સરકારી મહિલા કર્મચારીઓને ફેમિલી પેન્શનનો વારસ બદલવાની છૂટ : તલાક, ઘરેલુ હિંસાના આધાર પર ઉત્તરાધિકારી બદલાવી શકાશે
વિવાહીત જિંદગીમાં મુશ્કેલી આવવા પર મહિલા કર્મચારી હવે પોતાના પતિના બદલે બાળકોને ફેમિલી પેન્શન માટે નોમિનેટ કરી શકે છે. સેન્ટ્રલ સિવિલ સર્વિસીઝ (પેન્શન) રુલ્સ 2021ના નિયમ 50 અંતર્ગત સરકારી કર્મચારીઓ કે રિટાયર્ડ સરકારી કર્મચારીઓના મૃત્યુ બાદ ફેમિલી પેન્શન મળે છે.
- Advertisement -
જો કોઈ મૃત સરકારી કર્મચારી કે પેન્શન ધારકનો જીવનસાથી જીવિત છે તો ફેમિલી પેન્શન પર સૌથી પહેલો તેનો હક હોય છે. નિયમો મુજબ જો મૃત સરકારી કર્મચારીનો જીવનસાથી પારિવારિક પેન્શન માટે અયોગ્ય થઈ જાય છે તે પછી તેનું મૃત્યુ થઈ જાય છે ત્યારે પરિવારના અન્ય સભ્ય પોતાના વારા પર ફેમિલી પેન્શનને પાત્ર બને છે.
ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર (ડીઓપીપીડબલ્યુ) એ હવે પેન્શનના નિયમોમાં સંશોધન (સુધારા) કર્યું છે. જે મુજબ હવે મહિલા કર્મચારીને ફેમિલી પેન્શન માટે પોતાના પતિના બદલે બાળકોને નોમિનેટ કરવાની મંજુરી આપવામાં આવી છે. જો પતિ પર દહેજ કે ઘરેલુ હિંસાનો કેસ ચાલી રહ્યો હોય કે પછી અદાલતમાં તલાકની અરજી આપવામાં આવી હોય તો આ જોગવાઈ લાગુ પડશે.
પતિ પર ઈન્ડિયન પીનલ કોડ અંતર્ગત કોઈ કેસ નોંધાયેલો હોય ત્યારે પણ મહિલા કર્મચારીઓને પારિવારિક પેન્શન માટે ઉતરાધિકારી બદલવાની મંજુરી મળશે. ડીઓપીપીડબલ્યુના સચિવ વી. શ્રીનિવાસે જણાવ્યું હતું કે, કોઈ મહિલા સરકારી કર્મચારી પતિની સામે કોઈપણ અરજી દાખલ કરે છે તો તેનું પારિવારિક પેન્શન પતિના બદલે કોઈ યોગ્ય સંતાનને હસ્તાંતરિત કરવામાં આવી શકે છે.
- Advertisement -
આ ફેરફાર મહિલા અને બાલ વિકાસ મંત્રાલયની સલાહથી મહિલાઓને સશકત બનાવવા માટે લેવાયો છે.