ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર શહેરના ટ્રાફિક અને કિર્તિ મંદિર પોલીસ સ્ટાફ દ્વારા ગેરકાયદેસર દબાણો સામે વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વિ. ના માર્ગદર્શન હેઠળ, પોરબંદર શહેરના મુખ્ય માર્ગોમાં ટ્રાફિકને અડચણરૂપ એવા રેકડી ધારકો, પથાણા વાળાઓ, અને દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરીમાં એમ.જી.રોડ, સુદામા ચોક, ડ્રિમલેન્ડ રોડ, બંગડી બજાર સહિતના વિસ્તારોમાં દુકાન બહાર રાખેલા લોખંડના બોર્ડ, લાકડાના ટેબલો, અને દબાણરૂપ માલસામાન હટાવવામાં આવ્યો હતો.
- Advertisement -
ગેરકાયદેસર દબાણોને કારણે રસ્તાઓ પર થતા ટ્રાફિક જામને દૂર કરવા અને જનતાને સરળ પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવા આ કાર્યવાહી કરવામાં આવી હતી.ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખીને અને મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત રીતે અવરજવર કરવાની સગવડ મળે તે માટે વિશેષ સજાગતા રાખવામાં આવી હતી. કિર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં આ કામગીરી દરમિયાન કુલ 16 કેસો નોંધવામાં આવ્યા હતા. એ સિવાય ટ્રાફિકને અડચણરૂપ રીતે પાર્ક કરેલા વાહનચાલકો સામે રોકડ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીનો અમલ કિર્તિમંદિર પોલીસ સ્ટેશનના પી.આઇ જે.જે.ચૌધરી, પી એસ.આઈ જી.એમ. સોલંકી તથા ટ્રાફિક પોલીસના પી.એસ.આઇ અઘેરા તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો.