દેશનો સરેરાશ સેક્સ રેશિયો ૯૨૭ છે ત્યારે ગુજરાતનો સેક્સ રેશિયો ૯૧૧ જ

ગુજરાત સરકાર મહિલા દીનની ઉજવણી કરી મોટી વાહવાહી ખાટે છે હકિકતે ગુજરાતને સ્ત્રીઓ ગમતી ન હોવાની હકિકત રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર કચેરીએ કરેલા એક સરવેમાં સામે આવી છે. સેક્સ રેશિયોમાં દેશના મોટા ૨૨ રાજ્યોમાં ગુજરાતનો નંબર ૧૪મો આવે છે. સ્ત્રીને ન ગમાડવાનો સૌથી મોટો પ્રશ્ન ભણેલા-ગણેલા શિક્ષિત વર્ગમાં છે. શહેરી વિસ્તારના સેક્સ રેશિયામાં ગુજરાત દેશમાં તળીયે છે. દેશમાં દિલ્હી પછી સૌથી ખરાબ સ્થિતિ ગુજરાતની છે. દેશમાં શહેરી વિસ્તારનો સરેરાશ સેક્સ રેશિયો ૯૧૪ છે જ્યારે ગુજરાતનો માત્ર ૮૪૩ છે. આમ દેશના ૨૨ મોટા રાજ્યોમાં ગુજરાતનો ૨૧મો ક્રમાંક આવે છે. દિલ્હીમાં શહેરી વિસ્તારમાં સેક્સ રેશિયો સૌથી નબળો ૮૦૪ છે.

જુલાઈ-૨૦૧૭થી જૂન-૨૦૧૮ દરમિયાન યોજાયેલ આ સરવે પ્રમાણે, દેશના સરેરાશ સેક્સ રેશિયો કરતાં પણ ગુજરાતની હાલત ખરાબ છે. દેશનો સરેરાશ સેક્સ રેશિયો ૯૨૭ છે ત્યારે ગુજરાતનો સેક્સ રેશિયો ૯૧૧ જ છે. ગુજરાતના શહેરી વિસ્તારમાં પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ ઘણુ ઓછુ છે. ગુજરાતના શહેરી વિસ્તારમાં ૧ હજાર પુરૂષોએ માત્ર ૮૪૩ સ્ત્રીઓ છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ આંકડો ૯૫૬ છે. કેરળ, હિમાચલ પ્રદેશ, તામિલનાડું અને આંધ્રપ્રદેશ એવા રાજ્યો છે કે જ્યાં પુરૂષો કરતાંય સ્ત્રીઓનું પ્રમાણ વધુ છે. જેમાં સૌથી વધુ કેરળમાં દર હજાર પુરૂષોએ ૧,૦૪૮ સ્ત્રીઓ છે. કેરળ એકમાત્ર રાજ્ય એવુ છે કે જ્યાં શહેરી વિસ્તારનો સેક્સ રેશિયો ગ્રામ્ય વિસ્તાર કરતાં વધુ છે. આ રાજ્યમાં હજાર પુરૂષોએ સ્ત્રીની સંખ્યા ૧,૦૬૫ છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ સંખ્યા ૧,૦૩૫ છે. આ સિવાય તામિલનાડુમાં શહેરી વિસ્તારમાં હજાર પુરૂષોએ સ્ત્રીની સંખ્યા ૧,૦૧૨ અને ગ્રામ્ય વિસ્તારમાં આ સંખ્યા ૧,૦૧૬ છે. જોકે આખા રાજ્યને સેક્સ રેશિયો ૧,૦૧૪ છે.

આ રાજ્યોનો સેક્સ રેશિયો ગુજરાત કરતાં ઊંચો

કેરળ ૧૦૪૮
હિમાચલ પ્રદેશ ૧૦૩૦
તામિલનાડું ૧૦૧૪
આંધ્રપ્રદેશ ૧૦૦૩
તેલંગણા ૯૮૪
પશ્ચિમ બંગાળ ૯૬૩
ઓરિસ્સા ૯૪૯
છત્તીસગઢ ૯૩૯
ઝારખંડ ૯૩૦
ઉતરાખંડ ૯૨૭
મહારાષ્ટ્ર ૯૨૦
ઉત્તર પ્રદેશ ૯૧૮
રાજસ્થાન ૯૧૨