– સાથી ખેલાડી ડિવિલિયર્સે કહ્યું, હું અમલાની ક્રિકેટ સફર ઉપર એક પુસ્તક લખીશ

સાઉથ આફ્રિકાના સ્ટાર ખેલાડી હાશિમ અમલાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. 39 વર્ષીય અમલાએ કહ્યું કે, હું તમામ ખેલાડીઓ અને ટીમના સભ્યોનો આભાર વ્યક્ત કરું છું જેમણે મને અત્યાર સુધી સહકાર આપ્યો છે. સાથે જ ટીમને શુભકામનાઓ પાઠવું છું કે તેઓ બહુ બધી ઉપલબ્ધીઓ હાંસલ કરે. આમલા દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારો બીજો બેટર છે.

અમલાએ 124 ટેસ્ટમાં 46.64ની સરેરાશથી 9282 રન બનાવ્યા છે. તે જેક્સ કેલિસના 13206 રન બાદ બીજા ક્રમે છે. અમલાએ 2004થી 2019 સુધી આફ્રિકા માટે તમામ ફોર્મેટમાં 18672 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે વન-ડેમાં 27 સદી બનાવી છે. આ રેકોર્ડને અત્યાર સુધી આફ્રિકાનો કોઈ બેટર તોડી શક્યો નથી. તે આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબ વતી રમી ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, 2012માં ધ ઓવલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ અમલાએ 311 રનની ઈનિંગ રમી હતી. આ દક્ષિણ આફ્રિકાના કોઈ બેટર દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર છે. તે સરે ટીમનો હિસ્સો હતો જેણે 2022માં કાઉન્ટી ચેમ્પિયનશિપ જીતી હતી. અમલાએ 181 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાં 49.46ની સરેરાાથી 8113 રન બનાવ્યા છે. જ્યારે 44 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 33.60ની સરેરાશથી 1277 રન બનાવ્યા છે. અમલાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરમાં 19521 રન બનાવ્યા છે.

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલેક સ્ટીવર્ટ જેણે સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં અમલા સાથે કામ કર્યું છે તેમણે અમલાને ક્રિકેટનો એક મહાન ખેલાડી ગણાવ્યો છે. આ ઉપરાંત આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડિવિલિયર્સે અમલાની નિવૃત્તિ બાદ એવી જાહેરાત કરી છે કે તેના ઉપર રીતસરનું એક પુસ્તક લખી શકાય તેમ છે.