લગ્નસરાની ચાલી રહેલી ધૂમ વચ્ચે હવે ચાર મહિના મુહૂર્તની સમસ્યા, 16 થી 24 માર્ચ હોળાષ્ટક, 14 માર્ચથી 13 એપ્રિલ કમુરતાં રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
ચાલી રહેલી લગ્નસરાની ધૂમ વચ્ચે માર્ચ માસમાં હોળાષ્ટક અને મીનારકનું ગ્રહણ નડશે. હોળાષ્ટક અને મીનારકને કારણે માર્ચ મહિનામાં માત્ર પાંચ જ લગ્નમુહૂર્ત હોય જૂજ લગ્ન આયોજનો જોવા મળશે. એટલુ જ નહીં આગામી ચાર મહિના સુધી મુહૂર્તની સમસ્યા વચ્ચે નિર્ધારિત દિવસોમાં પાર્ટી પ્લોટ, હોલ, હાઉસફુલ થઇ ગયા છે. હિન્દુ સમુદાય અને જયોતિષ શાષા પ્રમાણે વર્ષ દરમિયાન તિથિ, નક્ષત્રના કેટલાક સંયોગમાં લગ્નકાર્યો, વર્જીત માનવામાં આવે છે. વર્ષે વેળા છ સંયોગમાં મહ્દઅંશે લગ્નકાર્યો લેવામાં આવતા નથી. ધનારક અને મીનારક કમુરતાં સિવાય ચાતુર્માસ, હોળાષ્ટક, શુક્ર અને ગુરૂનો અસ્ત હોય ત્યારે લગ્નકાર્યો થતા નથી. હોળાષ્ટક અને મીનારક કમુરતાનું આ જ ગ્રહણ માર્ચ મહિનામાં નડશે. મહારાજ કિરીટદત્ત શુકલના જણાવ્યા મુજબ, લગ્નસરાની ચાલુ સિઝનમાં હાલ ફેબ્રુઆરી માસમાં સૌથી વધારે લગ્ન મુહૂર્ત છે.
ગત નવેમ્બર માસથી શરૂ થયેલી લગ્નસરાની નવી સિઝનમાં હાલમાં ફેબ્રુઆરી માસમાં સર્વાધિક 12 મુહૂર્ત છે. જો કે, હવે પછીના ચાર મહિના જૂજ મુહૂર્ત અથવા તો ઓછા મુહૂર્તની સમસ્યા જોવા મળશે. માર્ચ મહિનાથી જ તેની અસર જોવા મળશે. માર્ચ માસમાં 2,3,4,6 અને 13 માર્ચના રોજ જ મુહૂર્ત છે. માર્ચ માસના પ્રથમ પખવાડીયામાં લગ્નમુહૂર્ત બાદ પહેલા મીનારક અને પછી હોળાષ્ટકને કારણે લગ્નસરા પર બ્રેક લાગશે. મીનારક એટલે કે સૂર્યદેવનો મીન રાશીમાં પ્રવેશ 14 માર્ચના રોજ થશે. સૂર્યદેવના મીન રાશિમાં ભ્રમણ વેળા લગ્નકાર્યો થતા નથી. 14 માર્ચથી 13 એપ્રિલ સુધી મીનારક રહેશે. જ્યારે હોળી પર્વ પહેલાના દિવસોમાં હોળાષ્ટક લાગી જાય છે. હોળાષ્ટકમાં પણ લગ્નકાર્યો વર્જીત માનવામાં આવે છે. 16 માર્ચથી 24 માર્ચ સુધી હોળાષ્ટક રહેશે. ત્યારબાદ એપ્રિલમાં પણ માત્ર પાંચ જ લગ્નમુહૂર્ત છે. એપ્રિલ, મે માસમાં ગુરૂ અને શુક્રનો અસ્ત હોય લગ્નકાર્યો થશે નહીં. મે અને જૂન માસમાં એકેય લગ્નમુહૂર્ત નથી. જુલાઇમાં પાંચ લગ્નમુહૂર્ત બાદ દેવપોઢી એકાદશી સાથે લગ્નસરાની સિઝન પુરી થશે.