સ્ટુડન્ટની એડવાન્સ બૂકિંગ ફીના 25 હજાર પરત ન કરવાનો મામલો
કુલ કેટલાં વિદ્યાર્થીની ફી શક્તિ સ્કૂલના સંચાલકો ખાઈ ગયા? તપાસનો વિષય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4
રાજકોટના યુનિ. રોડ પર જલારામ પ્લોટ પાસે આવેલી શક્તિ સ્કૂલ અને તેના શાળા સંચાલકો ગેરશૈક્ષણિક પ્રવૃત્તિ કરી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. આ શાળામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. વાત જાણે એમ છે કે શક્તિ સ્કૂલમાં એડમિશન બાબતે છેતરપિંડી કરવામાં આવે છે. એડમિશનના બહાને ફી પણ લઈ લેતાં હોય છે અને એડમિશન રદ્દ કર્યા પછી પણ ફી પણ પરત આપતાં નથી.
આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત પણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ નિર્મલ કાચા નામના એક વાલીએ પોતાની પુત્રીનું એડમિશન શક્તિ સ્કૂલમાં લેવાનું નક્કી કર્યું હતું. નિર્મલ કાચાએ પોતાની પુત્રી માટે ધોરણ 10 બાદ ધો. 11 સાયન્સમાં શક્તિ સ્કૂલમાં એડવાન્સમાં એડમિશન લઈ લીધું. આ માટે તેઓએ ગત તા. 9-4-2024ના રોજ રૂા. 25000 જેટલી ફી પણ ભરી રસીદ લઈ આપી હતી. ત્યારબાદ નિર્મલ કાચાની પુત્રીને ધો. 10માં ઓછા ગુણ આવતા શક્તિ સ્કૂલના સંચાલકોએ સામે ચાલીને તેનું એડમિશન કેન્સલ કરી નાખ્યું અને જે એડવાન્સ ફી ભરેલી હતી તે પણ પરત આપવાની ના પાડી દીધી હતી. આમ હવે ધોરણ 11ની જે એડવાન્સ ફી ભરી છે તે પરત કરવા નિર્મલભાઈ કાચાએ જિલ્લા શિક્ષણાધિકારીને અરજી કરી રજૂઆત કરી છે.
- Advertisement -
જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆતમાં જણાવાયું છે કે મારી પુત્રી દૃષ્ટિ નિર્મલભાઈ કાચાનું ધોરણ 11 વિજ્ઞાનપ્રવાહમાં શક્તિ સ્કૂલ જલારામ પ્લોટ, યુનિવર્સિટી રોડ રાજકોટમાં તા. 9-4-2024 પ્રવેશ માટે અમો વાલી શાળાએ પ્રવેશ માટે ગયા હતા. શાળા દ્વારા જણાવવામાં આવ્યું કે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ પ્રવેશ માટે એડવાન્સ ફી પેટે રૂપિયા 25,000 ભરવા જણાવેલું હતું. અમો વાલી દ્વારા ઉપર જણાવેલ રૂા. 25,000 રોકડા તા. 9-4-2024ના રોજ ભર્યા હતા. (પહોંચ સામેલ છે.)
ત્યાર બાદ ધોરણ 10નું પરિણામ આવતાં મારી પુત્રી દૃષ્ટિને 67% આવ્યા હતા. શાળા દ્વારા જણાવેલું હતું કે ધો. 11માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન આપી શકાય તેમ નથી અને અમારા દ્વારા ભરવામાં આવેલ એડવાન્સ ફી તમને પરત કરી દેશું તેવું શાળા દ્વારા જણાવેલું હતું. ત્યારબાદ અમો શાળાએ ભરેલી ફી પરત મેળવવા માટે ગયા ત્યારે શાળા દ્વારા રૂા. 12,000 પરત કરીશું, પૂરી ફી પરત નહીં કરીએ.
અમો વાલીના પુત્રી દૃષ્ટિ શક્તિ સ્કૂલમાં એડમિશન લીધેલ નથી, એક પણ દિવસ શાળાએ ગયેલ નથી. એલ.સી. પણ જમા કરાવેલ નથી તેમ છતાં શાળા દ્વારા અમે ભરેલ એડવાન્સ ભરેલી ફી રૂા. 25,000 પરત કરતાં નથી અને આ બાબતે અમો શાળાએ જઈએ ત્યારે શાળા દ્વારા 50% રૂપિયા પરત કરશું અને આ બાબતે જ્યાં રજૂઆત કરો ત્યાં કરો તેવું વર્તન કરેલું છે.
અમો વાલીને ન્યાય અપાવવા અને રૂા. 25,000 એડવાન્સ ભરેલ ફી પરત અપાવવા આપશ્રી સાહેબને નમ્ર અરજ છે.