લોકસંગીતમાં બહુમૂલ્ય પ્રદાન બદલ સન્માન
આગામી તા.25 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે યોજાશે એવોર્ડ વિતરણ સમારોહ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતી લોકસંગીતમાં વિવિધલક્ષી પ્રદાન માટે સુપ્રસિદ્ધ લોકગાયક, પત્રકાર, લેખક, કોલમિસ્ટ નીલેશ પંડ્યાને ‘અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2022’થી સન્માનિત કરવામાં આવશે. આગામી તા.25 ડીસેમ્બરે ગાંધીનગર સમાંરભ યોજાનાર છે. હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર-ગાંધીનગરના કપિલ ઠાકર અને તેમની ટીમ દ્વારા ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરનારા તથા ગુજરાતની અસ્મિતાનું સંવર્ધન કરી તેના પ્રચાર-પ્રસાર માટે કામ કરી આપણી ધરોહરને નવી પેઢી સુધી પહોંચાડીને પ્રેરિત કરનારા વ્યક્તિવિશેષો માટે ‘અતુલ્ય વરસો આઇડેન્ટિટી એવોર્ડ 2022’ની ઘોષણા કરવામાં આવી,જેમાં રાજકોટના નીલેશ પંડ્યાની લોકસંગીત ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન બદલ પસંદગી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નીલેશ પંડ્યા છેલ્લાં ઘણાં વર્ષોથી લોકસંગીતના સંશોધન, સંવર્ધન, ગાયન, લેખન ક્ષેત્રે કાર્યરત છે.ખાસ તો ગુજરાતભરની યુનિવર્સિટીઓ અને કોલેજોના યુવા વિદ્યાર્થીઓ સમક્ષ લોકસંગીત પીરસી,નવી પેઢીને આપણા અમૂલ્ય વારસાથી અવગત કરાવવા પ્રયત્ન કરે છે.અત્યાર સુધીમાં ડઝનેક યુનિવર્સિટીઓ અને 200થી વધુ કોલેજોના ત્રણ લાખથી વધુ યુવાધન સમક્ષ લોકસંગીત રજૂ કરી તેમને રસ લેતા કરવા પ્રયાસ કર્યા છે.વળી લોકગીત અને ધોળના રસદર્શન ક્ષેત્રે પણ ઘણું કામ કર્યું છે.તેમનાં લોકગીત-ધોળના રસદર્શનનાં પુસ્તકો ચાંદો ઊગ્યો ચોકમાં,છેલડા હો છેલડા,સોના વાટકડી રે…ખૂબ જ પ્રચલિત છે.