વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ઉછાળાના પગલે એમસીએક્સ સોનું ફરી નવી ઐતિહાસિક ટોચે
ટ્રેડવોરના કારણે દુનિયામાં મંદીની શક્યતાઓ વધી છે. મંદીની ભીતિ વચ્ચે ફોરેક્સ અને ઈક્વિટી માર્કેટમાં કડાકાના કારણે કિંમતી ધાતુમાં તોફાની તેજી આવી છે. ભારતમાં આજે સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 1 લાખ રૂપિયાને પાર થયો છે. અમદાવાદમાં પણ ગઈકાલે સોનું રૂ. 99500 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું હતું. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ઉછાળાના પગલે એમસીએક્સ સોનું પણ આજે ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે.
- Advertisement -
સોનાના ભાવ ફરી એકવાર ઇતિહાસ સર્જી રહ્યા છે. વાસ્તવમાં અમેરિકા અને ચીન વચ્ચે વધતા ટેરિફ યુદ્ધે વૈશ્વિક બજારને હચમચાવી નાખ્યું છે. આ સમય દરમિયાન લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોનું ખરીદીને પોતાનો પોર્ટફોલિયો સુરક્ષિત કરી રહ્યા છે. આ જ કારણ છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ, ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે.
ફરી એકવાર સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે એટલે કે 22 એપ્રિલના રોજ સોનાના ભાવમાં 3000 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે, સોનું 1 લાખ રૂપિયાના ઐતિહાસિક ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ કારણે ઘણા નિષ્ણાતોએ તેમના અંદાજ બદલવા પડ્યા છે. જે લોકો સોનાના ભાવમાં નરમાઈની વાત કરી રહ્યા હતા તેઓ હવે આગાહી કરી રહ્યા છે કે તેમાં ઝડપથી વધારો થશે.
આજે શું છે સોના-ચાંદીના ભાવ ?
- Advertisement -
આજે સોનાના ભાવમાં 3000 રૂપિયાનો વધારો થયો છે. ગુડ રિટર્ન્સ અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,01,350 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે ગઈકાલે તેની કિંમત 98,350 રૂપિયા હતી. આ રીતે સોનાએ પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયાનો ઐતિહાસિક આંકડો પાર કરી લીધો છે. ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ.1,01,000 પર ચાલી રહ્યો છે.
અમેરિકામાં પણ સોનાના ભાવ વધ્યા
અમેરિકામાં પણ મંગળવારે સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો. ટ્રમ્પ દ્વારા ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની ટીકા અને વેપાર પર વધતા તણાવ વચ્ચે આર્થિક વિકાસમાં અવરોધ આવવાના ભયને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધી છે. $3,443.79 પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા પછી, શરૂઆતના વેપારમાં સ્પોટ ગોલ્ડ 0.1 ટકા વધીને $3,429.03 પ્રતિ ઔંસ પર પહોંચ્યો.
જાણો શું છે અમદાવાદમાં સોનાનો ભાવ ?
goodreturns.in વેબસાઇટ પરથી મેળવેલ આંકડાઓ મુજબ અમદાવાદમાં આજે સોનાનો ભાવ 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹10,140, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹9,295 અને 18 કેરેટ સોના (જેને 999 સોનું પણ કહેવાય છે) માટે પ્રતિ ગ્રામ ₹7,605 છે.
દિલ્હીમાં 10 ગ્રામદીઠ સોનાનો ભાવ આજે રૂ. 1650 ઉછળી રૂ. 99800એ પહોંચ્યો છે. જેનો રિટેલ ભાવ રૂ. 1,00,000 ક્રોસ થયો છે. એમસીએક્સ સોનું રૂ. 98910 પ્રતિ 10 ગ્રામની ટોચે પહોંચ્યો છે. અમદાવાદમાં પણ સોનાનો ભાવ આજે ઉછાળા સાથે 1,00,000ની સપાટી વટાવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
એપ્રિલમાં સોનાનો ભાવ રૂ. 6000 વધ્યો
ચાલુ કેલેન્ડર વર્ષમાં અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ લેવલ સામે 26.43 ટકા વધ્યો છે. જે 31 ડિસેમ્બરે રૂ. 78700 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો હતો. જે ગઈકાલે રૂ. 99500 થયો છે. ચાંદીમાં પણ 12.14 ટકા રિટર્ન છૂટી રહ્યું છે. એપ્રિલ મહિનામાં જ સોનાના ભાવમાં રૂ. 6000નો ઉછાળો નોંધાયો છે.