ખાસ-ખબર સંવાદદાતા
મોરબીની જે. એ. પટેલ મહિલા કોલેજ ખાતે ગત તા. 01 જાન્યુઆરી, રવિવારના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી નગરનું એકત્રીકરણ તથા પથ સંચલન યોજાયું હતું. સૌરાષ્ટ્ર પ્રાંતના શારીરિક પ્રમુખ દિપકભાઈ ગમઢા તથા સહ સેવા પ્રમુખ હસમુખભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વયંસેવકોએ દંડના વિવિધ પ્રયોગ, નિયુદ્ધ વિગેરેના સુંદર પ્રયોગો કર્યા હતા. શારીરિક પ્રયોગો બાદ મહિલા કોલેજથી જીઆઈડીસી, શનાળા રોડ, ડો. ભાડેસિયા હોસ્પિટલ થઈને મહિલા કોલેજ સુધીના રૂટમાં સ્વયંસેવકોનું અનુશાસિત પથ સંચલન ઘોષના તાલ સાથે નીકળ્યું હતું જેને નગરજનોએ ખૂબ સુંદર પ્રતિસાદ આપ્યો હતો.
આ પથ સંચલનમાં અંદાજે 150 સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્યારબાદ રાજકોટ વિભાગ પ્રચારક રામસિંહભાઈ બારડે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, હિન્દુ સંગઠન જેમ જેમ મજબૂત બનશે તેમ તેમ રાષ્ટ્ર પરમ વૈભવને પામશે અને તે માટે સંઘ કાર્યનો નિરંતર વિકાસ થાય તે દિશામાં તન, મન અને ધનથી કાર્ય કરવાની હાકલ કરી હતી. આ ગૌરવયુક્ત કાર્યક્રમમાં મોરબી જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડીયા, રાજકોટ વિભાગના સહકાર્યવાહ વિપુલભાઈ અઘારા, મોરબી જીલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલિયા, સહકાર્યવાહ જસ્મિનભાઈ હિંસુ, મોરબી નગર કાર્યવાહ ડો. જયદીપભાઈ કંઝારિયા, સહ કાર્યવાહ દિલીપભાઈ કડેચા, જીતુભાઈ વિરમગામા, પ્રચારક સુરેશભાઈ ગોરસિયા વગેરેનું પ્રેરણાત્મક માર્ગદર્શન મળ્યું હતું અને આ કાર્યક્રમમાં અંદાજે 230 જેટલા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એકત્રિકરણ, પથ સંચલન યોજાયું
