ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના મુખ્ય બજારમાં સ્થિત એક ઐતિહાસિક અને આસ્થાપૂર્ણ મંદિર ભાવિકો માટે શ્રદ્ધાનો કેન્દ્ર બની ગયું છે. કેદારેશ્વર મંદિર સામે આવેલ આ પૌરાણિક ગણેશ મંદિર પોતાની અનોખી વિશેષતા માટે ઓળખાય છે. મંદિરની ગણેશજીની પ્રતિમા એક જ શિલામાંથી કંડારવામાં આવેલી છે અને તે વિશેષતા ધરાવે છે કે, તેઓ ઊભા ગણેશજી તરીકે ઓળખાય છે.
- Advertisement -
મંદિરના પૂજારી, ભાવિન હરીશગીરી અપારનાથીએ જણાવ્યું હતું કે, આ મંદિર લગભગ 150 વર્ષ જૂનું છે, જ્યારે ગણેશજીની પ્રતિમા 300 થી 350 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. આ ખાસ દરશન માટે સ્થાનિક વેપારીઓ અને ભાવિકો દરરોજ મંદિરની મુલાકાત લે છે. કેટલાંક વેપારીઓ તો દુકાન ખોલવા પહેલા ગણેશજીના દર્શન કર્યા વગર પોતાની દિનચર્યા શરૂ કરતા નથી.ગણેશ ચતુર્થીના પાવન અવસરે, મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવે છે. પૂજારી દ્વારા ભગવાન ગણેશને અલંકારિક રીતે શણગારી પૂજાવિધિ કરી દેવી શ્રદ્ધાને વધુ મજબૂત બનાવે છે. આ દિવસ દરમિયાન વિશાળ સંખ્યામાં ભાવિકો મંદિરની મુલાકાત લઈ ધન્યતા અનુભવ કરે છે. પૂજારીના જણાવ્યા પ્રમાણે, લોકોએ માનતા માટે લાડુ ચઢાવવાનો રિવાજ વર્ષોથી ચાલતો આવ્યો છે.
ખાસ કરીને, નિસંતાન દંપતિ સંતાન પ્રાપ્તિની માનતા સાથે અહીં દર્શન કરવા આવે છે. જો તેમની માનતા પૂર્ણ થાય, તો તે લોકો તેમના સંતાનને ગણેશ ચતુર્થીના દિવસે લાડુથી તોલી ધન્યતા અનુભવે છે.આ ઐતિહાસિક અને પ્રાચીન ગણેશ મંદિરના દર્શન માત્ર ભાવિકો માટે જ નહિ, પરંતુ સમગ્ર પોરબંદર માટે એક મહત્વનું આસ્થાનું પ્રતિક બન્યું છે.