લક્ષ્મીનગરમાં આવેલી નિહિત બેબીકેર હોસ્પિટલમાં ચાલતી લોલંલોલ
ત્રણેક ફૂટની સિડી અને ખુલ્લામાં રખાતાં ઑક્સિજન સિલિન્ડર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
આજે સરકારી યોજનાઓનો લાભ મેળવવા અને દર્દીઓના ખિસ્સા ખંખેરવા શેરીએગલીએ દવાખાના ખુલી ગયા છે. આ દવાખાનાઓ ધીમેધીમે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે ખુદને રજૂ કરે છે પણ તેમાં જરૂરી પાયાની સુવિધાઓનો ભયંકર અભાવ હોય છે જેના કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ જાય છે. આવી જ એક હોસ્પિટલ છે, ડો. હિરેન મશરૂની નીહિત બેબીકેર એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ.
રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી નીહિત બેબીકેર એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અને બાંધકામના નિયમોનો ઉલાળીયો થઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. ડો. મિહિર મશરૂની નિહિત હોસ્પિટલમાં ચાલી રહેલી કેટલીક ગતિવિધિઓ શંકાસ્પદ છે. અહીં યેનકેન પ્રકારે પૈસા કમાવવા માટે દર્દીઓનો જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે. ખાસ-ખબર દ્વારા આ હોસ્પિટલની મુલાકાત લેવામાં કેટલાક ચોંકાવનારા દૃશ્યો કેમરામાં કેદ થયા હતા. ડો. મિહિર મશરૂની નિહિત હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી એટલું જ નહીં આ હોસ્પિટલ એક ખોબા જેવડી ઈમારતમાં ચલાવવમાં આવી રહી છે, જે પહેલા હોસ્ટેલ હતી. હોસ્પિટલના દરવાજા, પગથિયાં પણ અત્યંત સાંકડા છે સાથે જ આ હોસ્પિટલમાં પ્રવેશતા દર્દીઓને બેસવાની જગ્યાએ ખુલ્લામાં ઓક્સિજનના બાટલા રાખવામાં આવ્યા છે જે પણ નિયમ વિરુદ્ધ છે.
- Advertisement -
આ હોસ્પિટલ એકપણ પ્રકારે હોસ્પિટલ કહેવાને યોગ્ય નથી આમ છતાં અહીં નવજાત બાળકોની સારવાર કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારીથી લઈ કોઈપણ જાગૃત નાગરિક ડો. મિહિર મશરૂની નિહિત હોસ્પિટલની મુલાકાત લેશે તો
ચોંકી ઉઠશે.
અપૂરતી સુવિધા ઉપરાંત સ્ટાફ પણ અપૂરતો
શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી ડો. મશરૂની નીહિત બેબીકેર એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલમાં જરૂરી સુવિધા ઉપરાંત ડોક્ટર – નર્સનો સ્ટાફ પણ અપૂરતો છે. આ હોસ્પિટલમાં સરકારી યોજનાનો લાભ ખાટવા જે પ્રકારે ઈરાદાપૂર્વક દર્દીઓની વધુ સંખ્યા ઉભી કરવામાં આવે છે તે જોતા તેની સારવાર કરવા માટે સ્ટાફ ખૂબ જ ઓછો છે. અમુક ડોક્ટર તો માત્ર ઓનપેપર જ છે. આ મામલે આરોગ્ય વિભાગના અધિકારી અને સંબંધિત વિભાગે તાત્કાલિક પગલાં લેવા આવશ્યક છે.
નિહિત હોસ્પિટલને NOC કોણે આપ્યું?
ડો. મશરૂની નીહિત બેબીકેર એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલને ફાયર એનઓસી મળ્યું છે કે એ તપાસનો વિષય છે. આ હોસ્પિટલમાં ફાયર એક્ઝિટ નથી, ત્રણ ફૂટ જેવડી સીડી છે. બીયુ સર્ટિફિકેટમાં ઘાલમેલ હોઈ શકે. ભૂતકાળમાં એક હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના અભાવે કેટલાય દર્દીઓ જીવતા ભળથું થઈ ગયા હતા. આ પ્રકારનો બનાવ નીહિત બેબીકેર એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ન બને તે માટે હેલ્થ એન્ડ ફાયર વિભાગે તાત્કાલિક અસરથી આ હોસ્પિટલની મુલાકાત લઈ ઘટતું કરવું જોઈએ.