતા
મૂળ અમરેલીના ગુજરાતી ફિલ્મ મેકર પાન નલિનની ગુજરાતી કમિંગ ઑફ એજ ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શૉ’ (છેલ્લો શૉ)ને ઓસ્કર અવોર્ડ્સ માટે ભારતની ઑફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મે આ વર્ષની સુપરહિટ ફિલ્મો એવી એસ. એસ. રાજામૌલિની ‘છછછ’ અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પણ પાછળ છોડી દીધી છે. હવે આ ‘લાસ્ટ ફિલ્મ શૉ’ ફિલ્મ આવતા વર્ષે અમેરિકાના લોસ એન્જલસ ખાતે યોજાનારા ‘એકેડમી અવોર્ડ્સ’ યાને કે ‘ઓસ્કર અવોર્ડ્સ’માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ’ની કેટેગરીમાં વિશ્વભરની ફિલ્મો સાથે સ્પર્ધામાં ઊતરશે. ભારતમાં 14 ઓક્ટોબરે આ ‘છેલ્લો શૉ’ ફિલ્મ રિલીઝ થશે. સ્વાભાવિક રીતે જ સૌને આશા હતી કે પશ્ર્ચિમના દેશૉમાં લોકોને ઘેલું લગાડનારી અને બોક્સ ઑફિસ પર ટંકશાળ પાડનારી એસ. એસ. રાજામૌલિની મેગ્નમ ઓપસ ફિલ્મ ‘છછછ’ની જ ઓસ્કર માટે પસંદગી થશે. તેની સાથે કાશ્મીરી પંડિતોની વેદનાને વાચા આપતી અને બોક્સ ઓફિસ પર સરપ્રાઇઝિંગ રીતે સુપરહિટ જનારી વિવેક અગ્નિહોત્રીની અનુપમખેર-પલ્લવી જોશી સ્ટારર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સિલેક્ટ થવાના પણ નક્કર ચાન્સ હતા. ભારતની ઓસ્કર માટેની ઓફિશિયલ એન્ટ્રી બનવા માટે તેલુગુ રોમેન્ટિક હિટ ફિલ્મ ‘શ્યામ સિંઘા રોય’ પણ રેસમાં હતી. આ ફિલ્મમાં કીર્તિ સુરેશ, સાઈ પલ્લવી, નાની જેવાં સ્ટાર્સ હતાં. જ્યારે મલયાલમ સુપરસ્ટાર ફહાદ ફાસિલની સર્વાઇવલ ડ્રામા ફિલ્મ ‘મલયાંકુંજુ’ પણ ઓસ્કર એન્ટ્રી બનવાની દોડમાં હતી. પરંતુ ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાની જ્યુરીએ ફાઇનલી એક ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ પર પસંદગીનો કળશ ઢોળ્યો.

ભારતમાં 14 ઓક્ટોબરે આવશે ‘છેલ્લો શૉ’
હોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર રોબર્ટ ડી નિરો દ્વારા શરૂ કરાયેલા ‘ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ, સ્પેનના વેલાડોલિડ ફિલ્મ ફેસ્ટિવલ સહિતનાં આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવોમાં અઢળક ઇનામો, પ્રશંસા અને કમર્શિયલ સક્સેસ પણ મેળવી ચૂકી છે. ભારતમાં પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર આ ફિલ્મ 14 ઓક્ટોબરના રોજ રિલીઝ કરી રહ્યા છે.

નલિન કુમાર પંડ્યા ઉર્ફે પાન નલિન
મૂળે અમરેલીના લાઠીના અડતાલા ગામના નલિન પંડ્યા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મમેકર છે. તેમણે બનાવેલી ‘સમ્સરા’, ‘વેલી ઑફ ફ્લાવર્સ’, ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસિસ’ જેવી ફિલ્મોએ વિશ્વ સિનેમાના તખ્તા પર મજબૂત જગ્યા બનાવી છે. અત્યાર સુધીમાં તેમણે બનાવેલી ફીચર લેન્થ, શૉર્ટ અને ડોક્યુમેન્ટરી ફિલ્મોનો ટોટલ 21 જેટલો થાય છે. આ વર્ષે જૂન મહિનામાં ‘એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ’ (ઓસ્કર)માં વિશ્વ સિનેમામાં ધરખમ પ્રદાન કરનારા 397 કસબીઓમાં પાન નલિનને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ રીતે આમંત્રિત થનારા પાન નલિન પહેલા ગુજરાતી ફિલ્મમેકર છે.