ખાસ-ખબર સંવાદદાતા
ઈરાનની રાજધાની તેહરાનમાં પોલીસે એલાન કર્યુ છે કે ત્યાંના પાર્કમાં શ્વાનને ફરાવવા એક ગુનો છે. આ પ્રતિબંધ જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવ્યો છે.
અત્યારે મહિનાઓ સુધી ચાલેલી ચર્ચા બાદ ઈરાનની સંસદ ટૂંક સમયમાં જ ’પ્રાણીઓ સામે લોકોના અધિકારોનું રક્ષણ’ ના નામે એક બિલને મંજૂરી આપવા જઈ રહી છે. એવુ થયા બાદ સમગ્ર દેશમાં ઘરમાં કૂતરા, બિલાડી જેવા પાલતુ જાનવરોને રાખવા એક ગુનો ગણાશે. પ્રસ્તાવિત કાયદાની જોગવાઈઓ અનુસાર ઘરમાં પાલતુ જાનવર ત્યારે જ રાખી શકાશે જ્યારે આની માટે બનેલી એક વિશેષ સમિતિ પાસેથી પરવાનગી મેળવી હોય. આ કાયદા અનુસાર બિલાડી, કાચબા, સસલા જેવા અમુક જાનવરોની આયાત, ખરીદ-વેચાણ, લાવવા લઈ જવા અને રાખવા પર લગભગ 800 ડોલરનુ લઘુતમ દંડ પણ ફટકારવામાં આવી શકે છે.સરકારે કૂતરા માટે પણ જેલ બનાવી છે. કૂતરાઓને ત્યાં ઘણા દિવસો સુધી પૂરતા ભોજન-પાણી વિના રાખવામાં આવે છે. કૂતરાઓના માલિકોને દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
- Advertisement -
ઈરાન પર વર્ષો સુધી લાગેલા પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધોથી પેદા થયેલા આર્થિક સંકટની પણ આ નવા બિલને રજૂ થવામાં મહત્વની ભૂમિકા રહી છે. ઈરાનના વિદેશી વિનિમય અનામતને બચાવવા માટે પાલતુ પશુઓના ભોજનની આયાત પર ત્રણ વર્ષ કરતા વધારે સમય માટે પ્રતિબંધ લગાવી દીધા છે. પ્રસ્તાવિત કાયદા માત્ર કૂતરા માટે જ મુશ્કેલી ઊભી નહીં કરે. આના નિશાને બિલાડીઓ પણ છે. આ કાયદામાં મગરનો પણ ઉલ્લેખ કરાયો છે. ઈરાન પર્સિયન કેટના જન્મસ્થાન તરીકે મશહૂર રહ્યુ છે. આ બિલાડીઓની દુનિયાની સૌથી પ્રસિદ્ધ જાતિમાંની એક છે. જો સંસદ આ બિલ પસાર કરશે તો આગામી પેઢીઓ આ સમયને કૂતરા અને બિલાડીઓ પર પ્રતિબંધ લાગ્યા હતા તે રીતે યાદ કરશે.