રાજકોટ મજાનું શહેર છે પરંતુ તેનાં ઘણાં માઇનસ પોઇન્ટસ પણ છે. કેટલાક ઉધારપાસા તંત્રની દેન છે તો ઘણાં આવા મુદ્દાઓ રાજકોટવાસીઓની મનોવૃત્તિની નીપજ છે. આવા જ સાત મુદ્દાઓ વિશે વાત…
વિશાખા વૈદ્ય
(૧) આજી… ક્યારે થશે સાજી?
- Advertisement -
અમદાવાદે સાબરમતીને શહેરની શાન બનાવી, રાજકોટે આજીને શહેરની શરમ બનાવી નાંખી. ચારેકોર દબાણો, નદીમાં ઠલવાતી ગટરો અને ભયાનક ગંદકી. આજીને આપણે નદીમાંથી વોંકળો બનાવી દીધી. દસકાઓથી આજીના બ્યુટિફિકેશનની ઠાલી વાર્તાઓ આપણે સાંભળતા આવ્યા છીએ. કશું જ થતું નથી. વાસ્તવમાં આજીએ ‘મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર’ અને ‘રોગ ઉત્પત્તિ સેન્ટર’ બની ગઈ છે. ભલું થજો ઈન્દ્રદેવનું, દર વર્ષે ઝાઝોબધો વરસાદ મોકલે છે અને આજીની આપોઆપ સફાઈ થઈ જાય છે. આજીને એકદમ સ્વચ્છ બનાવી, તેમાં બારેમાસ પાણી રહે તેવું આયોજન કરીને આખા પટ્ટાને હરવા ફરવાના સ્થળ તરીકે વિકસાવી શકાય. વાતો તો ઘણી થઇ છે, નક્કર કામ થાય ત્યારે સાચું.
વાતો તો ખૂબ થઈ ગઈ. લાલપરી, રાંદરડા અને ન્યારીના સૌંદર્યકરણની વાતો પણ હજ્જારો વર્ષોથી સંભળાય છે. ગ્રામદેવતા એવા રામનાથ મહાદેવના જીર્ણોદ્ધારની વાતો પણ હજ્જારેક વખત વાંચી છે. મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ રાજુ ધ્રુવ જ્યારે યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષનું પદ શોભાવતા હતા ત્યારે તેમણે રામનાથ મહાદેવના પુનરોદ્ધાર વિશે હાથીના કાન ફાડી નાંખે તેવી વાતો કરી હતી. ઘણાને તો એવું લાગ્યું કે, નવું મંદિર બની ગયું છે. થયું કશું નહીં. આ બધા કાર્યો સત્વરે પૂર્ણ થાય તો શહેરની શોભા વધે. થશે?
(૨) ટ્રાફિક, નગર આયોજન અને અધૂરાં વચનો…
- Advertisement -
શાસકો જેને મીની મુંબઈ કહે છે, તેવાં રાજકોટને હજુ મીની અમદાવાદ કે મીની સુરત બનવામાં પણ દસકો વીતી જશે. સુરતમાં નગર આયોજન અંગે ત્રણ દાયકા પહેલાં જ ગંભીરતા આવી ગઈ હતી. ત્યાં શહેરમાં ફ્લાયઓવર્સની હારમાળા સર્જાઇ. જેથી ટ્રાફિકમાં રાહત થઈ. રાજકોટમાં આવું કામ બહુ મોડે- મોડે શરૂ થયું. આમ્રપાલી ફાટક પાસે અંડરબ્રિજ કરવો કે ઓવર બ્રિજ એ વિચારવામાં જ આપણે દસ વર્ષ કાઢી નાખ્યાં. છેવટે કોઈએ સિક્કો ઉછાળીને અંડરબ્રિજનું નક્કી કર્યું. લક્ષ્મીનગરનું ગરનાળું હવે પુરાતત્વ વિભાગની સાઈટ કરતાં પણ વધુ જર્જરિત છે. કોઈ વિદેશીને કહો કે, આ ધોળાવીરા છે. તો એ માની જ લે.
પૂર્વાયોજન કરવામાં આવ્યું હોત તો આજે માધાપર ચોકડીએ ફ્લાયઓવર ઉભો હોત. સમયસર આયોજન થયું હોત તો કોટેચા ચોકમાં ક્યારેય ટ્રાફિક સમસ્યા સર્જાતી ન હોત. આ બધી સમસ્યાઓ ઓછી હોય તેમ મીટર વગર દોડતી રિક્ષાઓ અને રાજકોટથી નાના ગામો વચ્ચે ચાલતી ‘તૂફાન’નો ત્રાસ. તમે માસ્ક વગર નીકળો તો 1000 રૂપિયા દંડ લેવા પોલીસ તૈયાર ઉભી છે, ટ્રાફિકની પારાવાર સમસ્યા સર્જતા ‘તૂફાન’ને કોઈ રોકતું નથી .રાજકોટમાં અનેક કહેવાતા ‘જાંબાઝ’ પોલીસ કમિશનરો આવ્યા અને ગયા, કોઈમાં એવી મર્દાનગી નહોતી/ નથી કે, આ દૂષણ દૂર કરી શકે.
(૩) રખડતાં ઢોર અને તંત્રની લૂંટાતી આબરૂ!
રખડતાં શ્વાન દર મહિને કેટલાં નિર્દોષ શહેરીજનોને કરડી ખાય છે? સંખ્યા હજારોમાં છે. માન્યું કે, કુતરાંઓ પકડવા બાબતે સુપ્રીમકોર્ટનો ઓર્ડર બહુ અટપટો છે. પરંતુ ખસીકરણનો રસ્તો તો ખુલ્લો જ છે. દર વર્ષે ખસીકરણ અંગે સાવ ભ્રામક આંકડાઓ આપવામાં આવે છે અને બીજી તરફ શહેરમાં શ્વાનની વસ્તી માણસો જેટલી થઇ ગઇ છે! શેરીમાં જેટલાં ઘર નથી હોતાં એટલાં કુતરાં હોય છે. અમુક વિસ્તારોમાં ભૂંડનો ત્રાસ પણ ઓછો નથી. જો કે, સૌથી વધુ ત્રાસ તો રખડતી ગાયો અને ખૂંટિયાઓનો છે. ખૂંટિયાઓમાં પાછા અંદરોઅંદર ડખ્ખા બહુ હોય છે. તેમની વચ્ચે ધિંગાણું થાય ત્યારે કેટલાંય નિર્દોષ મનુષ્યોનો ખો નીકળી જાય. ગાયો – ખૂંટીયાઓને કારણે અનેક લોકોને ગંભીર ઇજા થઇ છે, કેટલાંય લોકોએ પ્રાણ ગુમાવ્યા છે. છતાં આ સમસ્યા પ્રત્યે ગંભીરતા સેવાતી નથી. દેખાવમાં, બુદ્ધિમત્તામાં અને કાર્યદક્ષતામાં સાવ નાના બાબલા જેવા મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલના કાર્યકાળમાં તો આ સમસ્યા ઓર વકરી છે. જ્યાં સુધી એકાદ મોટા નેતા કે મોટા અધિકારીને કોઈ જાંબાઝ ખૂંટિયો ઢિંકે નહીં ચડાવે ત્યાં સુધી આ સમસ્યા દૂર થવાની નથી.
(૪) હામું હું જોવસ? કેમ એલા કાતર મારસ?
આ રાજકોટવાસીઓનો રાષ્ટ્રીય ડાયલોગ છે. કોઈની સામે જુઓ કે તીરછી નજરે જુઓ તો એ અહીં 302 જેવો ગંભીર ગુનો ગણાય છે. રાજકોટનો સરેરાશ લુખ્ખેશ યુવાન દરરોજ સવારે ઊઠીને ભગવાનને પ્રાર્થના કરે છે કે, “હે પ્રભુ! આજે ક્યાંક ડખ્ખાનો મેળ કરી દેજે !” એનાં જીવનનો સાર જ ડખ્ખો છે. શહેરનો દરેક લુખ્ખેશ પાછો છેડાં ધરાવતો હોય છે. બપોરે બે વાગ્યે ઊઠીને ૪ વાગ્યે જ્યારે એ બાબરી પાડીને નીકળે ત્યારે બે-ચાર પાગીયા – ભાગીયા એની ભેળા હોય. રોડ પર તેઓ હંમેશા રોંગ સાઈડમાં વાહન ચલાવે, સાચી સાઈડમાં આવતા લોકોમાંથી કોઈ ગુસ્સાથી તેમની સામે જુએ એટલે પેલો સ્ટાન્ડર્ડ ડાયલોગ આવે: “સામું હું જોવસ? કાતર કેમ મારસ?”
(૫) ભલભલાને ભૂ પીવડાવતા ભૂમાફિયા
અગાઉ થયેલાં બે – ત્રણ અધિકૃત સર્વે મુજબ રાજકોટ એ દેશનું ‘લેન્ડ-સ્કેમ કેપિટલ’ છે સરળ ભાષામાં કહીએ તો જમીન કૌભાંડનું રાષ્ટ્રીય પાટનગર. અહીં શેરી દીઠ એકાદ જમીન કૌભાંડીયો મળી રહે તમને. પાનની દુકાને કોઈને પૂછો કે, તમે શું કરો છો? જવાબ બેમાંથી એક જ હોય:(૧) શેરબજારનું અથવા (૨) જમીન- મકાનનું! આ ‘જમીન -મકાન’નું એટલે ટૂંકમાં કહીએ તો કોઠા- કબાડા. અહીં ખાલી પ્લોટને ઘરની જુવાન દીકરીની જેમ સાચવવો પડે. થોડી ગફલત કરો તો ગાય-ભેંસ ત્યાં બંધાઈ જાય. નાનું ઝૂંપડું પણ બની જાય. થોડા દિવસ પછી ત્યાં લાઈટ -પાણીનું કનેક્શન પણ આવી ગયું હોય. પછી તમારી જ જમીન તમારે દબાણકર્તા મહાનુભાવ પાસેથી ખરીદવી પડે. અહીં એક જ જમીનનું સાટાખત અનેક લોકોને કરી આપવાની ફેશન છે. જમીન કૌભાંડોનો કોઈ પાર નથી. આખેઆખી સોસાયટીઓ ગેરકાયદે ઉભી થઇ ગઈ હોય એવા અગણિત ઉદાહરણો છે. સરકારી જમીન પણ પચાવી પાડવામાં આવી હોય તેવાં અનેક દાખલાઓ છે. શહેરને અમસ્તું જ ‘લેન્ડસ્કેમ કેપિટલ’ નથી કહેવાયું.
(૬) ઈઝી મની…. આઇ લવ ઇટ, હની!
વિશી હોય કે શેરબજાર, કોમોડિટી હોય કે બીટકોઈન કે પછી જમીન કે લોટરી… દરેક સટ્ટામાં રાજકોટ આગળ પડતું જ હોય. ‘ઈઝી મની’ અથવા ટૂંકા રસ્તે પૈસા કમાવાનું અપલખ્ખણ આ શહેરના ડી.એન.એ.માં છે. વીશીના અને લોટરીના વિષચક્રમાં અનેક હોમાઈ ગયા. શેરબજારમાં ઘણા ફના થઇ ગયા તો અનેક તરી ગયા. ડબ્બા ટ્રેડિંગમાં ઘણાંના ડબલાં ડૂલ થઇ ગયા અને કેટલાયની પેઢીઓ તરી ગઈ. કોમોડિટીનો સટ્ટો, બીટકોઈન વગેરે અહીં લેટેસ્ટ ટ્રેન્ડ છે. ક્રિકેટ પરનો સટ્ટો ઓલ ટાઇમ હિટ છે. આ મનોવૃત્તિએ રાજકોટની અનેક પેઢીના યુવાધનને યુવાધણ બનાવી દીધું, તેમનું ધનોત-પનોત કાઢી નાખ્યું. અઢાર – વીસ વર્ષના જુવાનિયાઓ પણ ડબ્બાના ચક્કરમાં હોમાઈ ગયા હોય એવા ઉદાહરણો સગી આંખે જોયા છે. ઈઝી મનીની લાહ્યમાં યુવાઓની કારકિર્દી ખતમ થઇ જાય છે. સટ્ટા – જુગારમાં દસમાંથી એક- બે વ્યક્તિ કમાય છે અને સાત-આઠ પોતે બરબાદ થાય છે, પરિવારને પણ રઝળાવી દે છે.
(૭) પ્રોફેશનલિઝમ? સર્વિસ? એ કઈ બલાનું નામ?
આફ્ટર સેલ સર્વિસ જેવું અહીં કશું નથી. બીફોર સેલ સર્વિસ પણ નથી. ‘માલ લેવો હોય તો લો, નહિતર ચાલતા થાઓ!’ આવું અહીંના સરેરાશ વેપારીઓનું વલણ છે. એ જ અહીં ચલણ છે. વેપારીઓની વાત જવા દો, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક, મિસ્ત્રી વગેરે બધા જ લોકોમાં તમને ટણી જોવા મળે. મોટી કંપનીઓ પણ અહીં સાવ દેશી પદ્ધતિથી ચાલે છે. પ્રોફેશનલિઝમનો સદંતર અભાવ. મોટી કંપનીમાં ઘણી વખત ચાવીરૂપ પોઝીશન પર જે- તે વિષયના એક્સપર્ટની જરૂર હોય છે. પરંતુ કાઠીયાવાડી કંપનીઓમાં ઝાઝાભાગે આવા સ્થાન પર પણ મામા -માસીના દિકરાઓ કે ફોઇ -કાકાના લલ્લુ જેવા પુત્રરત્નો જ ગુડાયા હોય છે. આવા લોકો સ્લો- પોઈઝનની માફક કંપનીને એક દિવસ વૈકુંઠવાસી કરાવી નાંખે છે. વેપાર, સર્વિસ, કોર્પોરેટ… દરેક ક્ષેત્રે અહીં વ્યાવસાયિક અભિગમનો અભાવ છે. દેશી કોઠાસૂઝથી કંપનીઓ- વ્યાપાર ચલાવવાનો જમાનો હવે ગયો, હવે ગ્રાહકોને ભરપૂર સેવા આપવી પડે, નિષ્ણાંતોની સેવાઓ લેવી પડે. આ વાત હજુ નહીં સમજાય તો બધો જ વેપાર એમેઝોન -ફ્લિપકાર્ટ હડપી જશે.