મતદારોને લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા ફ્લાઈંગ સ્કોડ સક્રિય
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર તા.17
- Advertisement -
પોરબંદર લોકસભાની ચૂંટણી દરમિયાન મતદારોને લાંચ આપનાર કે લેનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. મતદારોને લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા ફ્લાઈંગ સ્કોડ સક્રિય છે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800 233 2892 ઉપર જાણ કરી ફરિયાદ નોંધાવી શકાશે.
કોઈ પણ વ્યકિતને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઈ પણ લાંચ લેતી કે આપતી કોઈ પણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-171-ખ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે. વધુમાં કોઈપણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડવાની ધમકી આપતી કોઈ પણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-171-ગ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે. લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાકધમકી આપવામાં સામેલ વ્યકિતઓ સામે કાર્યવાહી કરવા માટે શીઘ્ર કાર્ય ટુકડી (ફલાઈંગ સ્કવોડ)ની રચના કરવામાં આવી છે. આથી તમામ નાગરિકોને કોઈ પણ પ્રકારની લાંચ નહિ લેવા અને કોઈપણ વ્યક્તિ લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઈપણ જાણકારી મળે અથવા મતદારોને ધાક ધમકી આપવામાં આવી હોય તેવા કિસ્સાની જાણ થાય તો તે અંગે ફરિયાદ મેળવવા માટે જિલ્લાના 24*7 કાર્યરત ફરિયાદ દેખરેખ નિયંત્રણ એકમના ટોલ ફ્રી નંબર 1800 233 2892 પર જાણ કરવા જણાવવામાં આવ્યું છે.