કમર પર એરગન લટકાવી ફરતો શખ્સ ક્યારેક ‘આપ’નો કાર્યકર તો ક્યારેક સમાજ સેવક બની લોકોને પ્રભાવિત કરવા સોશિયલ મીડિયામાં ફોટો મૂકે છે!
પોલીસ દ્વારા ફાળવવામાં આવતા બાઈકનો ઉપયોગ કરતો હોય બાઈક ક્યા પોલીસ સ્ટાફનું છે તે તપાસ પણ જરૂરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
માધાપર ચોકડી પાસે આવેલા ધ સ્પેશ નામના બિલ્ડિંગમાં રહેતો શખ્સ મુકુંદ રાવલ પોતે પોલીસમાં હોવાનો રોફ જમાવતો હોય તેમ કમર પર એરગન લટકાવી લોકો પર પ્રભાવ પાડે છે. આ પ્રકારના અનેક ફોટા પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જોવા મળે છે. આ ઉપરાંત ક્યારેક ‘આપ’ પક્ષનો ખેસ પહેરી વર્તમાન મુદ્દા ઉપર વિરોધ કરતો અને લોકોની સેવા કરતો હોય તેવા અનેક ફોટા પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફરતા થયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ખરેખર આ શખ્સ મુકુંદ રાવલ આપ પક્ષનો કાર્યકર છે કે પછી પોલીસનો જવાન તે તપાસનો વિષય છે. વધુમાં જાણવા મળ્યું છે કે આ મુકુંદ રાવલ નામનો શખ્સ પોલીસ દ્વારા ફાળવવામાં આવતા બાઈકનો પણ ઉપયોગ કરે છે. પોલીસના બાઈક સાથેના ફોટા પણ તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં જોવા મળે છે ત્યારે આ પોલીસ દ્વારા ફાળવવામાં આવેલું બાઈક ક્યા પોલીસ સ્ટાફનું છે તે જાણવું પણ જરૂરી છે. પોતે પોલીસ હોવાનો રોફ જમાવી અનેક લોકોને ત્રાસ આપતો હોવાની પણ અનેક ફરિયાદો લોકોમાં છે ત્યારે આ બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે.
છેલ્લા પાંચ વર્ષથી જે બિલ્ડિંગમાં રહે છે તે બિલ્ડરને પણ વારંવાર ધમકી આપતો હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત અરજી કરીને અનેક સરકારી કર્મચારીને માનસિક ત્રાસ આપતો હોવાનું જાણવા મળ્યું છે.
મુકુંદ રાવલ સામે શિક્ષણ અધિકારીએ પોલીસમાં અરજી કરી
રાજકોટ વાલી મંડળનો પ્રમુખ છું અને પોલીસ ખાતામાં ફરજ બજાવું છું તેમ કહી કચેરીના ફરજ પરના કર્મચારીઓની જાણ બહાર મોબાઈલમાં ફોટા પાડી અને વીડિયો ઉતારી સરકારી ફરજમાં રૂકાવટ થાય તે પ્રકારે ગેરવર્તન કરે છે ત્યારે આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ 24 સપ્ટેમ્બર 2021ના રોજ રાજકોટ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મુકુંદ રાવલ સામે અરજી આપી હતી અને જણાવ્યું હતું કે મુકુંદ રાવલ સામે શક્ય એટલા પગલાં લેવા અને કચેરીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાર્યવાહી કરવા અરજી કરી હતી.