તીર્થ સ્થળની પવિત્રતા જાળવવા કોઇ બાંધછોડ નહીં, ધાર્મિક લાગણીને હાનિ નહીં થવા દેવાય
2019માં તત્કાલીન ભાજપ સરકારે પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો-હવે તેની પુર્નવિચારણા કરીને દરખાસ્ત રદ કરવા તથા પવિત્ર ક્ષેત્રને ‘ધાર્મિક સ્થળ’ જાહેર કરવાની પણ તૈયારી-ઝારખંડ સરકારનો નિર્દેશ
- Advertisement -
જૈનોના અત્યંત પવિત્ર ધર્મસ્થાન સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની યોજના સામે દેશભરમાં ફાટી નીકળેલા આક્રોશને પગલે ઝારખંડ સરકાર ઢીલી પડી છે અને આ દરખાસ્ત પાછી ખેંચવાની તૈયારી બતાવી છે. ઝારખંડમાં જેએમએમના વડપણ હેઠળની સરકારે એવી ચોખવટ કરી હતી કે પારસનાથ હીલ (સમ્મેદ શિખરજી)ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દરખાસ્ત 2019માં તત્કાલીન ભાજપ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ ક્ષેત્રને કેન્દ્ર સરકારે ઇકો-સેન્સેટીવ ઝોન જાહેર કર્યા બાદ તત્કાલીન રઘુબાર દાસ સરકારે આ દરખાસ્ત કરી હતી.
હવે જૈન સમાજના વિરોધને ધ્યાને રાખી જૂની દરખાસ્ત રદ કરવાની તૈયારી છે એટલું જ નહીં તેને ધાર્મિકસ્થળ જાહેર કરવાની પણ તૈયારી છે. સરકાર ધાર્મિક પવિત્રતા જાળવવા પ્રતિબધ્ધ છે. જૈનોની ધાર્મિક લાગણીને દુભાવવાનો કોઇ ઇરાદો નથી. જૈન સમાજ દ્વારા એવી શંકા-દહેશત વ્યક્ત કરવામાં આવી હતી કે સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો ત્યાં શરાબ-માંસાહાર જેવા દુષણો ઉભા થઇ શકે છે. જૈનોના 24 પૈકિના 20 તિર્થંકરોએ આ સ્થળે મોક્ષ મેળવ્યો છે. ત્યારે આ ધર્મસ્થળની પવિત્રતા જળવાઈ ન શકે.સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના રાજ્ય સરકારના પ્રસ્તાવ સામે દેશ-વિદેશના જૈન સમાજમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો.
છેલ્લા બે દિવસ દરમ્યાન મુંબઈ, દિલ્હી, કોલકતા જેવા મહાનગરો ઉપરાંત રાજકોટ સહિતના શહેરોમાં જૈન સમાજ દ્વારા મહારેલી યોજવામાં આવી હતી. આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી. સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય પરત ખેંચવામાં ન આવે ત્યાં સુધી અહિંસક લડત-આંદોલન જારી રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું. જૈનોનું આ પવિત્ર ધર્મસ્થળ છે અને તેની પવિત્રતા અકબંધ રહે તે માટે પ્રોજેક્ટ પડતો મુકવાની માંગ કરી હતી. હવે ઝારખંડ સરકારે જૈનોની માંગ સ્વીકારીને ત્રણ વર્ષ પૂર્વેની દરખાસ્ત રદ કરવા સુધીની તૈયારી બતાવી છે ત્યારે વ્હેલીતકે વિવાદ ઉકેલાઇ જવાનું મનાય છે.
- Advertisement -
પાલીતાણામાં જૈન મંદિરો-યાત્રીઓની સુરક્ષા માટે ખાસ પોલીસ ટીમ
પ્રાચીન પગલાને અસામાજીક તત્વોએ નુકશાન કરતા જૈન સમાજના પ્રચંડ આક્રોશ બાદ તાત્કાલીક નિર્ણય
ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ 36 અધિકારી-જવાનોની ટીમ : ટ્રાફિક, પાર્કિંગ, હેલ્પડેસ્ક, દબાણ, ડોલી નિયમન સહિતની જવાબદારી : તળેટીમાં જ તૈનાત
જૈનોના પવિત્ર તીર્થધામ એવા પાલીતાણામાં ભગવાનના પ્રાચીન પગલાને અસામાજીક તત્વો દ્વારા થયેલા નુકસાન મામલે આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે રાજ્ય સરકારે રાતોરાત પાલીતાણાના જૈનમંદિરો તથા પ્રવાસી શ્રધ્ધાળુઓની સુરક્ષા વધારવાના તત્કાલીન પગલા જાહેર કર્યા છે. પાલીતાણામાં સુરક્ષા માટે ખાસ પોલીસ ટીમ તૈનાત રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.
ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર તથા જીલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ દ્વારા પાલીતાણાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીને સલામતી બંદોબસ્ત વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શેત્રુંજય પર્વત સ્થિત જૈન મંદિરો તથા શ્રધ્ધાળુઓની સુરક્ષા માટે તળેટી ખાતે જ કાયમી ધોરણે ખાસ પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સ્પેશ્યલ પોલીસ ટીમમાં એક પીએસઆઈ, બે એએસઆઈ, ત્રણ હેડ કોન્સ્ટેબલ તથા 12 કોન્સ્ટેબલની ફાળવણી કરવામાં આવી છે જેઓ ડીવાયએસપી કક્ષાના અધિકારીના વડપણ-માર્ગદર્શન હેઠળ કામગીરી બજાવશે.
આ ઉપરાંત ટ્રાફિક સમસ્યા હલ કષરવા તથા શ્રધ્ધાળુઓને કોઇ અગવડ ન રહે તે માટે પાંચ ટ્રાફિક જવાન, પાંચ મહિલા હોમગાર્ડ તથા આઠ ટીઆરબી જવાનોને પણ તૈનાત રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. પોલીસની આ ખાસ ટીમને શેત્રુંજય પર્વતની સુરક્ષા તથા યાત્રીઓની સલામતી ઉપરાંત ટ્રાફિક નિયમન, દબાણ, યાત્રી હેલ્પડેસ્ક, મહિલાઓની સુરક્ષા, ડોલી નિયમન, એન્ટ્રી ચેકિંગ તથા પાર્કિંગની જવાબદારી રહેશે.પાલીતાણામાં અસામાજીક ઘટના સામે જૈન સમાજમાં રોષ હતો અને મહારેલી યોજવામાં આવી હતી તે પછી સરકારે તાત્કાલીન પગલા લીધા છે.