નિતાંતરીત: નીતા દવે
માત્ર ટ્રાફિક સિગ્નલ ઉપર જ ચાર રસ્તાઓ જોવા મળે છે એવું નથી.માનવીનાં જીવન માં આવતાં વળાંકો પણ અનેક વિકલ્પો ધરાવતા હોય છે. કોઈ પણ મનુષ્યની જીવન યાત્રાનાં રસ્તા ઓ ક્યારે પણ સીધા અને સરળ હોતા નથી.દરેક વ્યક્તિનું જીવન વિકલ્પોથી ભરેલું હોય છે. આથી માનવીના દુ:ખ અને સુખનો આધાર પણ જીવનમાં મળતાં આ વિકલ્પો જ છે. આ અનેકવિધ વિકલ્પો વચ્ચે યોગ્ય વિકલ્પની પસંદગી કરી અને જીવનના નિર્ણયો લેવાય તો જીવન સુખમય બની રહે અન્યથા આજીવન સંઘર્ષનો સામનો કરવો પડે છે.
- Advertisement -
વિલિયમ સેક્સપિયરનાં નાટક હેમ્લેટનો એક ડાયલોગ ખૂબ પ્રસિદ્ધ થયેલો છેટુબી ઓર નોટ ટુબી..! શું કરવું અને શું ન કરવું..? બધા જ લોકો જીવનમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા એકવાર તો આ મનોસ્થિતિમાંથી પસાર થતા જ હોઈએ છીએ પછી એ નિર્ણય વ્યવસાયિક સંબંધો,અંગત જીવન, કે સમાજને લગતા પ્રશ્ર્નોને લઈને હોય.પરંતુ અગત્યના નિર્ણયો લેતા પહેલા વ્યક્તિ ની સામે પસંદગી માટેના વિકલ્પો અવશ્ય હોય છે. સામાન્ય રીતે વ્યક્તિ નિર્ણય લેતા પહેલા સાર્વત્રિક વિકલ્પ માંથી એવો જ વિકલ્પ પસંદ કરશે કે જેનું ભવિષ્ય સુરક્ષિત હોય સલામતી ભર્યું હોય અને સ્પષ્ટ હોય.!
પરંતુ અહીંયા જ કદાચ આપણી પસંદગી ભૂલને પાત્ર બની જતી હોય છે કેમકે આવનારું ભવિષ્ય આપણા આયોજન પ્રમાણે જ આયોજનબદ્ધ રીતે આવશે જ તેવું ચોક્કસપણે ક્યારેય કહી શકાતું નથી. ઉદાહરણ તરીકે વ્યવસાયિક બાબતને લઈએ તો મલ્ટીનેશનલ કંપનીમાં સી.ઈ ઓની પોસ્ટ મેળવ્યા પછી ઉમેદવાર વિચારે કે,ભવિષ્ય આ જ કંપનીમાં સ્થિર અને સલામત છે..તેવું માની આગળ પ્રગતિ માટેના દ્વાર બંધ કરી દેનાર ઉમેદવાર નાં ભવિષ્યમાં એવું પણ બની શકે કે, વર્તમાન કંપની ફાડચામાં જાય અને આવકમાં ઘટાડો થાય અથવા નોકરી પણ જતી કરવી પડે..!
શાશ્વત માની લીધેલા સંબંધો ભવિષ્યમાં પણ આટલા જ ઉષ્મા સભર રહેશે તેવું માની અને જીવનમાં ઘણું બધું જાતું કરનાર વ્યક્તિ એ સંબંધ જ્યારે એક્સપાયરી ડેટ ના ક્રાઈટ એરિયામાં આવી જાય ત્યારે આ લાગણી ની આહતને સહન કરી શકતા નથી. આવું જ દરેક બાબતમાં બની શકે. ટૂંકમાં કહીએ તો બાળપણથી લઈ અને જીવનના તમામ તબક્કામાં ઉંમરના પરિવર્તન સાથે આપણે બધા જે વિકલ્પોના વિગ્રહ માંથી પસાર થઈએ છીએ ત્યારે ભવિષ્યની સલામતી વિચારવા કરતા વર્તમાનને સક્ષમ બનાવો વધારે અગત્યનો છે.આવું વિચારી અને વિકલ્પો પસંદ કરવા જોઈએ.
જીવન ક્યારેક પીડાદાયક વિકલ્પો પણ સામે લઈને આવતી હોય છે. કોઈપણ નિર્ણય લો પરંતુ તકલીફ કે પીડા તો અવશ્ય મળશે જ.આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે.. આગળ કુવો અને પાછળ ખાય.. આમ જોવા જઈએ તો બંને વિકલ્પો મરણ તુલ્ય છે.પરંતુ એક વિકલ્પને પસંદ કરવો તો જરૂરી જ છે..! આવી પરિસ્થિતિમાં આપણા ઉત્ક્રાંતિવાદના અનુસરણ ગત વિચારો માત્ર આ બે જ વિકલ્પો ને જોઇ શકશે.પરંતુ દાર્શનિક વિચારસરણી ધરાવતા વ્યક્તિને એક વધુ વિકલ્પ પણ દ્રષ્ટિ ગોચર થશે કે,જે સ્થાન ઉપર ઊભા છીએ જ્યાં આગળ ખાય અને પાછળ કૂવોછે. એ સ્થાન પર થી ધીરેથી આગળ સરકી અને ત્રીજો રસ્તો પણ બનાવી જ શકાય છે..! પરંતુ સામાન્યત: આ વિક્લ્પ આપણા વિચાર ક્ષેત્રમાં આવી શકતો નથી.
- Advertisement -
બહુ ઓછા લોકો કઠિન પસંદગી નાં આગ્રહી હોય છે. આપણે સહેલું સરળ અને સત્વરે મળી જતું સુખ હાથવવું રાખવા માટે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. આથી જ કદાચ આપણે જીવનમાં બનતી ઓચિંતી ઘટનાઓ નો સામનો સહજ રીતે કરી શકતા નથી અને આવેલી સમસ્યાઓનું નિરાકરણ કેમ સહેલાઈથી કરી શકાય તેવા જ વિકલ્પોને અનુસરતા હોઈએ છીએ. જીવનમાં આવેલી મુસીબતોનાં દરિયા સામે શસ્ત્ર ઉપાડવા કે તેનો વિરોધ કરી તેનો અંત લાવી શકાય તે માટેના પ્રયાસો કરવા પસંદ કરતા નથી.પરંતુ સાચી પરીક્ષા કપરા સંજોગોમાં મન બુદ્ધિને સ્થિર રાખી અને યોગ્ય વિકલ્પ ની પસંદગી કરવી એ જ હોય છે.
દરેક વ્યક્તિ જીવનમાં કમસેકમ એકદ વાર તો શ્રીમદ્ ભગવત ગીતામાં આલેખાયેલા કુરુક્ષેત્રની મધ્યમાં ઉભેલા અર્જુન જેવી મન:સ્થિતિ માંથી પસાર થતો જ હોય છે. ધર્મ અને કર્મનું યુદ્ધ, સત્ય અને અસત્યના વિકલ્પો,અને બુદ્ધિ અને લાગણી વચ્ચેની લડાઈ..!! ઘણી વખત સત્ય અને ધર્મનો માર્ગ સ્વીકારવાથી ઘણું અંગત હિત જોખમાતું હોય છે.બુદ્ધિને પ્રાધાન્ય આપવાથી લાગણી હારી જતી હોય, અને કર્તવ્યના રક્ષણ માટે ધર્મના કાંટાળા પથ ઉપર ચાલવાથી કર્મની ગતિ ધૂંધળી બની જતી હોયપરિણામ અસ્પષ્ટ હોય ત્યારે જ વ્યક્તિના સાચા વ્યક્તિત્વની ઓળખ થતી હોય છે.આવા સમયે જ વ્યક્તિ જે નિર્ણય લે જે વિકલ્પ પસંદ કરે અને સત્ય ની સાથે રહી અને પોતાના કર્તવ્યને અનુસરે ત્યારે વ્યક્તિત્વનો આંતર ઉજાસ પ્રકાશિત થતો હોય છે. કેમ કે,લોભામણા વિકલ્પો વચ્ચે રહીને પણ ધર્મ અનુસાર પોતાના કર્મને અનુસરવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ કહી શકાય.
વર્તમાનમાં વીતતી દરેક ક્ષણ અતીત નો ઇતિહાસ બનતી જાય છે.આપણે આપણા ભવિષ્યને સુ નિશ્ચિત કરવા જે વર્તમાનની બલી ચડાવીએ છીએ એ સમય જન્માંતર સુધી ફરી પાછો આપણે મેળવી શકવાના નથી. આ સત્ય આપણે જાણીએ છીએ. આમ છતાં જીવનની કટોકટી ની પરિસ્થિતિમાં સરળ રીતે આગળ વધી અને શ્રેષ્ઠ પરિણામની ઈચ્છા ધરાવતું માનવ મન એ ભૂલી જાય છે કે,પસંદગી શ્રેષ્ઠ હશે તો જ પરિણામ પણ શ્રેષ્ઠ મળી શકે..!અન્યથા જીવતો નિર્વિકલ્પ છે અને માનવી પાસે જીવનને જીવવા સિવાય અન્ય બીજો કોઈ વિકલ્પ રહેલો નથી.