વિઘ્નહર્તાની મૂર્તિ ફરતે પ્રદક્ષિણા કરતાં સફેદ ઉંદર અને માનવ મંકી મુખ્ય આકર્ષણ
લોકડાયરો, રામામંડળ, સંતવાણી અને દાંડિયા રાસ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના હદયસમા યુનિવર્સિટી રોડ પર શિવશક્તિ યુવા ગૃપ દ્વારા જે.કે. ચોક ખાતે છેલ્લા 15 વર્ષથી ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશોત્સવ-2023નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એર ક્ધડીશન ડોમમાં ફોરેસ્ટ થીમ સાથે તા. 19 થી 28 સપ્ટેમ્બર-2023 સુધી 9 દિવસ દરમિયાન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ગણપતિ દાદાની પધરામણી થશે. તેમજ લોકડાયરો, રામામંડળ, સંતવાણી અને દાંડીયા રાસ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આ અનોખા અને અનુપમ ગણેશોત્સવને આસપાસના અનેક વિસ્તારોનો સહયોગ મળી રહ્યો છે. જે.કે. ચોકમાં આ વર્ષે અભૂતપૂર્વ નજારો ખડો કરવામાં આવ્યો છે. રંગબેરંગી સુશોભનથી સજ્જ વિશાળ એર ક્ધડીશન ડોમમાં ફોરેસ્ટ થીમ પર ગણપતિજીની મનોહર મૂર્તિ ફરતે પ્રદક્ષિણા કરતા જીવંત સફેદ ઉંદરો દર્શનાર્થીઓને શ્રદ્ધાની અનુભૂતિ કરાવે છે. છેલ્લા 15 વર્ષથી સુપ્રસિદ્ધ આ ગણેશોત્સવમાં સમગ્ર શહેર અને બહારગામથી હજારો ભાવિકો દાદાના દર્શન કરવા પધારે છે. અમદાવાદની દેખો દુનિયા ચેનલે જે.કે. ચોકના ગણેશોત્સવની ખાસ નોંધ લીધી હતી.
નવ દિવસના ભાતીગળ આયોજનમાં તા. 19ના રોજ સવારે 11 કલાકે વિશાળ સુશોભિત ડોમમાં પંડિતોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ગણપતિ દેવની વિશાળ મૂર્તિની સ્થાપના થશે. દરરોજ રાત્રે 8 વાગ્યે અલૌકિક આરતી થશે. તા. 22ના રોજ સંતવાણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શેખરદાન ગઢવી, જયદીપ ખુમાણ, હરી ગઢવી, ઇલા પ્રજાપતિ ભાવિકોને રસપાન કરાવશે. તા. 23ના રોજ રાત્રે બહેનો માટે દાંડીયારાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. 26ના રોજ ઢોલરાનું પ્રખ્યાત રામામંડળ રમશે. તેમજ ડાન્સ અને પાણીપૂરી કોમ્પીટીશન જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટના ભક્તજનો ઘેર બેઠા ઇન કેબન ચેનલ નં.999, કેવી ફીલ્મસ લાઇવ(યુ-ટ્યુબ), ફેસબુક લાઇવ(શીવશક્તિ યુવા ગૃપ), ઇન્સ્ટાગ્રામ લાઇવ(શીવશક્તિ યુવા ગૃપ)ના માધ્યમથી પણ ગણપતિ દાદાના દર્શનનો લાભ લઇ શકે છે. આ જાજરમાન ગણેશોત્સવના લાભ લેવા શીવશક્તિ યુવા ગૃપ દ્વારા શહેરની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.