કુદરતે ચાર હાથે જ્યાં સુંદરતા વેરી છે ત્યાં બાઈક ટ્રીપ થકી રસ્તાની સુંદરતા નિહાળવાનો ટ્રેન્ડ; પહાડોને ચીરીને વહેતી નદી અને આંખને ટાઢક આપતી લીલોતરી, પ્રદુષણના બદલે શુધ્ધ હવા, એક સાથે બબ્બે મેઘધનુષને નિહાળવાનો લ્હાવો.
વેકેશન કોઈ પણ હોય લોકો તેના મહિના અગાઉ ફરવા જવાનું લોકેશન નક્કી કરી લેતાં હોય છે. તેમાં પણ છેલ્લાં થોડા વર્ષોથી લેહ લદ્દાખ જવાનો ક્રેઝ વધ્યો છે તેમાં પણ બસ કે ટ્રાવેલર નહીં બાઈક ટ્રીપ. જો કે ત્યાં મોટે ભાગે ‘ઓફ રોડ’ હોય ‘રાજકોટમાં બાઈક ચલાવીએ છીએ તો લેહ લદ્દાખમાં પણ ચલાવી લેશું’ એવું વિચારતાં લોકોને પછી અધવચ્ચે જ બાઈક ટ્રિપ પડતી મૂકી પ્રાઈવેટ વાઈનનો સહારો લેવો પડે છે. કહેવાય છે ને કે ‘અસલી મઝા મંઝીલ કા નહીં સફર કા હોતા હૈ’ બસ, આ વાત લેહ લદ્દાખના રસ્તાઓ માટે બરાબર રીતે બંધ બેસે છે. કુદરતે અહીં છૂટે હાથે સૌંદર્ય વેર્યું છે.
ઊંચા ઊંચા પહાડો અને તેની વચ્ચેથી પસાર થતી નદી. નસીબદાર લોકોને તો અહીં એક જ દિવસમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ માણવા મળે છે.
- Advertisement -
દલ લેક, શ્રીનગર
લેહ લદ્દાખ જવા માટે આમ તો ઘણા બધા રસ્તા છે પણ સૌથી સરળ છે શ્રીનગરનો. સૌથી પહેલાં તો લેહ લદ્દાખ જવા માંગતાં લોકોએ પોસ્ટ પેઈડ સીમ કાર્ડની વ્યવસ્થા કરી લેવી નહીં તો શ્રીનગર પહોંચતા જ મોબાઈલ રમકડું બની જશે. શ્રીનગર જો સમય મળે તો અહીં આવેલાં દલ લેકની ફ્લોટિંગ માર્કેટની મજા અચૂક માણવી. દેશની કદાચ એક માત્ર એવી માર્કેટ જે તળાવમાં છે. તો શિકારા (બોટ) રાઈડમાં અનેક વેપારીઓ આઈસ્ક્રીમથી લઈને જ્યુલરી સહિતની અનેક ચીજ વસ્તુઓ વેંચતા જોવા મળશે. તમે તમારી શિકારામાં જ બેસીને અહીં ખરિદીનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત શ્રીનગરમાં શંકરાચાર્ય મંદિર પણ અદ્ભૂત છે. ઊંચાઈ પર આવેલ આ મંદિરના પ્રાંગણ પરથી તમે શ્રીનગરની ખૂબસુરતીને મનભરીને માણી શકશો. આ સિવાય અહીં આવેલ અસ્તનમર્ગની ગ્રીનરી આંખને ટાઢક આપે તેવી છે. શ્રીનગરથી જોઝીલા પાસ અને ત્યાંથી સીધુ કારગિલ. અહીં ઓફ રોડ એટલે કે કપરાં રસ્તા હોય બાઈકર્સ પાસે સેફટીને લગતાં તમામ સાધનો હોય તે જરૂરી છે. અમુક રસ્તા તો એવા પણ છે જ્યાં રસ્તા પરથી નદી પસાર થતી હોય, આવા રસ્તા પરથી પસાર થતી વખતે તકેદારી રાખવી ઘણી આવશ્યક છે. કારગિલથી આગળ દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલ પણ ખાસ જોવા લાયક છે. આ ઉપરાંત હવે તો સિયાચીન બેઝ કેમ્પ પણ ટુરિસ્ટ માટે ફરી એટ વખત ખોલી નાંખવામાં આવ્યો છે. જ્યાં ટુરિસ્ટ સિયાચીનમાં દેશની સુરક્ષા કરતાં જવાનો કેવી પરિસ્થિતિમાં જીવે છે તેનો અનુભવ કરી શકે છે. હવે દરિયાની સપાટીથી ઉપર તરફ જવાનું હોય શારીરિક થોડી ઘણી તકલીફ જેવી કે માથુ દુ:ખવુ, ચક્કર આવવા અથવા તો ઊંઘ આવવી સામાન્ય છે. લેહ લદ્દાખના રસ્તે આવતી ઈન્ડસ અને ઝંસ્કાર નદીનું સંગમ કુદરતનો કરિશ્મા છે તો દુનિયાનું બીજા નંબરે સૌથી ઊંચાઈ પર સ્થિત ગુરુદ્વારા શ્રી પત્થર સાહિબ ગુરૂદ્વારા પણ ટુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
ખારદુંગ્લા પાસ
તો લેહમાં આવેલ શાંતિ સ્તુપા પણ જોવા લાયક છે. નુબ્રા અને શ્યોકનો ગેટ વે ગણાતો ખારદુન્ગા પાસએ વિશ્વનો સૌથી વધુ ઊંચાઈ પર આવેલો રસ્તો છે, દરિયાઈ સપાટીથી આ પાસ 18 હજાર કરતાં પણ વધુની ઊંચાઈ ધરાવે છે. આ વિસ્તાર મોટે ભાગે બરફની ચાદરથી ઢંકાયેલો હોય છે, તો દરિયાઈ સપાટીથી 18 હજારની ઊંચાઈ પર હોય અહીંની હવા ઘણી પાતળી હોય છે જેને લીધે અમુક લોકોને શરીરમાં ઓક્સિજન લેવલ ઘટી જવાની સમસ્યા સર્જાય છે. જેને ધ્યાને લઈને ટૂર કંપનીઓ દ્વારા ઓક્સિજન સિલિન્ડર પણ સાથે રાખવામાં આવતાં હોય છે.
- Advertisement -
નુબ્રાવેલી
ખારદુન્ગલાથી અંદાજે 120 કિલોમીટરના અંતરે નુબ્રા વેલી આવેલી છે. દરિયાઈ સપાટીથી ઉંચાઈ પર આવેલ આ સ્થળ પર રાતના અંધકારમાં ઝગમગતા તારાઓ નિહાળવા એક લહાવો છે, તો અહીં ખરતા તારાને પણ તમે નરી આંખે નિહાળી શકો છો. આ લહાવો ટુરિસ્ટ માણી તે માટે નુબ્રા વેલીમાં કેમ્પ સાઈટની સંખ્યા મહત્તમ છે, તમે ધારો તો હોટલમાં પણ રહી શકો છો, પરંતુ ‘સ્ટાર ગેઝીંગ’ના રસિકોએ કેમ્પ સાઈટમાં રહેવું. નુબ્રા વેલીના ગ્રે રંગની રેતી ધરાવતાં વેલ્વેટી રણમાં કેમલ રાઈડ અથવા તો એટીવી રાઈડની મજા પણ માણી શકો છો.
દિશ્કીત મોનેસ્ટ્રી
નુબ્રા વેલીથી 70 કિમી દૂર આવેલ દિશ્કીત મોનેસ્ટ્રી સૌથી ઊંચી મોનેસ્ટ્રી છે. જે દરિયાથી 10,300 ફૂટની ઊંચાઈ પર આવેલી છે. અહીં 106 ફૂટ ઊંચી મૈત્રેયી બુધ્ધાની પ્રતિમા ઘણી આકર્ષક છે. વિશ્વ શાંતિને પ્રસ્તુત કરતી આ પ્રતિમા ટુરિસ્ટમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
તુર્તુક
1971માં પાકિસ્તાનમાં આવતું તુર્તુક ગામ આજે ભારતમાં છે. અહીંથી તમે ભારત-પાકિસ્તાનની પોસ્ટ પણ જોઈ શકો છો. પ્રદુષણ રહીત અહીંની સાંકડી ગલીઓ અને છેલ્લે સુધી દેખાતી લીલોતરી જોઈને કુદરતની કલાને સલામ કરવાનું મન થઈ આવે. તુર્તુકમાં એક મ્યુઝિયમ પણ છે જ્યાં તમને વર્ષો જૂના પહેરવેશ તથા હથિયારોને નિહાળી શકો છો. અહીં આવેલાં એપ્રિકોટ, બ્લુ બેરીના વૃક્ષો પણ તમારું મન મોહી લેશે તેની ગેરેન્ટી. જો કે તુર્તુક ગામમાં પગપાળા જ જઇ શકાય અને તેની સુંદરતા માણવા માટે 5-6 કિલોમીટર ચાલવાની તૈયારી અવશ્ય રાખવી.
કુદરતની વચ્ચે સતત ભારત માંની સુરક્ષા માટે તૈનાત જવાનો
કુદરતી સૌંદર્ય વચ્ચે અહીં ભારત માંની સુરક્ષા માટે સતત જવાનોની અવરજવર તમને જોવા મળશે. કયારેક તો લાગે કે અહીં રહેવાસીઓ કરતાં જવાનોની સંખ્યા વધુ છે ! બદલતાં હવામાન વચ્ચે પણ તેમની ફરજ પ્રત્યેની મક્કમતા અને દેશ દાઝ બદલ દેશના જવાનોને ‘સલામ’.
ત્યાક્ષી ગામ
પાકિસ્તાનની સરહદથી અત્યંત નજીક આવેલ આ ગામમાં પણ તમને કુદરતી ઠંડકનો અનુભવ થશે. આ ગામ પણ પહેલાં પાકિસ્તાનમાં હતું. અહીં એક શાળા આવેલ છે જે પાકિસ્તાન દ્વારા બાંધવામાં આવી હતી અને આજે તેનું સંચાલન ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. સરહદથી નજી હોવાને કારણે અહીં પણ તમને ભારતીય જવાનોની હાજરી જોવા મળશે. શિયાળામાં આ વિસ્તારમાં સંપૂર્ણ રીતે બરફથી ઢંકાય જાય છે. 6 મહિના સુધી અહીં આવન જાવન મહદઅંશે અટકી જતું હોય છે. જવાનોને પણ જરૂરી વસ્તુઓ હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવામાં આવતી હોય છે.
પેંગોંગ લેક
સૂર્ય પ્રકાશના કિરણોના તેજમાં થતી વધ ઘટ સાથે અહીંનું પાણી પણ રંગ બદલતું હોય તેવો ભાસ થયા વગર ન રહે. બ્લુ રંગના તળાવની પાછળ આવેલાં ભુરા પહાડો તેની સુંદરતામાં વધારો કરે છે. તો ટુરિસ્ટોને ધ્યાને લઇને અહીં અનેક કેમ્પ સાઈટ પણ આવેલી છે. તો થ્રી ઈડિટ્સ ફિલ્મની ઝલક પણ અહીં જોવા મળશે. આ ફિલ્મમાં જોવા મળેલી સીટ અને સ્કૂટરની પ્રતિકૃતિ પણ અહીં મૂકવામાં આવી છે.