સદી પૂર્વે લખાયેલી કથા, પણ તેમાં કલ્પાયેલું રહસ્યમય વાહન આજ સુધી માનવી બનાવી શક્યો નથી
જૂલે વર્નની આ નવલકથા વાંચનારને અંત સુધી જકડી રાખે છે, ગુજરાતી અનુવાદે વધુ રસ જગાવ્યો
- Advertisement -
ફ્રેન્ચ લેખક જૂલે વર્નનો લેખનકાળ 50 વર્ષ જેટલો લાંબો છે. જૂલે વર્ને અનેક સાઇન્સ ફિક્શન નવલકથાઓ લખી છે. ગુજરાતી ભાષામાં પણ સૌથી વધુ અનુવાદિત થયેલ વિદેશીલેકહ્ક જૂલે વર્ન જ છે. જે એક સદીથી વધુ સમયથી ગુજરાતીમાં અનુવાદ થાય છે. જૂલે વર્ને કલ્પેલી મોટાભાગની વૈજ્ઞાનિક કલ્પનાઓ આજના સમયે સાકાર થઈ ગઈ છે. હવે તેનું સાહિત્ય આજના સમયે સાઇન્સ ફિક્શન રહ્યું નથી. પણ તેમ છતાં તેનું પાત્રલેખન, વાર્તા ગૂંથણી એટલી રસપ્રદ છે જે વાચકોને આજે પણ આકર્ષે છે.
આજે જૂલે વર્નના જે પુસ્તકની વાત કરવી છે, તેની કથામાં ક્લ્પેલી વૈજ્ઞાનિક શોધ માનવી આજે પણ સાકાર કરી શક્યો નથી. આમ આ કથા આજની તારીખે પણ સાઇન્સ ફિક્શન કેટેગરીમાં જ મૂકી શકાય. આ નવલકથાનું નામ છે, માસ્ટર ઑફ ધી વર્લ્ડ. જૂલે વર્નની આ કથા 1904માં સૌ પ્રથમ ફ્રેન્ચમાં પ્રકાશિત થઈ હતી. તેના એક જ વર્ષ બાદ 1905માં જૂલે વર્નનું મૃત્યુ થયું હતું.
નવલકથાની શરૂઆતમાં અમેરિકાના ગ્રેટ આયરિ નામના શિખરમાં કોઇ ભેદી ગડગડાટ સંભળાય છે. આ શિખરના મુખમાં નિષ્ક્રીય જ્વાળામુખી છે. શું તે ખરેખર સક્રીય થયો છે. આ ભેદી ઘટનાની તપાસ કથાના એક ઇંસ્પેક્ટર પાત્ર જોન સ્ટ્રોકને સોંપવામાં આવે છે. તે તેની તપાસમાં ત્યાં પહોંચે છે. પણ તે જાણી શકતો નથી કે શું બની રહ્યું છે.
થોડા દિવસો બાદ અમેરિકાના બીજા ભાગમાં એક ઓટોમોબાઇલ ક્લબની રેસ થવાની હોય છે. ત્યાં ચાલુ રેસમાં એક વણ નોતર્યું વાહન દેખાય છે. જેની ઝડપ ત્યારે શોધાયેલા અન્ય વાહનો કરતાં અનેક ગણી વધુ હોય છે. આ રેસ પૂરી કરી તે વાહન દરિયાની સપાટી પર તરતું ગાયબ થઈ જાય છે. એવી જ અન્ય ભેદી ઘટના અમેરિકાના કોઇ સાગર કાંઠે બને છે. જ્યાં કોઇ અકલ્પનિય ઝડપે ગતિ કરતી નૌકા દેખાય છે અને કોઇ તેના સુધી પહોંચી શકે તે પહેલા ગાયબ થઈ જાય છે. પછી એક પત્ર અમેરિકી સરકારને મળે છે. જે આવા ભેદી વાહનોના ચાલક તરીકે પોતાને માસ્ટર ઑફ ધી વર્લ્ડના નામે ઓળખાવે છે.
આગળ જતા આવી જ કેટલીય રહસ્યમયી ઘટનાઓ અમેરિકામાં બને છે. જેની પાછળ માસ્ટર ઑફ ધી વર્લ્ડના નામે ઓળખાતી ભેદી વ્યક્તિ હોય છે. તેને કોઈ જાણતું નથી. અમેરિકન સેના પણ એને પકડવા અનેક પ્રયત્નો કરે છે. પણ તેની પાસે પોતાનું શોધેલું એવું વાહન છે, જેને કોઈ પકડી ન શકે. માસ્ટર ઑફ ધી વર્લ્ડ તેની આગવી શોધને દુનિયાના શાસકોને આપવા નથી ઇચ્છતો. તે અમેરિકા અને વિશ્વની સામ્રાજ્યવાદી વિચારધારાને ધિક્કારે છે. આગળ શું થાય છે, તે માટે વાચકે આ પુસ્તક વાચવું રહ્યું. પુસ્તકનો અનુવાદ જૂલે વર્નના પ્રખર વાચક અને અનુવાદક જીગર શાહ એ ખૂબ રસાળ શૈલીમાં કર્યો છે. કથામાં અમેરિકા અને અન્ય સામ્રાજ્યવાદી દેશોની જૂલે વર્ને ખૂબ આકરા શબ્દોમાં ટીકા કરી છે. જૂલે વર્ન વિજ્ઞાનપ્રેમી હોવા છતાં પોતાના જીવનના અંતિમ સમયમાં વિજ્ઞાનના વિકાસ પ્રત્યે નિરાશાવાદી થઈ ગયા હતા. તેમણે શસ્ત્રોની દોટ અને માનવીય હિંસકવૃત્તિને દર્શાવતી અન્ય કથાઓ પણ જીવનના પાછલા વર્ષોમાં લખી છે. બધી કથાઓમાં વિજ્ઞાનના વિકાસને તેમણે નિરાશાના સૂરમાં વર્ણવ્યો હોય એવું લાગે છે. તે સ્વપ્નદ્રષ્ટાએ વિજ્ઞાનના વિકાસના માઠા પરિણામોને પણ પામી લીધા હતા. એમના મૃત્યુના માત્ર થોડા દશકમાં બે વિશ્વયુધ્ધો થઈ ગયા. આ કથામાં જૂલે વર્ને કલ્પેલું સાધન એટલું આધુનિક હતું કે આજની તારીખે પણ માનવી આવું વાહન બનાવી શક્યો નથી. વાચકોએ આ કથા ખાસ વાચવી રહી.



