ખાસ-ખબર સંવાદદાતા
બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે. તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છ ભારત દિવસ 203ની પ્રસ્તાવના તરીકે, વાર્ષિક સ્વચ્છતા સેવા પખવાડિયાનું આયોજન સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને શહેરી તા. 15 સપ્ટેમ્બરથી તા. 2 ઓક્ટોબર 2024 સુધી સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને પ્લોગીંગ રન કાર્યક્રમ રેસકોર્ષ, આર્ટ ગેલેરી ખાતે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પ્લોગીંગ રન કાર્યક્રમનું ફ્લેગ ઓફ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી ડો. માધવભાઇ દવે, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, સેનિટેશન કમિટી ચેરમેન નિલેષભાઇ જલુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2014માં મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે દેશના વડાપ્રધાન દ્વારા સ્વચ્છ ભારત મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. શહેરના જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, પર્યટન સ્થળ, બાગ બગીચા, ઐતિહાસિક સ્મારકો, ડ્રેનેજ, વોકળા વગેરે જેવા સ્થળોની સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત શહેરના નાગરિકોને સ્વચ્છતાની ટેવ કેળવાય તેમજ જન જાગૃતિ મળે તે હેતુસર શહેરના પર્યટન સ્થળ રેસકોર્ષ ખાતે આવેલા આર્ટ ગેલેરીથી શરુ કરીને રેસકોર્ષ સંકુલ ફરતે પ્લોગીંગ રન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ : ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત પ્લોગિંગ રન કાર્યક્રમ યોજાયો
