– રાજકોટ જિલ્લામાં 256 બાળકોને NMMS રાષ્ટ્રિય શિષ્યવૃતિઃ ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને કૂલ રૂ. 48,000 પૈકી દર વર્ષે અપાય છે રૂ. 12,000
મૂખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક આયામો ઉભા થયા છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કવોલીફાઇડ શિક્ષકો, રમત ગમતના મેદાનોવાળી આધુનિક શાળાઓના મકાનો, મધ્યાહન ભોજન, વિના મૂલ્યે પુસ્તકો, કોમ્પ્યુટર લેબ, વાઇફાઇની સુવિધાઓ, ઓનલાઇન શિક્ષણની સુવિધાઓ, ધો.8 ની બાળાઓને સાયકલ, સ્માર્ટ સ્કુલ, બાલ વાટિકા, કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ટેબલેટ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને આર્થિક તંગી ન રહે અને અભ્યાસમાં પ્રોત્સાહન મળે એ માટે સરકાર દ્વારા અનેક પ્રકારની પ્રોત્સાહન સહાય સ્કોલરશીપરૂપે આપવામાં આવે છે.
જિલ્લા શિક્ષણ અધિકારી ભરત કૈલાના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા તેજસ્વી બાળકોને પ્રોત્સાહન મળી રહે તેવા હેતુથી ધો.8માં અભ્યાસ કરતાં બાળકોને NMMS નેશનલ મેરીટ કમ સ્કોલરશીપ રાષ્ટ્રિય શિષ્યવૃતિ પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ગુજરાતના 5600 બાળકો આ સ્કોલરશીપ મેળવવા અરજી કરી હતી જેમાં 256 જેટલા રાજકોટ જિલ્લાના બાળકોને કૂલ 48,000ની સહાય આપવામાં આવે છે. આ સહાય ધો.9 થી 12 દરમિયાન દર વર્ષે રૂ. 12,000 લેખે આપવામાં આવે છે.
એજયુકેશન ઇન્સપેકટર યોગેશ ભટ્ટના જણાવાયા અનુસાર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ RTE, સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ શાળામાં અભ્યાસ કરતાં બાળકો આ પરીક્ષા આપીને રાજય સરકારની શિષ્યવૃત્તિ મળેવવા હકદાર બને છે. સરકારી સ્કુલમાં રૂ.7,000 અને ખાનગીમાં રૂ. 25,000 જેટલી રકમ આપવામા આવે છે. ચાલુ વર્ષે રાજકોટ જિલ્લાના 1200 વિદ્યાર્થીઓને આનો લાભ મળી રહયો છે.
મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ ધો.6થી 12માં અભ્યાસ કરતાં બાળકો આ પરીક્ષા આપી શકે છે. જેમાં રાજકોટ જિલ્લાના 1,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. જેમાં ધો.6 થી 8 માટે રૂ. 20,000, ધો.9થી 10 માટે રૂ. 22,000, ધો.11 અને 12 માટે રૂ. 25,000 વાર્ષિક મળે છે.
શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રિય અને રાજય પારિતોષિક વિજેતા શિક્ષકો :-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતના એક માત્ર શિક્ષક ઉમેશભાઇ વાળાને આ રાષ્ટ્રિય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. રાજકોટના કાલાવડ રોડ ખાતે આવેલ સેન્ટ મેરી (ગ્રાન્ટેડ) સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઉમેશભાઇને તેમના વિષયમાં તેમની શાળાનું છેલ્લા 3 વર્ષોથી 100 ટકા પરિણામ આવ્યું છે. શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ઉપરાંત તેઓ મજૂરોના બાળકોને તેમની વસ્તીમાં જઇને ભણાવે છે. શહેરની ઝુંપડપટ્ટી, ફુટપાથ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પણ નિયમિતપણે કેમ્પ યોજે છે.
રાજ્ય સરકાર રાજ્યકક્ષાનો ‘‘શ્રેષ્ઠ શિક્ષક’નો પુરસ્કાર વર્ષ 2021માં અને “બેસ્ટ પ્રિન્સિપલ” તરીકેનો એવોર્ડ રાજકોટના શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલના આચાર્યા ડો. સોનલબેન ફળદુને એનાયત થયો હતો. તેઓને ડ્ર્રોપ આઉટ રેશિયો ઘટાડવા, શાળામાં સેનેટરી પેડ મશીનના ઇન્સ્ટોલેશન, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા”સ્વચ્છ ભારત” અભિયાનમાં વિજેતા બનવા શાળાને ડિજિટલ સ્કૂલ તરીકે સહિતની ઉત્તમ કામગીરી માટે રાજય સરકારે આ સન્માન આપ્યુ હતું.
હાલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળા નંબર 47માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શિલ્પાબેન ડાભી શારીરિક વિકલાંગ હોવા છતાં આત્મનિર્ભર છે. તેઓને રાજ્ય કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક’ એવોર્ડ, મળ્યો છે. તેઓ વર્ગખંડમાં ‘લર્નિંગ બાય ડુઈંગ’ના કન્સેપ્ટનો ઉપયોગ કરે છે. શાળામાં ભૌતિક સુવિધા વધારવામાં રસ દાખવી, સ્વખર્ચે મ્યુઝીક સિસ્ટમ, માઈક, શૈક્ષણિક પોસ્ટર્સ, શાળાનો ઘંટ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વેશભૂષા વસાવ્યાં છે. બાળકોને શાળાએ આવવું ગમે તે માટે શાળાને સુંદર ચિત્રોથી આકર્ષક બનાવી છે. તેમજ શાળા કક્ષાએ યોજેલા ‘સેટરડે સ્પેશિયલ’, ‘સ્કીલ ડેવલપમેન્ટ ઈન ગર્લ્સ’ જેવા પ્રોજેક્ટસની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ છે.