ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરનું પર્યાવરણ સુધરે અને ગ્રીન સ્પેસમાં વધારો થાય એ માટે શહેરી વિસ્તારમાં મહત્તમ વૃક્ષારોપણ કરવાના ભાગરૂપે શહેરના કુલ 43 જુદા જુદા સ્થળોએ ઓક્સીજન કોર્નર કરવાની કામગીરીનો પ્રારંભ તા. 02/08/2023ના રોજ પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતેથી કરવામાં આવ્યો હતો. આજ દિન સુધીમાં ઓક્સિજન પાર્કના નિર્માણ માટેના જુદા જુદા સાત સ્થળોએ કુલ 18000થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે, તેમજ શહેરના વિવિધ રસ્તાઓની વચ્ચે ડીવાઇડર ગેપ ફીલીંગ અને વિવિધ ગાર્ડનમાં ગેપ ફીલીંગ માટે પણ 22300 જેટલા રોપાઓ અને ક્ષુપ વાવવામાં આવેલ છે તેમ મ્યુનિ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.
- Advertisement -
તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, ચાર સ્થળોએ મીયાવાકી થીમ પર આધારિત પ્લાન્ટેશન કરવામાં આવનાર છે જેમાં કુલ 3,06,000 છોડનું વાવેતર કરવામાં આવનાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કૂલ 8 જેટલા ટી.પી. પ્લોટની 65655.00 ચો.મી. જેટલી જગ્યામાં બ્લોક પ્લાન્ટેશન (3425)+ મીયાવાકી બોર્ડર પ્લાન્ટેશન(27940) મળીને કુલ 31365 વૃક્ષોનું વાવેતર કરશે.