દસાડાના ધારાસભ્યએ નિરાકરણ કર્યું હોવાની વાત પોકળ
અગરિયાઓએ સાંસદને રજૂઆત કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કચ્છના નાના રણની ગાંધીએ આવેલ ખારાઘોડા નવાગામ અને સ્ટેશન વિસ્તારના રહીશો આઝાદી પૂર્વેથી અહીંયા વસવાટ કરી રહ્યા છે છતાં રહેણાંક જમીન પણ આજ દિન સુધી સરકાર દ્વારા આપવામાં આવી નથી અહીં ભારત સરકાર દ્વારા સ્થાપિત હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડની માલિકીની જગ્યા હોવાથી સ્ટેશન તથા નવાગામમાં રહેતા મીઠા કામદારો પાસેથી પેન્ટી પેટે નાણાં વસૂલવામા આવતા હતા જમીન સરકારી હોવાથી જમીન લક્ષી યોજના જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના તથા સડક નિર્માણ યોજના,આંગણવાડી નવી બિલ્ડીંગ સહિતની યોજનાઓથી અગરિયાઓ અને તેમના બાળકો વંચિત રહ્યા છે આ બાબતે અગરિયાઓ મોટી સંખ્યામાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડની ઓફિસે દસાડાના ધારાસભ્ય પી.કે.પરમારને રાખી સાથે પહોંચ્યા હતા.
ત્યારબાદ અગરિયાઓ પાસેથી લેવામાં આવતી પેનલ્ટી અને ગેરકાયદે બાંધકામ બાબતે નોટીસ નહીં આપવામાં આવે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી અને દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હોવાની ચારે કોર ચર્ચા થઈ હતી પરંતુ દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હોવાની વાત પોકળ સાબિત થઈ છે કારણ કે પ્રશ્ર્નો હજુ પણ યથાવત રહ્યા છે અને પ્રશ્ર્નોના નિરાકરણ બાબતે અગરિયાઓ દ્વારા સુરેન્દ્રનગર લોકસભા સીટના સાંસદ ચંદુભાઈ શિહોરાને રજૂઆત કરવામાં આવી છે દસાડાના ધારાસભ્ય પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી દીધું હોવાનું સોશિયલ મીડિયા સહિત અનેક માધ્યમોમાં પ્રસારિત થયું હતુ પરંતુ અગરિયાઓના પ્રશ્ર્નો જે છે તે સ્થિતિમાં રહેવા પામ્યા છે.