ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 4થી ગ્લોબલ RE-ઇન્વેસ્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું, યુએસએ, યુકે, બેલ્જિયમ, ઓમાન અને યુએઈના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળએ આપી હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત ચોથી RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST)નું ઉદ્ઘાટન કરી પ્રધાનમંત્રી મોદીએ નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમ આજથી એટલે કે 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહ્યો છે. ભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
ચોથી ગ્લોબલ RE-ઇન્વેસ્ટનું પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉદ્ઘાટન સત્ર સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. જેમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં ગ્રીન હાઈડ્રોજનની ભૂમિકાને વેગ આપવો અને અપતટીય અને તટવર્તી પવન ઊર્જા (ઓફશોર અને ઓનશોર વિન્ડ એનર્જી)ને મુખ્ય પ્રવાહમાં લાવવી વગેરે જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. હવે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રિ ભોજન સાથે દિવસનું સમાપન થશે. આ સમિટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મીટિંગ્સ યોજાવા જઈ રહી છે. જેમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે, જ્યારે સહયોગી રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. યુએસએ, યુકે, બેલ્જિયમ, યુરોપિયન યુનિયન, ઓમાન, યુએઈ, સિંગાપોર અને હોંગકોંગના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આ સમિટમાં ઉપસ્થિત છે.
આવતીકાલે મંત્રી કનુભાઈ દેસાઈ RE-Invest 2024 સમિટમાં સંબોધન કરશે
- Advertisement -
17મી સપ્ટેમ્બરે ગુજરાતના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ RE-Invest 2024 સમિટમાં મુખ્ય સંબોધન કરશે. તેઓ ભારતના પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં રાજ્યના નેતૃત્વ પર ભાર મૂકશે અને પવન અને સૌર ઊર્જા પ્રોજેક્ટના વિસ્તરણ માટે ગુજરાતની વ્યૂહરચનાઓની ચર્ચા કરશે. તેઓ દેશના ઊર્જા ક્ષેત્રે પરિવર્તન લાવવા માટેના લક્ષ્યોને સમર્થન આપવામાં ગુજરાતની ભૂમિકા પણ દર્શાવશે. આ સત્ર ગુજરાતની નીતિઓ અને સ્વચ્છ ઊર્જામાં રોકાણની તકોની વ્યાપક સમજ પ્રદાન કરે તેવી અપેક્ષા છે. ત્યારબાદ સમગ્ર ભારતમાં નવીનીકરણ ઊર્જાનું ભૌગોલિક વિસ્તરણ અને ઉભરતી તકનીકો જેવા વિષયોને પણ આવરી લેવામાં આવશે. આ દિવસે પ્લેનરી સત્ર અને ત્યારબાદ સંસાધન કાર્યક્ષમતા, બાયોએનર્જી અને ક્ષમતા નિર્માણ પર સમાંતર સત્રો પણ યોજાશે. આ ઉપરાંત, એક ઉચ્ચ સ્તરીય CEO રાઉન્ડ ટેબલ અને ઊર્જા ક્ષેત્રે સંક્રમણમાં મહિલાઓની ભૂમિકા પર એક સત્ર યોજાશે.
નવીનીકરણ ઊર્જામાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરવામાં આવશે
ત્રીજા દિવસે યોજાનારા સત્રોમાં 2070 સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાનું ભારતનું લક્ષ્ય અને નવીનીકરણ ઊર્જામાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરવામાં આવશે. બાયોએનર્જી, બેટરી એનર્જી સ્ટોરેજ અને હાઈડ્રોપાવર પર પણ અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની હાજરીમાં સમાપન સત્ર યોજાશે, જે બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રિભોજન સાથે આ સમિટનું સમાપન થશે. આ કાર્યક્રમમાં નવીનીકરણ ઊર્જા, ઇનોવેટિવ ફાઇનાન્સિંગ, ગ્રીન હાઇડ્રોજન, ભવિષ્યના ઊર્જા વિકલ્પો, ક્ષમતા નિર્માણ અને ઉત્પાદકો, ડેવલપર્સ, રોકાણકારો અને ઇનોવેટર્સના પ્રદર્શન પર કોન્ફરન્સ યોજાશે. RE-INVEST સમિટ નવીનીકરણ ઊર્જા ક્ષેત્રે પરિવર્તન લાવવામાં મજબૂત ભૂમિકા ભજવી રહી છે. આ સમિટની પ્રથમ આવૃત્તિ ફેબ્રુઆરી 2015માં નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. બીજી સમિટ ઓક્ટોબર 2018માં દિલ્હી NCRમાં અને ત્રીજી નવેમ્બર 2020માં કોવિડ-19ને કારણે વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી. આ વર્ષે પ્રથમ વખત RE-INVEST સમિટ દિલ્હીની બહાર ગુજરાતમાં યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પુનઃપ્રાપ્ય ઊર્જા પહેલો અને નવીનતામાં અગ્રેસર રાજ્ય તરીકે જાણીતું છે. આ સમિટ ઉદ્યોગના અગ્રણીઓ માટે સહયોગ, આંતરદૃષ્ટિનું આદાનપ્રદાન અને નવીનીકરણ ઊર્જામાં રોકાણની તકો શોધવા માટે મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ બનશે.