રાજકોટમાં 3934 લોકોએ જીવ ગુમાવ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં જે પ્રકારે ગમખ્વાર અકસ્માતમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે તે સમાજ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય છે. ગુજરાત રાજ્યના ચાર મહાનગરો એનસીઆરબીના આંકડા મુજબ ત્રણ વર્ષમાં 18,287 મૃત્યુ થયા છે. અકસ્માતમાં મૃત્યુ આંકમાં સુરત ગુજરાત રાજ્યમાં મોખરે છે.
- Advertisement -
સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં 6760 મૃત્યુ થયા છે. અમદાવાદમાં ત્રણ વર્ષમાં 5495, રાજકોટમાં 3934 અને વડોદરામાં 2098 મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યમાં રોડ સેફ્ટી એક્ટ 2018માં અમલ આવી ગયો છે, છતાં હાલમાં પણ તેનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યુ કે ગુજરાત રાજ્યના રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ ગત વર્ષ 2022માં ઓવર સ્પીડિંગના લીધે નેશનલ હાઇવેમાં અકસ્માતમાં 1991 મૃત્યુ થયા .જ્યારે વર્ષ 2021 માં ઓવર સ્પીડિંગમાં 1971, વર્ષ 2020 માં 1718 અને વર્ષ 2019માં 1824 મૃત્યુ થયા. વર્ષ 2022માં રોંગ સાઇડ ડ્રાઇવિંગના લીધે અકસ્માતથી 62 મૃત્યુ થયા જ્યારે વર્ષ 2021માં 63, વર્ષ 2020માં 63 અને વર્ષ 2019માં 62 મૃત્યુ થયા હતા.
પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યુ કે ગુજરાત સરકાર જોડે અમારી માંગ છે કે ગુજરાતને સ્પીડ મેનેમેન્ટ પ્લાનની તાતી જરૂરિયાત છે. ઈન્ટરસેપ્ટર વાહનો માત્ર નામ પૂરતા દેખાય છે તેનો પુરતો ઉપયોગ કરવો જોઈએ. સ્પીડ કેમેરા લગાડવા, સ્પીડ લિમિટ ને ફોલો કરવા માટે પૂરતા પ્રયાસો કરવા જોઈએ.ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો સમાવેશ કરી ટીન એજર અને યુવાનો માં જાગૃતિ લાવવા નો પ્રયત્ન કરવો જોઈએ. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ મોનીટરીંગ કરવું જોઈએ.
એસ જી હાઇવે અમદાવાદ જેવો કરૂણ અકસ્માત ફરી ન બને તે માટે સરકારે રોડ સેફ્ટી ને પ્રાધાન્ય આપવા ઉપર કામ કરવું જોઈએ તેમ કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું છે.