કાઠિયાવાડના ‘સૌરાષ્ટ્ર’થી લઈ મુંબઈના ‘જન્મભૂમિ’ સુધી.. લેખક-પત્રકાર અમૃતલાલ શેઠ..
પત્રકારત્વના માધ્યમ વડે યુગપરિવર્તનકારી કાર્ય કરનારા પત્રકાર અમૃતલાલ દલપતરામ શેઠ
અમૃતલાલ શેઠના સૌ પ્રથમ 2 ઓક્ટોબર, 1921ના રોજ રાણપુરથી શરૂ થયેલા સૌરાષ્ટ્ર સાપ્તાહિકે આખા કાઠિયાવાડ રાજમાં નીડર પત્રકારત્વની નવી દિશા ઉઘાડી દીધી હતી.
– ભવ્ય રાવલ
આજથી એક સદી અગાઉ.. એ જમાનામાં એક આખું સમાચાર પત્ર ચલાવનાર વ્યક્તિ એક જ હોય! સૌ પ્રથમ પત્રનો મુખ્ય વ્યક્તિ પોતે જ સમાચાર શોધે, પછી પોતે જ સમાચાર લખે, પછી પોતે જ એ સમાચાર વાંચે અને પછી પોતે જ છાપે! અખબાર છપાઈ જાય એટલે પોતે જ તેને વેંચવા નીકળે અને અખબાર વહેંચાઈ જાય પછી ફરી પોતે જ ગામેગામ સમાચારની શોધમાં નીકળી પડે! આવા જ એક સમાચાર પત્રના માલિક, મુદ્રક, પ્રકાશક, તંત્રી, પત્રકાર એટલે અમૃતલાલ શેઠ. રાણપુર જેવા નાનકડા ગામમાંથી સૌરાષ્ટ્રમાં પ્રજાલક્ષી પત્રકારત્વનો પાયો નાખનાર અમૃતલાલ શેઠને ભાગ્યે જ કોઈ ઓળખતું નહીં હોય, ગુજરાતી પત્રકારત્વજગતમાં અમૃતલાલ શેઠને સૌરાષ્ટ્રના સિંહનું બિરુદ આપવામાં આવેલું છે. અમૃતલાલ શેઠે ન ફક્ત ગુજરાતી પત્રકારત્વને દિપાવ્યું છે પરંતુ ગુજરાતી પત્રકારત્વને દિપાવે તેવા પત્રકારોની એક આખી ફોજ ઘડી છે.
કાઠિયાવાડની ધરા પરથી પત્રકારત્વના માધ્યમ વડે યુગપરિવર્તનકારી કાર્ય અનેક પત્રકારોએ કર્યું છે, તેમાંનું એક અવ્વલ દરજ્જાનું નામ અમૃતલાલ દલપતરામ શેઠનું છે. અમૃતલાલ શેઠ અને તેમના પત્રોનું ગુજરાતી પત્રકારત્વના વિકાસ સહિત ભારતની આઝાદીમાં યોગદાન નાનુંસુનું નથી. સૌરાષ્ટ્ર, રોશની, નઈ રોશની, ફૂલછાબ, અંગ્રેજી પત્ર ધ સન અને જન્મભૂમી જેવા અખબારોના આદ્યસ્થાપક અમૃતલાલ શેઠ પ્રખર રાષ્ટ્રભક્ત અને આજન્મ લોકસેવક સાથે રાષ્ટ્રવાદી પત્રકાર તરીકે ખ્યાતિ પામ્યા છે. અમૃતલાલ શેઠે 2 ઓક્ટોબર, 1921ના રોજ રાણપુરથી સૌરાષ્ટ્ર સાપ્તાહિક શરૂ કર્યું હતું. 1931માં સૌરાષ્ટ્ર ઉપર પ્રતિબંધ મૂકાયો હતો. અમૃતલાલ શેઠ 1934માં રાણપુર છોડી મુંબઈમાં સ્થાયી થયા હતા. મુંબઈથી તેમણે જન્મભૂમિ, ધ સન, નૂતન ગુજરાત જેવા પત્રો શરૂ કર્યા હતા. અમૃતલાલ શેઠે 1935માં મરાઠી દૈનિક લોકમાન્ય ખરીદી લીધું હતું.
- Advertisement -
જો અમૃતલાલ લાલ શેઠના સૌ પ્રથમ પત્ર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો 2 ઓક્ટોબર, 1921ના રોજ રાણપુરથી શરૂ થયેલા સૌરાષ્ટ્ર સાપ્તાહિકે આખા કાઠિયાવાડ રાજમાં નીડર પત્રકારત્વની નવી દિશા ઉઘાડી દીધી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામના એ યુગમાં અમૃતલાલ શેઠના સાપ્તાહિક સૌરાષ્ટ્રની કાઠિયાવાડ સહિત આખા ગુજરાતના દેશી રાજ્યો અને અંગ્રેજોમાં એવી ધાક હતી કે કેટલાક દેશી રાજ્યોએ તો પોતાના રાજમાં સૌરાષ્ટ્રના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આમ છતાં સૌરાષ્ટ્રની નકલો દેશી રાજ્યોની પ્રજા ગમે ત્યાંથી મેળવીને વાંચતી અને વંચાવતી હતી. કારણ સ્પષ્ટ હતું, દેશી રાજ્યોમાં રૈયતને જે અત્યાચારો સહન કરવા પડતા હતા તેને સૌરાષ્ટ્ર સાપ્તાહિક વાચા આપતું હતું, આ સાથે જ અસ્સલ કાઠિયાયાવાડી મિજાજનું પ્રતિબિંબ સૌરાષ્ટ્ર પત્ર બની ગુજરાતભરમાં જાણીતું બની ગયું હતું. અમૃતલાલ શેઠનું સૌરાષ્ટ્ર 1930-31માં બંધ પડ્યું હતું, સૌરાષ્ટ્ર પર પ્રતિબંધના કારણે સૌરાષ્ટ્રનું નામ બદલાવીને રોશની રાખવામાં આવ્યું હતું. રોશની બાદ તેનું નામ બદલાવીને ફૂલછાબ રાખવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર સાપ્તાહિક કે જે હવે ફૂલછાબ દૈનિકના નામે ઓળખાય છે તેણે ગુજરાતી પત્રકારત્વમાં એક સદીની યાત્રા પૂર્ણ કરી લીધી છે.
અમૃતલાલ શેઠે સાપ્તાહિક સમાચાર પત્ર સૌરાષ્ટ્ર થકી સૌરાષ્ટ્રના પત્રકારત્વનો સુવ્યવસ્થિત પાયો નાખી વૃત્તાંતનિવેદનને નવી દિશા આપી હતી. કાઠિયાવાડમાં ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ એટલે કે શોધ-સંશોધનાત્મક પત્રકારત્વની શરૂઆત કરનારા પણ અમૃતલાલ શેઠ અને તેમનું પત્ર સૌરાષ્ટ્ર હતા.
અમૃતલાલ શેઠ એટલે ફક્ત શિક્ષક, મેજિસ્ટ્રેટ, રાષ્ટ્રવાદી પત્રકાર જ નહીં, સ્વાતંત્ર્ય સેનાની પણ…
અને તેમના આ કાર્યમાં સાથ આપનારા ઝવેરચંદ મેઘાણી, કકલભાઈ કોઠારી, ગુણવંતરાય આચાર્ય, શામળદાસ ગાંધી જેવા ભાષા, સાહિત્ય, ઈતિહાસ, રાજકારણ, કાયદા વગેરે વિષયના જાણકારો હતા. અમૃતલાલ શેઠ અને તેમના આ સાથીદારો સૌરાષ્ટ્ર સાપ્તાહિક બાદ જન્મભૂમિ દૈનિકમાં પણ જોડાયેલા રહ્યા હતા. સૌરાષ્ટ્ર અને જન્મભૂમિનો દરેક પત્રકાર પોતાનામાં એક વિશિષ્ટ વ્યક્તિત્વ અને આવડત ધરાવતો હતો. આજે પણ સૌરાષ્ટ્ર તેમજ જન્મભૂમિ પત્રોમાં શરૂઆતના સમયમાં લખાયેલા – છપાયેલા તંત્રીલેખો અને લેખો સાંપ્રત જણાય છે.
- Advertisement -
મુંબઈ જઈને અમૃતલાલ શેઠે 1934માં જન્મભૂમિની સ્થાપના કરી હતી. મૂળ તો તેમણે ત્યાંથી ધ સન નામનું અંગ્રેજી પત્ર પ્રગટ કર્યું હતું પણ તે ચાલ્યું નહીં અને આર્થિક નુકસાની આપનારું બન્યું. ધ સનની નિષ્ફળતા બાદ અમૃતલાલ શેઠે મુંબઈથી જન્મભૂમિ શરૂ કર્યું. મુંબઈમાં સવારના અખબારોમાં મુંબઈ સમાચાર અતિ પ્રખ્યાત હતું તેથી તેની હરિફાઈમાં ન ઉતરતા જન્મભૂમિ સાંધ્ય દૈનિક તરીકે શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. 9 જૂન, 1934ના રોજ મુંબઈની મેડોઝ સ્ટ્રીટથી જન્મભૂમિ અખબારની શરૂઆત થઈ હતી. માત્ર 5000 નકલથી શરૂ થયેલું જન્મભૂમિ અખબાર જોતજોતામાં લોકપ્રિય બની ગયેલું હતું. અમૃતલાલ શેઠે સૌરાષ્ટ્રની જેમ જ જન્મભૂમિને એક પ્રખર રાષ્ટ્રવાદી, નીડર અને પ્રજાભિમુખ પત્ર તરીકે પ્રસ્થાપિત કર્યું હતું. અમૃતલાલ શેઠે કાઠિયાવાડમાં સૌરાષ્ટ્ર અને મુંબઈમાં જન્મભૂમિ જેવા પત્રો શરૂ કરી ગુજરાતી પત્રકારત્વને રાષ્ટ્રીય સ્તર પર નોંધનીય બનાવ્યું હતું.
અમૃતલાલ શેઠ મેટ્રિક થયા પછી તત્કાલીન ધરમપુર રાજ્યમાં શિક્ષક બન્યા હતા. આગળ જતા તેઓ લીંબડી-વઢવાણમાં રહીને વકીલાતનું પણ ભણ્યા અને કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી લીંબડીમાં મેજિસ્ટ્રેટ બન્યા હતા. જોકે નિયતિને કઈક બીજું જ મંજૂર હોય તેઓ અંતે પત્રકારત્વની દુનિયાના પગથિયાં ચઢ્યા અને જીવનના અંત સુધીમાં પત્રકારત્વની દુનિયામાં સફળતાના શિખરોની ટોચ પર પહોંચી ગયા હતા. મોતને મુઠ્ઠીમાં લઈને સમાચાર શોધવા નીકળતા, જીવને હથેળી પર રાખી સમાચાર લખવા બેસતા અને મરવાની પરવા કર્યા વિના પત્રો પ્રસિદ્ધ કરતા અમૃતલાલ શેઠ એક શિક્ષક અને મેજિસ્ટ્રેટ ઉપરાંત બાહોશ અખબારનવેશ હતા. અમૃતલાલ શેઠ કાયમ પોતાની સાથે રિવોલ્વર રાખતા. ઘોડા પર સવાર થઈ સમાચારની શોધમાં નીકળતા ત્યારે કમરે પીસ્તોલ બાંધેલી જ હોય, અડધી રાત્રે એકલા સમાચાર લખવા બેસતા ત્યારે પણ તેમની પાસે એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં કલમ હોય. અમૃતલાલ શેઠમાં એક લેખક – પત્રકાર સાથે નેતાના તમામ ગુણો હતા. અમૃતલાલ શેઠની લેખનશૈલીમાં સાહિત્ય અને દેશભક્તિનો જબરો સમન્વય હતો. તેઓ ભાષા-સાહિત્ય સાથે ઈતિહાસ, રાજકારણ અને કાયદા જેવા વિષયોના પણ જાણકાર હતા. પત્રકારત્વના વ્યવસાય સાથે સંબધિત અનેક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા.
દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એવા ઘણા લડવૈયાઓ હતા જેમના પ્રદાન અંગે એમના પ્રદેશની બહારના લોકો બહુ જાણતા નથી હોતા. ઈતિહાસના કાળખંડમાં થોડોઘણો અન્યાય પામેલા આવા જ એક આઝાદીની લડતના લડવૈયા એટલે અમૃતલાલ દલપતરામ શેઠ, જેઓ ફક્ત શિક્ષક, મેજિસ્ટ્રેટ, રાષ્ટ્રવાદી પત્રકાર જ નહીં પરંતુ સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. ગાંધીજીની આઝાદી માટેની લડતને તેમનો પૂરો ટેકો હતો. આઝાદીની લડતના વિવિધ આંદોલનમાં ભાગ લઈ ચૂકેલા અમૃતલાલ શેઠ મુંબઈ ગયા તે પહેલા ધોલેરા મીઠા સત્યાગ્રહમાં સ્થાનિક પ્રજાને કુશળ નેતૃત્વ પૂરું પાડી ચૂક્યા હતા. તેમણે 1932ની ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. જાપાન અને બર્મામાં કરેલાં કારનામાઓ, જૂનાગઢની આરઝી હકૂમતમાં લીધેલો આગળ પડતો ભાગ, અને વિશેષ તો ગુજરાતી પત્રકારત્વમાં કરેલા સાહસોની વિસ્તૃત કથા જાણવા માટે અમૃતલાલ શેઠના જીવન – કાર્ય પર લખાયેલા પુસ્તકો વાંચવા પડે.
વધારો : આજથી એક સદી પૂર્વે અમૃતલાલ દલપતરામ શેઠે શરૂ કરેલા સમાચાર પત્રો પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટેની પાઠશાળા બની ગયેલા અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પત્રકાર બનવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટેની પાઠશાળાનું નામ શ્રી અમૃતલાલ દલપતરામ શેઠ પત્રકારત્વ ભવન છે.