પાણીના નિકાલ માટે રસ્તો 59 ફુટ ખુલ્લો કરવાનું વેગડવાવ, નવા વેગડવાવ અને ઘણાદ પંચાયતને અલ્ટીમેટમ
હળવદ કાર્યપાલક ઈજનેરની કચેરી દ્વારા કલેક્ટર સહિતનાને રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના વેગડવાવ, ઘણાદ અને રણમલપુરને જોડતા ડામર રોડનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે 17 કિલોમીટર લાંબો રોડ 3.75 મીટરનો હતો તેમાંથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 5.50 મીટર પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે જેથી કરીને હાલમાં સેન્ટરથી બંને બાજુ 9 મીટરની જગ્યા રસ્તાની માલિકીની છે એટલે કે ટોટલ 18 મીટર જગ્યા રસ્તા માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે ત્યારે વેગડવાવ, નવા વેગડવાવ, ઘણાદ અને રણમલપુર ગામતળેથી પસાર થતા રસ્તાની હદમાં બંને બાજુ પાણીના નીકાલ માટે ગટર બનાવવી ખુબ જરૂરી છે અને પાણીના નીકાલ માટે રસ્તાની પહોળાઈ સહિત આશરે 59 ફુટ જેટલો રસ્તો ખુલ્લો કરવો જરૂરી બન્યો છે જેથી કરીને પથરેખામાં દબાણ કરેલા ખાતેદારોને દબાણ દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી અને રેવન્યૂ તલાટી મંત્રીઓમાં નવા વેગડવાવ, જૂના વેગડવાવ, ઘણાદ અને રણમલપુર, મોરબી જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી મોરબી, પ્રાંત અધિકારી હળવદ, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન પંચાયત વિભાગને હળવદ કાર્યપાલક ઈજનેરની કચેરી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
- Advertisement -
દબાણ દૂર કરવાની જવાબદારી માર્ગ-મકાન વિભાગની: મામલતદાર
હળવદ મામલતદાર ચિંતનભાઈ આચાર્યએ આ અંગે જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગ અમારી પાસે રજૂઆત લઈને આવશે તો અમે સુરક્ષા ઉપલબ્ધ કરાવીશું. હાલમાં પૂરજોશમાં હળવદથી રણમલપુરને જોડતા રોડની કામગીરી ચાલી રહી છે અને પાણીનો યોગ્ય નીકાલ થશે તો જ રોડની યોગ્ય ગુણવત્તા જળવાઈ રહેશે જેથી કરીને પેશકદમી કરેલા ખાતેદારોએ નૈતિક જવાબદારી સમજીને દબાણ દૂર કરી લેવા જોઈએ.
અમે સ્થળ ચકાસણી કરીને રિપોર્ટ કરીશું: રેવન્યુ તલાટી
રોડની પથરેખામાં પેશકદમી બાબતે રણમલપુર ગ્રુપના રેવન્યુ તલાટી મંત્રી હર્ષાબેન ગઢવી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમે નાયબ મામલતદારને વાત કરી છે. અમે સ્થળ ચકાસણી કરીને રીપોર્ટ કરીશું.